સંપર્ક-માત્ર પતનનું કારણ એવું માનવું અયોગ્ય છે

10 October, 2021 12:47 PM IST  |  Mumbai | Swami Sachidanand

આ કાળ દરમ્યાન મને કદી અજંપો નથી થયો, કુસ્વપ્ન કે કોઈ દુર્વૃત્તિ નથી થઈ. ખાતરીપૂર્વક કહી શકું કે પેલાં બહેનને દુર્વિચાર નહીં આવ્યો હોય

મિડ-ડે લોગો

વાત કરવાની છે આપણે પેલા બીજા પ્રસંગની. ચારધામ-યાત્રાનો પ્રસંગ તમને કહ્યો, હવે વાત કરીએ મારા પોતાના પરદેશગમન દરમ્યાનના અનુભવની.
પરદેશ-યાત્રા દરમ્યાન મારે એક એવા ઘરમાં સતત એક મહિનાથી પણ વધુ સમય માટે ઊતરવાનું થયું, જ્યાં માત્ર એક આધેડ વયનાં એકલાં બહેન જ રહેતાં હતાં. પ્રથમ મને સંકોચ, ખચકાટ અને ભય લાગ્યો. આજે આ વાત કહેતી વખતે મને સંકોચ થાય છે, પણ એ સંકોચ એ સમયના ખચકાટનો નહીં, મારા મનમાં આવેલા એ ભયનો છે.
મેં મારા જેકોઈ ત્યાંના યજમાનો હતા તેમને ઉતારાની વ્યવસ્થા બદલવા વિનંતી કરી અને એ પછી આગ્રહ પણ કર્યો, પણ આ તો વિદેશની વાત અને વિદેશમાં બધું દૂર-દૂર. મને કષ્ટ સામે કોઈ વાંધો નહોતો, પણ તેમને કષ્ટ ન પડે એ જોવાની મારી જવાબદારી હતી અને આખો પ્લાન પહેલેથી જ ગોઠવાયેલો હતો, જેને લીધે બધાએ નિર્ણય લઈ લીધો હતો. અંતે મેં હા પાડી દીધી અને હું ત્યાં જ રોકાયો. 
આખો દિવસ પ્રવચન માટે બહાર રહેવાનું અને રાતે મોડેથી ઘરે પાછા આવવાનું. રોજ મોટા ભાગે રાતે ૧૦ વાગ્યાની આસપાસ અમે ઘરે પાછાં આવતાં. ઘરે આવીએ એટલે એ બહેન પ્રણામ કરીને તેમની રૂમમાં ચાલ્યાં જતાં અને હું મારી રૂમમાં ચાલ્યો જતો. સવારે તેઓ મારા કરતાં વહેલાં ઊઠતાં. સ્નાનાદિ કરીને તેઓ પોતાની રૂમમાં જતાં. ઘરમાં બાથરૂમ એક એટલે તેમણે મને કોઈ જાતનો સંકોચ ન થાય એનું ધ્યાન રાખવા આવો નિત્યક્રમ બનાવ્યો હશે એવું હું ધારું છું. 
બહેન પોતાનો નિત્યક્રમ પૂરો કરીને પોતાની રૂમમાં જાય અને બાથરૂમ ખાલી થયો એવો અણસાર મળે એટલે હું મારી રૂમમાંથી બહાર નીકળીને શૌચ-સ્નાનવિધિ પતાવતો. ખરું કહું તો, એક મહિનાથી વધારે સમયના આ કાળ દરમ્યાન કદી અજંપો નથી થયો, કુસ્વપ્ન કે કોઈ દુર્વૃત્તિ નથી થઈ. હું ખાતરીપૂર્વક કહી શકું કે પેલાં બહેનને પણ કદી એવો કોઈ દુર્વિચાર નહીં આવ્યો હોય; કારણ કે મેં કદી પણ તેમની આંખમાં કે વ્યવહારમાં જરા પણ વિકાર જોયો નથી. મારે એ પણ સ્વીકારવું જોઈએ કે મારા કરતાં પણ એ બહેનની મનોભૂમિકા વધુ ઊંચી હતી.    
આ બન્ને ઉદાહરણથી હું એવું કહેવા નથી માગતો કે બધાએ આવો સંપર્ક કરવો જ, પણ એવું કહેવા માગું છું કે સંપર્ક-માત્ર પતનનું કારણ થઈ જાય છે માટે સંપર્ક જ ન રાખો એવું માનવું ઠીક નથી. એ અયોગ્ય છે અને અમુક વખત તો એ અપમાનજનક પણ છે અને આવું અપમાન કરવાનો હક કુદરતે કોઈને આપ્યો નથી.

 આ કાળ દરમ્યાન મને કદી અજંપો નથી થયો, કુસ્વપ્ન કે કોઈ દુર્વૃત્તિ નથી થઈ. ખાતરીપૂર્વક કહી શકું કે પેલાં બહેનને દુર્વિચાર નહીં આવ્યો હોય

astrology columnists swami sachchidananda