કાપવાથી કપાય નહીં, તોડવાથી તૂટે નહીં એ પ્રેમ

20 October, 2021 06:39 PM IST  |  Mumbai | Morari Bapu

પ્રેમમાં કામના ન રહે. પ્રેમ સાથે કામનાનું હોવું એ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ નથી. પ્રેમમાં કામના ન રહે. રતિ પ્રેમનું લક્ષણ છે, નિષ્કામ રતિ. કામદેવની પત્ની રતિ નહીં. 

પ્રતીકાત્મક તસવીર

નારદજીએ સૂચવેલાં એ લક્ષણોમાંથી પહેલા લક્ષણ ગુણરહિતમની વાત આપણે કરી. હવે કરીએ બીજા ગુણની વાત. બીજો ગુણ છે કામનારહિતમ.
પ્રેમમાં કામના ન રહે. પ્રેમ સાથે કામનાનું હોવું એ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ નથી. પ્રેમમાં કામના ન રહે. રતિ પ્રેમનું લક્ષણ છે, નિષ્કામ રતિ. કામદેવની પત્ની રતિ નહીં. 
‘જનમ જનમ રતિ રામ પર’. આ રતિના પાંચ પ્રકાર છે. પહેલો પ્રકાર છે શાંત રતિ, જે પ્રેમમાં વ્યક્તિ શાંત થઈ જાય છે અને આત્મા અંદરથી નૃત્ય કરે છે. બીજો પ્રકાર છે સખ્ય રતિ, જેમાં પ્રેમમાં ફરિયાદ કરવી, છેડછાડ કરવી, મજાક-મસ્તી સાથે રહેવું. ત્રીજો પ્રકાર છે વાત્સલ્ય રતિ, જેમાં પ્રેમમાં વઢવું, ધમકાવવું હકપૂર્વક થઈ શકે. જે રીતે યશોદામૈયા કૃષ્ણને ઠપકો આપતાં હતાં એ રીતે ઠપકો આપવો, પણ પૂરા પ્રેમથી. ચોથો પ્રકાર છે માધુર્ય રતિ, જે રાધિકામાં છે. પાંચમો પ્રકાર છે દાસ્ય રતિ, ક્યારેય કોઈ ફરિયાદ નહીં, કિંકરભાવ, જેમાં આદેશને ફળ માનવામાં આવે એવો પ્રેમ.
નારદે વર્ણવેલા પ્રેમમાં હવે આપણે વાત કરીએ ત્રીજા સ્થાન પર આવતા પ્રતિક્ષણ વર્ધમાનની.
જે પળેપળ વધતો રહે એ પરમ પ્રેમ છે. આ એકદમ સીધોસાદો અરીસો છે. પોતાનો પ્રેમ રોજ વધતો હોય તો સમજવું કે આ પરમ પ્રેમ છે. બાકી એક દિવસ વધે, એક દિવસ ગુમ થઈ જાય, પાછો ત્રીજા દિવસે વધે અને ચોથા દિવસે ઓટ દેખાય તો સમજવું કે આ પરમ પ્રેમની સ્થિતિ નથી. પ્રતિક્ષણ નવો અનુરાગ હોય. બ્રહ્મસંબંધમાં પણ એક વાર સંબંધ થઈ ગયો તો પછી એ ઘટવાનો સ
વાલ જ ઊભો થતો નથી. ઘટે તો એમ સમજવું કે બ્રહ્મસંબંધ થયો જ નથી. એ ભ્રમ છે, જો બ્રહ્મસંબંધ થઈ જાય તો, પ્રેમ થઈ જાય તો એ ઘટતો નથી. આ સંબંધ એવો છે કે એમાં વૈધવ્યની વ્યવસ્થા નથી. અહીં તો ચૂડલો અખંડ રહે છે. અહીં તો સેંથામાં સિંદૂર કાયમ ભરેલું રહે છે. પ્રેમસૂત્ર તો સાધકનું મંગળસૂત્ર છે.
હવે વાત કરીએ ચોથા ક્રમે આવતા અવિચ્છિન્નમની.
કાપવાથી કપાઈ ન શકે, તોડવાથી ક્યારેય ન તૂટી શકે, ક્યારેય છિન્નભિન્ન ન થાય એવી અતૂટ, અવિચ્છિન્નમ ધારા વહે એને નારદ પ્રેમનું નામ આપે છે. આવો પ્રેમ એક અખંડ ધારારૂપે વહેતો રહે છે. નદીનું જેમ એક જ ઉદ્ગમ હોય એમ પ્રેમની પણ એક જ પરંતુ અખંડ ધારા વહેતી હોય છે.
નારદજીએ સૂક્ષ્મતરને પણ સરસ રીતે વર્ણવ્યો છે. અત્યંત સૂક્ષ્મ પ્રેમ. તત્ત્વ પ્રેમ, જે માણસનો છે. આવો પ્રેમ બહુ દુર્લભ છે. ભીતરની આરપાર જે જોઈ શકે એ જ આ મર્મને વેધી શકે. સ્થળપ્રેમથી એક પગલું એ આગળ રહે છે.

astrology columnists