એટલું યાદ રાખજે કે તું સુખ દેવા માટે પરણી છે, સુખ લેવા માટે નહીં

25 October, 2021 01:10 PM IST  |  Mumbai | Swami Sachidanand

પરણ્યાના એક જ વર્ષમાં ડૉક્ટર સાથે એ બહેનનું વ્યક્તિત્વ એટલું સમાઈ ગયું કે ઘરના વડીલો સહિત ડૉક્ટર-પતિએ તિજોરીની ચાવી, બૅન્કોની પાસબુક બધું તેમને સોંપી દીધું. 

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ સમર્પિત સ્ત્રીની. ગઈ કાલે તમને એક પરિચિત ડૉક્ટરની આદર્શ પત્નીના જીવનની સાંભળવા, સમજવા અને જીવનમાં ઉતારવા જેવી વાત કરવા વિશે કહ્યું હતું. એ ડૉક્ટરનાં ધર્મપત્નીના મુખેથી આ પ્રસંગ સાંભળ્યો હતો.
ડૉક્ટરનાં ધર્મપત્નીએ કહ્યું કે મારાં નવાં-નવાં લગ્ન થયાં એટલે પરણીને હું રવિશંકર દાદાને પગે લાગવા, તેમના આશીર્વાદ લેવા માટે તેમને ત્યાં ગઈ. દાદાના આશીર્વાદ લીધા એટલે દાદાએ કહ્યું...
‘જો, હું તો બ્રાહ્મણ છું. કાંઈ આપીશ નહીં, પણ ઊલટાનું તારી પાસે માગીશ. બોલ, હું માગું એ આપીશ?’ 
પેલાં બહેનને થયું કે દાદા શું માગશે? થોડા સંકોચ અને ક્ષોભ સાથે તેમણે દાદાને કહ્યું, ‘દાદા, માગો. આપીશ હું તમને.’ એ પછી દાદાના શબ્દો હતા...
‘જો તું સુખ દેવા માટે પરણી છે, સુખ લેવા માટે નહીં. માટે પોતાના સુખનો જરાય વિચાર કર્યા વિના તારા પતિ, સાસુ-સસરા વગેરે સૌને સુખ આપ્યા કરજે. બસ, આટલું માગું છું, આપીશને?’  
બહેને શ્રદ્ધાભાવથી હા પાડી દીધી. બહેન સાસરે આવી ગયાં, પણ સાસરે તેમના મનમાં દાદાની વાતો ઘૂમ્યા કરે ‘સુખ દેવા પરણી છે, સુખ લેવા નહીં.’ 
પતિથી માંડીને તેના ઘરના વડીલો, દિયર, નણંદ અને નોકર-ચાકર સુધ્ધાં સૌને તેમણે સુખ આપવાના પ્રયાસ આદરી દીધા. દરેક તેમને જોઈને ખુશ થઈ જાય. આખેઆખો દિવસ કામમાં જોતરાયેલાં રહે. વડીલો કહે તો દેવદર્શન માટે લઈ જાય. નોકર-ચાકર થાક્યા હોય તો તેમને બેસાડીને કામ પોતાના હાથમાં લઈ લે. પોતાના સુખની પરવા જ ન કરી. થોડા જ સમયમાં તેમણે અનુભવ્યું કે સૌને તેમના સુખની ચિંતા થવા લાગી છે. સૌકોઈ તેની કાળજી લેતું થઈ ગયું અને ડૉક્ટર-પતિ, એ પણ ધર્મપત્નીના વ્યવહારથી ખુશ-ખુશ થઈ ગયા. પરણ્યાના એક જ વર્ષમાં ડૉક્ટર સાથે એ બહેનનું વ્યક્તિત્વ એટલું સમાઈ ગયું કે ઘરના વડીલો સહિત ડૉક્ટર-પતિએ તિજોરીની ચાવી, બૅન્કોની પાસબુક બધું તેમને સોંપી દીધું. 
સમર્પણનું પરિણામ આ પ્રત્યાર્પણ હતું. બહેન ધન્ય-ધન્ય જીવન જીવે છે અને આજે પણ રવિશંકર દાદાને યાદ કરીને મસ્તક ટેકવે છે કે ભલું થાજો દાદાજી, જેમણે મને જીવનમંત્ર આપ્યો. બંગલો, તિજોરી, દસ્તાવેજો, પાસબુકો વગેરે કોઈ પુરુષનું નહોતું, પણ તેના પતિનું હતું અને પોતાના સમર્પણથી અને પતિના પ્રત્યર્પણથી એ બન્ને પતિ-પત્ની જ નહીં, દંપતી પણ હતાં. 
અહો, શું સમર્પણનું સુખ અને પરિણામ! સમર્પણભાવ રાજમાર્ગ છે. મોટા ભાગની પ્રજા આ માર્ગે ચાલીને સુખી થાય છે.

astrology columnists swami sachchidananda