પ્રેમ ગંગા છે, એ ખતમ ન થાય, પણ વધતો જાય

30 September, 2021 07:45 AM IST  |  Mumbai | Morari Bapu

મીણબત્તી ઓલવી એ પછી જ ચાંદો ઊગ્યો એમ નથી. એ તો ક્યારનોય ઊગેલો હતો, પણ મીણબત્તી બુઝાવી ત્યારે છેક મને ખબર પડી કે ચાંદની પથરાઈ રહી છે. 

પ્રતીકાત્મક તસવીર

કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જીવનના એક પ્રસંગની આજે આપણે વાત કરવાની છે.
એક રાતે તેઓ નૌકામાં વિહાર કરતા હતા. વિહાર કરતાં તેમને પુસ્તક વાંચવાનું મન થયું એટલે તેમણે મીણબત્તી સળગાવીને પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. છેક રાતે ૧૨ વાગ્યે પુસ્તક પૂરું થયું એટલે તેમની નજર નૌકાની બહાર સાગરજળ પર પથરાયેલી ચાંદની પર ગઈ. આકાશમાં પ્રકાશતો પૂર્ણિમાનો ધવલ ચંદ્ર જોયો અને તેઓ આશ્ચર્યથી ભરાઈ ગયા. 
‘અરેરે! પૂનમના ચંદ્રની ચાંદની મારી નૌકામાં ઊતરી આવી છે ને હું તો મીણબત્તી સળગાવીને બેઠો છું!’ 
ટાગોરે ઝટ મીણબત્તી બુઝાવી દીધી. આખી હોડી ચાંદનીના ધવલ પ્રકાશથી તરબતર થઈ ગઈ.
કવિવરે એ ચાંદનીના ધવલ પ્રકાશનો અનુભવ કર્યો અને એ અનુભવની સાથોસાથ તેમનું વિચારમંથન ચાલ્યું, ‘હું આ શું કરતો હતો? આ મીણબત્તીનો પ્રકાશ જ મને ચાંદનીની મજાથી વંચિત રાખતો હતો. એ ઓલવાય ત્યારે જ મને ખબર પડી કે ચાંદનીનો પ્રકાશ કેવો રૂડો છે. મીણબત્તી ઓલવી એ પછી જ ચાંદો ઊગ્યો એમ નથી. એ તો ક્યારનોય ઊગેલો હતો, પણ મીણબત્તી બુઝાવી ત્યારે છેક મને ખબર પડી કે ચાંદની પથરાઈ રહી છે. 
આ જ રીતે, આ જ રીતે ઈશ્વરના આ વિશ્વમાં પણ પ્રેમની ચાંદની સચરાચર વરસી રહી છે, પણ હું ને તમે ઈર્ષ્યા, દ્વેષ અને કુટિલતાની મીણબત્તીઓને ફૂંક મારતા નથી અને એ મારતા નથી એટલે જ પ્રેમનો સુખદ અનુભવ આપણને થતો નથી. જો ઈર્ષ્યા, દ્વેષ, નાના-મોટા કુવિચારો વગેરેની મીણબત્તીઓ જીવનનૌકામાંથી ઓલવાઈ જાય તો જ પ્રેમની ચાંદનીનું અજવાળું આપણા જીવનના નૌકાવિહાર પર ઊતરે અને એ ઊતરે એને માટે ફૂંક મારવાની તૈયારી રાખવી પડે.
સાચા પ્રેમનું સૌથી મહત્ત્વનું લક્ષણ એ છે કે એ રોજેરોજ વધતો જાય છે, પરંતુ થાય છે શું? જેવી કોઈ વાત મનને અનુકૂળ ન થઈ કે પ્રેમ ઘટી જાય છે, શ્રદ્ધા ઓછી થઈ જાય છે. આ જ વાત ઉદાહરણ સાથે જોવી જોઈએ.
જે લોકોએ ગંગાનું ઉદ્ગમ જોયું છે, જે લોકો ગૌમુખ-ગંગોત્રી ગયા છે તેઓ જાણે છે કે ત્યાં ગંગાનો પ્રવાહ કેટલો નાનો છે. તેજ ગંગા આગળ વધતી-વધતી ગંગાસાગર પહોંચે છે ત્યારે એનો વિસ્તાર એટલો થઈ જાય છે જાણે બીજો સાગર હોય. એથી વિપરીત, નહેર જ્યાંથી નીકળે છે એ સમયે એમાં પાણી ઘણું હોય છે, પરંતુ જ્યારે એ ખેતર સુધી પાણી પહોંચાડતી આગળ વધે છે ત્યારે એમાં પાણી ઓછું થઈ જાય છે. એવું ઇન્દ્રિયોનું છે. ભાવના વ્યક્ત થાય ત્યારે એમાં સારું જોમ હોય, પરંતુ એ જ્યારે આમતેમ ફંટાઈ જાય ત્યારે એનું જોશ ઘટીને ખતમ થઈ જાય. પ્રેમ ગંગા છે. એ ક્યારેય ખતમ નથી થતો, પરંતુ વધતો જાય છે. 

columnists astrology