ઔપચારિકતાના નામે હાજર રહેલા સૌ એકબીજાનાં વખાણ કરે

17 January, 2022 04:19 PM IST  |  Mumbai | Swami Sachidanand

ઘણી વાર એટલા માટે ઉદ્ઘોષકો નેપથ્યમાં બેઠા હોય છે જેથી શ્રોતાઓના અણગમાભર્યા ચહેરા જોવામાંથી મુક્તિ મળી જાય. આખી સભાને કંટાળામાં પછાડી દેનારી આ કુટેવ છૂટે તો કેટલીયે સભાઓ ખીલી ઊઠે.

મિડ-ડે લોગો

તમારે જોવાનું કે પ્રત્યેક વાર વક્તાઓને સમયનું ધ્યાન રાખવાનું સૂચવવામાં આવે છે, પણ વક્તાને એમાં કોઈ રસ હોતો નથી. માઇક હાથમાં આવ્યું એટલે પત્યું. સભામાં આવેલો એકેએક માણસ તેમનાથી ત્રાસી જાય, પણ શું થાય? પડ્યું પનારું પાર પાડ્યે જ છૂટકો થાય! ઘણી વાર એટલા માટે ઉદ્ઘોષકો નેપથ્યમાં બેઠા હોય છે જેથી શ્રોતાઓના અણગમાભર્યા ચહેરા જોવામાંથી મુક્તિ મળી જાય. આખી સભાને કંટાળામાં પછાડી દેનારી આ કુટેવ છૂટે તો કેટલીયે સભાઓ ખીલી ઊઠે.
આ માઇકરોગી વક્તા છે. માઇક હાથમાં આવતાં જ તેઓ બાદશાહ બની જાય છે. તેમને પાંચ મિનિટનો જ સમય અપાયો છે, પણ પાંચ મિનિટ તો તેમને મંગલાચરણ કરવામાં તથા હરિકીર્તન કરાવવામાં જ ઓછી પડશે. પ્રસંગ છે આજે ટેક્નિકલ સ્કૂલનો, પણ આ મહાશય સીધી રામાયણની જ વાત કરશે. લક્ષ્મણલાલજી અને ભરતલાલજીની વાતો લડાવી-લડાવીને કહેશે. અડધો કલાક વીતી ગયો છે, હજી ટેક્નિકલ સ્કૂલ વિશે એક શબ્દ પણ બોલ્યા નથી. ઉદ્ઘોષક તેમને અટકી જવાનો ઇશારો કરે છે, પણ અટકે તે બીજા. પેલો માઇક બંધ કરે છે તો આ ગળું ફાડીને બોલે છે. તેની મૂર્ખતા પર શ્રોતાઓ હસે છે તો તે સમજે છે કે શ્રોતાઓ મને દાદ આપી રહ્યા છે. શ્રોતાઓ બેસી જવા માટેની તાળીઓ પાડે છે તો તે સમજે છે કે શ્રોતાઓ ખુશ-ખુશ થઈને મને વધાવી રહ્યા છે. શું કરવું હવે? કેમ કરીને આ માઇકરોગીને બેસાડવો? વક્તાની આ કુટેવો લગભગ ઘણી જગ્યાએ જોવા મળે છે.
ખરેખર શું હોવું જોઈએ? પોતાને આપેલા સમયમાં જ પ્રવચન પૂરું કરવું જોઈએ. પાંચ-દસ મિનિટના સમયમાં લાંબું મંગલાચરણ કે હરિકીર્તન કરવું ઉચિત ન કહેવાય. પ્રવચન સીધું જ મુખ્ય વિષય પર હોવું જોઈએ. જો મુખ્ય વિષયમાં આપણી ચાંચ ન ડૂબતી હોય તો પ્રવચન કરવા ઊભા જ ન થવું જોઈએ. એમાં પણ પ્રજા જ્યારે કોઈ ખાસ વક્તાને સાંભળવા તલપાપડ હોય ત્યારે પ્રજાના મૂડનો વિચાર કરીને બાકીના વક્તાઓએ પોતાનાં ઔપચારિક પ્રવચનો બને એટલાં ટૂંકાં કરી નાખવાં જોઈએ. ૧૦ લોકો માઇક હાથમાં લે અને એ દસેદસ લોકો ઔપચારિકતાના નામે બધાનાં નામ બોલે. કોઈને માઠું ન લાગવું જોઈએ. માઠું લાગે તો બીજી વાર આમંત્રણ ન મળે એવો ભય પણ હોય અને ચાર કામ ન થાય એવી બીક પણ મનમાં હોય. આ જે ઔપચારિકતાની કુટેવ છે એને કાઢવાની પણ તાત્કાલિક જરૂર છે. કુટેવની આ વાતો હજી ચાલુ રાખવાની છે. આ દેશમાં જો સૌથી વધારે કોઈ વિષય પર લખી શકાય એમ હોય તો એ છે કુટેવ.

astrology swami sachchidananda columnists