અખૂટ પ્રેમ ભક્તિમાર્ગની એવી દશા છે જે સમજી ન શકાય

17 November, 2022 05:22 PM IST  |  Mumbai | Morari Bapu

પણ પ્રભુનાં ગુણગાન સતત મનમાં અકબંધ હોય અને ભક્તિમાર્ગ છે જ એવો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ગઈ કાલે કહ્યું એમ ભક્તિનું મૂળ બિંદુ વિશ્વાસ છે અને વિશ્વાસ વિના ભક્તિ અસંભવ છે. ભક્તિમાર્ગમાં આવતી ૧૦ દશાની વાત આપણે ગઈ કાલે શરૂ કરી. એમાં અભિલાષા કે મનોરથ, ચિંતા, સ્મૃતિ-સ્મરણ, વ્યાધિ, ઉન્માદ અને પ્રલાપ એમ છ દશાની આપણે વાત કરી. હવે વાત કરવાની છે અન્ય ચાર દશાની, પણ એ વાત કરતાં પહેલાં કહેવાનું કે છઠ્ઠી જે દશા છે એ ખૂબ અગત્યની છે. પ્રલાપ, હીબકાં ભરવાં, પોતાને રોકી ન શકાય એવી અવસ્થા, અટકાવી ન શકાય, સમજાવી ન શકાય એવી આ જે પરિસ્થિતિ છે એ સૌથી અગત્યની છે. મરેલા માટે બધા રડે, બધા આંસુ પાડે; પણ અમર માટે રડવું એ પ્રલાપ છે અને પ્રલાપ એ ભક્તિની જ એક દશા છે.

હવે વાત કરીએ સાતમી દશા એવી ગુણકથનની. ગુણકથન એટલે પ્રભુનાં ગુણગાન કાયમ ગાવાં. સમય કોઈ પણ હોય, સંજોગો કોઈ પણ હોય; પણ પ્રભુનાં ગુણગાન સતત મનમાં અકબંધ હોય અને ભક્તિમાર્ગ છે જ એવો. એ માર્ગ પર ભક્તને ફક્ત ગુણ જ દેખાય, દોષદર્શન સમાપ્ત થઈ જાય. આવું બનવું એ ગુણકથન ભક્તિની સ્થિતિ છે અને આ સ્થિતિ, આ દશા ભોગવનારા ક્યારેય કોઈ પરિસ્થિતિ માટે ભગવાનને દોષી નથી માનતા.

આઠમી દશા છે જડતા. હા, તમે સાચું વાંચ્યું છે. જડતા પણ ભક્તિની જ એક દશા છે અને આ દશા પણ અગત્યની છે. ભક્તિમાર્ગમાં માણસ હરિદર્શનમાં ડૂબી જાય અને નિઃસાધન બનીને જડ બની જાય. ઉદાહરણ પણ છે - અહલ્યા. તારી ચરણરજથી જ મારો ઉદ્ધાર થશે એવી જડતાની સ્થિતિ એ ભક્તિમાર્ગની દશા છે અને આ દશાએ જ અહલ્યાનો ઉદ્ધાર કર્યો એ આપણે સૌ જાણીએ જ છીએ. એટલે જડતાને પણ ભક્તિની દશા જ માનવી, સમજવી.

ભક્તિની નવમી દશા છે ઉદ્વેગ કે ચિંતા. ચિંતા એ માનસિક સ્થિતિ છે. ઉદ્વેગ જ્યારે જન્મે ત્યારે એમાં મન કે તન નહીં પણ મન અને તન બન્ને ચિંતિત થઈ જાય. ભક્તિમાર્ગની આ દશામાં ભગવાન માટે ઉદ્વેગ થાય, પણ આનાથી લૌકિક જગતમાં કોઈ ઉદ્વેગ પેદા ન થાય. ચતુરાઈ અને સમજદારીમાં ફેર છે અને આ જે ફરક છે એ જ ભક્તિનો માર્ગ વધુ સ્પષ્ટ કરે છે.

ભક્તિમાર્ગની છેલ્લી દશા છે અસહ્ય પ્રેમ. યાદ રાખજો કે આ જે દશા છે એ પરમો ધર્મ સમાન છે અને આ દશાનો અનુભવ જ્યાં પણ થાય, જ્યારે પણ થાય ત્યારે એનો આદર કરવો. માણસ સમજી ન શકે, સહન ન કરી શકે કે પછી સ્વીકારી પણ ન શકે એવી પ્રેમની દશા એ ભક્તિમાર્ગની એક દશા છે અને આ જ દશા ભક્તિનો અખૂટ અનુભવ કરાવે છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Morari Bapu astrology life and style