ધર્મ દ્વારા રાષ્ટ્ર માટે તપ કરનારી પ્રજા જન્મે એ અનિવાર્ય

27 September, 2021 07:38 PM IST  |  Mumbai | Swami Sachidanand

વ્યક્તિ, પ્રજા, રાષ્ટ્ર અને પૂરી માનવતા માટે પોતાના સુખનો ત્યાગ કરી હસતાં-હસતાં દુ:ખ અને અગવડનો સ્વીકાર કરવાની દૃઢ ઇચ્છા પણ ધર્મ આપે. આ જે દુઃખ છે એ દુઃખ જ તપ કહેવાય એવી સમજણ પણ જો ધર્મ દ્વારા પ્રાપ્ત થાય તો સંસાર અસાર મટીને કંસાર બની જાય.

મિડ-ડે લોગ

આપણે ધર્મ પાસેથી શું મેળવવા માગીએ છીએ?
તમને કહ્યું એમ, ધર્મ આપવા જ બેઠો છે, પણ એની એ નીતિને બરાબર સમજવી પડશે અને એનો અમલ કરવો પડશે. એ ત્યારે જ શક્ય બનશે જ્યારે ધર્મ પાસેથી આપણી અપેક્ષા સ્પષ્ટ હશે. હવે વાત કરીએ ધર્મ પાસેથી કેવી અપેક્ષા હોવી જોઈએ એની.
આ અપેક્ષામાં પહેલી અપેક્ષા એ છે કે ધર્મ દ્વારા પ્રજાજીવનની ન્યાયપૂર્ણ સુચારુ વ્યવસ્થાનું સર્જન થાય. જો એ થશે તો પ્રજામાં સુખાકારી વધશે. ન્યાયપૂર્ણ સુચારુ વ્યવસ્થાથી આવનારી નૈતિકતા અને કર્તવ્યપરાયણતાની અપેક્ષા પણ ધર્મ પાસેથી રાખવામાં આવે છે અને ધારો કે આવી નૈતિકતા તથા કર્તવ્યપરાયણતાથી કદાચ સહન કરવું પડે તો તેને સહન કરવાની મક્કમ ઇચ્છાશક્તિ પણ ધર્મ દ્વારા પ્રાપ્ત થાય એ જરૂરી છે. વ્યક્તિ, પ્રજા, રાષ્ટ્ર અને પૂરી માનવતા માટે પોતાના સુખનો ત્યાગ કરી હસતાં-હસતાં દુ:ખ અને અગવડનો સ્વીકાર કરવાની દૃઢ ઇચ્છા પણ ધર્મ આપે. આ જે દુઃખ છે એ દુઃખ જ તપ કહેવાય એવી સમજણ પણ જો ધર્મ દ્વારા પ્રાપ્ત થાય તો સંસાર અસાર મટીને કંસાર બની જાય.  
ધર્મ દ્વારા રાષ્ટ્ર માટે તપ કરનારી તપસ્વી પ્રજા જન્મે એ અનિવાર્ય છે. જે ધર્મ એવી પ્રજા પેદા કરી શકે એ ધર્મ અને એ પ્રજા સંસારની ઉત્તમ પ્રજા થઈ શકે. આ પ્રકારનો ધર્મ જ નહીં, પણ એ ધર્મ ફેલાવનારા તપસ્વીઓના તપથી પ્રજા સ્વાધીનતા, સમૃદ્ધિ, સુખો અને શાંતિનો અનુભવ કરી શકે. 
આ સાચો ધર્મ છે. સાચાં પરિણામ આપનારો ધર્મ છે. આવા ધર્મથી પરમેશ્વરનો પણ સાક્ષાત્કાર થાય અને પરલોક પણ સુધરે, પણ એ ત્યારે શક્ય બને, જ્યારે ધર્મને સાચી રીતે અને સાચી સમજણ સાથે જોવામાં આવે. ધર્મ પ્રત્યેનો અભિગમ બદલવામાં આવે અને બદલવામાં આવેલા અભિગમને સાચી રીતે મૂલવવામાં આવે. ધર્મને ખોટી રીતે જોવાની રીત હવે બદલવી પડશે. બહુ જરૂરી બની ગયું છે. ધર્મનો દુરુપયોગ થતો હોય તો એ પણ અટકાવવો પડશે, ધર્મની બાબતમાં જો જાતનો દુરુપયોગ થતો હોય તો એ પણ અટકાવવો પડશે અને ધર્મના નામે અન્યનો દુરુપયોગ થતો હશે તો એને પણ રોકવાની હિંમત કેળવવી પડશે. ચાલી આવતી વાત નહીં, પણ શું કામ ચાલી આવે છે એ વાતની સમજણ લાવવાની તૈયારી જો મનમાં રાખવામાં આવશે તો અભિગમ બદલવામાં સરળતા આવશે અને બદલેલા અભિગમને વળગી રહેવાનું કામ પણ આસાન બનશે. ધર્મને જડની જેમ જોવાને બદલે એને બારીકાઈથી જોવાની માનસિકતા પણ ઊભી થશે અને એ માનસિકતા જીવનને વાજબી આકાર આપવાનું કામ કરશે.

columnists astrology