જાણો તમારું સાપ્તાહિક રાશિફળ

14 August, 2022 08:15 AM IST  |  Mumbai | Aparna Bose

જો ૧૪થી ૨૨ ઑગસ્ટ દરમ્યાન તમારો જન્મદિવસ હોય...અંગત અને વ્યાવસાયી જીવનમાં કૂથલીઓ અને કૂથલીખોરોથી દૂર રહેવું. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં આવશ્યક બધી માહિતી ભેગી કરી લેવી, અન્યથા ભૂલ થવાની શક્યતા રહે છે. સંબંધો અને મૈત્રી બાબતે થોડી વધુ દરકાર લેવી

પ્રતીકાત્મક તસવીર

 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

તમે ઑનલાઇન કે ઑફલાઇન કોઈ ગ્રુપમાં વાતચીત કરી રહ્યા હો ત્યારે સાવધ રહેવું. જો તમે જીવનશૈલીમાં ફેરફાર લાવવા પ્રયત્નશીલ હો તો શિસ્ત અને આત્મનિયંત્રણ ઉપયોગી નીવડશે. 
જીવનસુધાર માટે સૂચન ઃ કોઈ પણ વિષયમાં ઊંડા ઊતરીને સંપૂર્ણ ચકાસણી કરી લેવી. ઉતાવળે નિર્ણય લેવો નહીં. સમગ્ર જીવનનો વિચાર કરીને જ આગળ વધવું. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જે વાસ્તવમાં બિનજરૂરી હોય એવી તમામ પેચીદી સ્થિતિથી દૂર રહેવું. પરિવારની બાબતો પર જ લક્ષ આપવું. તમે ભાવિ પેઢી માટે જે મૂકી જવાના છો એને જ મહત્ત્વ આપવું. 
જીવનસુધાર માટે સૂચન ઃ તમારા અંતરાત્માના અવાજને અનુસરો અને પ્રેમ અને કરુણા રાખીને વર્તવું. તમે જે પરિવર્તન લાવવા માગો છો એની શરૂઆત પોતાનાથી કરવી. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમામ બિનજરૂરી વસ્તુઓને બાજુએ રાખી દેવી. સકારાત્મકતા રાખવી અને ટૂંકા ગાળાનાં લક્ષ્યો સુધી પહોંચવા માટે નક્કર પગલાં ભરવાં. સખત મહેનત કરવાની તૈયારી રાખવી. 
જીવનસુધાર માટે સૂચન ઃ ભૂતકાળને સાવ ભૂલીને જીવનની નવેસરથી શરૂઆત કરો. વણઉકેલ્યા પ્રશ્નોના હલ લાવવા માટેનાં પગલાં ભરવા લાગી જાઓ.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમને સાથ આપી રહેલાં પરિબળોનો ઉપયોગ કરવા માટે યોગ્ય સ્થળ અને સમયની પસંદગી કરો. તબિયતની કાળજી માટે આદતો બદલો અને વ્યાયામ કરો. 
જીવનસુધાર માટે સૂચન ઃ તમે જે રીતે કામ કરતા આવ્યા છો એમાં હવે તમને કોઈ ભલીવાર લાગતો ન હોય તો નવી રીત અપનાવી લો. કોઈકે પાડેલા ચીલાને અનુસરવાને બદલે પોતાનો ચીલો પાડવાનો હોય છે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

કામમાં તમને પોતાની મર્યાદાઓ નડે નહીં એ ધ્યાન રાખજો. કામ-ધંધાના સ્થળે થોડી વધારે મહેનત કરજો. સામાન્ય અને કંટાળાજનક લાગતાં કાર્યો ચીવટપૂર્વક કરજો. 
જીવનસુધાર માટે સૂચન ઃ તમે લક્ષ્ય સિદ્ધ કરવા માટે પૂરતી મહેનત લેવા તૈયાર હશો તો એનાં મીઠાં ફળ મળવાં લાગશે. બીજાઓ શું કરે છે એના પર જરાય લક્ષ આપવું નહીં. ફક્ત પોતાના સુધાર માટે જ કાર્ય કરવું.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ પણ લિખિત કે મૌખિક સંદેશ પ્રત્યે તરત જ પ્રતિક્રિયા કરવાને બદલે થોડો વિચાર કરીને આગળ વધવું. કાનૂની બાબતો ક્ષુલ્લક લાગતી હોય તોપણ એમાં ખૂબ જ કાળજી અને ચીવટ રાખવી. 
જીવનસુધાર માટે સૂચન ઃ જીવનની રફ્તાર થોડી ધીમી કરી દો અને મક્કમતાપૂર્વક આગળ વધો. આગળ વધવું હોય તો અધીરાઈ છોડી દો. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

ખાસ કરીને કામના સ્થળે બીજાઓ સાથેના વાર્તાલાપમાં શું બોલી રહ્યા છો એનું ધ્યાન રાખજો. મદ્યપાન કરવાની આદત હોય તો એના સેવનમાં કાબૂ કેળવવાની જરૂર છે.  
જીવનસુધાર માટે સૂચન ઃ પોતાની જાત સાથે પ્રામાણિક બનો અને સત્યનો સ્વીકાર કરીને ચાલો. અંતરાત્માના અવાજને અનુસરો. એ કામ સહેલું નથી, પણ કરવું જરૂરી છે. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પોતાની શક્તિઓને ઓછી ન આંકો. સામાન્ય રીતે આપણે જાતે જ મર્યાદાઓ ઊભી કરી લેતા હોઈએ છીએ. તમે કોઈ મીટિંગ, વાટાઘાટ કે ઇન્ટરવ્યુ માટે જવાના હો તો સંપૂર્ણ તૈયારી સાથે જવું. 
જીવનસુધાર માટે સૂચન ઃ જે વસ્તુ અગત્યની છે એના તરફ જ પૂરું ધ્યાન આપવું. તમે જેમ ઊંડા ઊતરશો તેમ તમે અત્યાર સુધી જેના તરફ દુર્લક્ષ કર્યું હતું એ ઈશ્વરની કૃપાનો ખયાલ આવશે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમારી વાતચીતમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. જ્યારે બોલવાની જરૂર હોય ત્યારે તમને મળેલી તકને એળે જવા દેવી નહીં. પારિવારિક બાબત પર વધારે ધ્યાન આપો. માહિતી સાચી છે કે નહીં એ ચકાસી લેવી. 
જીવનસુધાર માટે સૂચન ઃ તમારા સામર્થ્ય અને શક્તિમાં વધારો ન કરતી હોય એવી આદતો અને કાર્યો છોડી દો. ભૂતકાળ ભૂલીને ઉજ્જવળ ભવિષ્ય માટે પગલાં ભરવા લાગી જાઓ. 

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

નિર્ણાયક પગલાં ભરો અને સામેથી આવેલી તકોનો મહત્તમ ઉપયોગ કરો. વિશ્વાસ અને ગણતરીપૂર્વકનું જોખમ ખેડવું પણ જરૂરી હોય છે. 
જીવનસુધાર માટે સૂચનઃ માણસ ધારે તો ગમે એ પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે. તમે મનથી જેટલા પ્રસન્ન રહી શકશો એટલી વધારે પ્રગતિ કરી શકશો. તમે થોડી વધુ એકાગ્રતા અને મહેનત દ્વારા પોતાના ઇચ્છિત લક્ષ્ય સુધી પહોંચી શકશો.

life and style astrology