આત્મવાદી પ્રેમમાં શરીર અને હૃદય બન્ને ગૌણ બની જાય

29 September, 2021 08:04 AM IST  |  Mumbai | Morari Bapu

આ આત્મવાદી પ્રેમમાં શરીર અને હૃદય બન્ને ગૌણ બની જાય અને આત્માનો આત્મા સાથે પ્રેમ થાય. સ્થાનની દૃષ્ટિએ જો મૂકવાની વાત આવે તો આ આત્મવાદી પ્રેમને બીજા સ્થાને મૂકી શકાય, પરંતુ પ્રથમ સ્થાને પરમાત્માવાદી પ્રેમને મૂકવો પડે.

પ્રતીકાત્મક તસવીર

મધુવત્, ધૃતવત્ લાક્ષાવૃત્, અનન્ય પ્રેમ, વાણિજ્ય પ્રેમ, દેહવાદી પ્રેમ અને દિલવાદી પ્રેમની આપણે વાત કરી. હવે વાત કરવાની છે પ્રેમના નવા પ્રકારની. પ્રેમના આ બધા પ્રકારો પછી આવે છે આત્મવાદી પ્રેમ. આ આત્મવાદી પ્રેમમાં શરીર અને હૃદય બન્ને ગૌણ બની જાય અને આત્માનો આત્મા સાથે પ્રેમ થાય. સ્થાનની દૃષ્ટિએ જો મૂકવાની વાત આવે તો આ આત્મવાદી પ્રેમને બીજા સ્થાને મૂકી શકાય, પરંતુ પ્રથમ સ્થાને પરમાત્માવાદી પ્રેમને મૂકવો પડે. પરમાત્મા સાથે એકાત્મનું અનુસંધાન કરવામાં આ પ્રેમ બહુ મોટી ભૂમિકા ભજવી જાણે છે.
હવેના ક્રમે છે આ જ પરમાત્માવાદી પ્રેમ.
એક સ્થિતિ એવી આવે જ્યારે પ્રેમ રહેતો નથી, પણ પ્રેમનું તત્ત્વ બચે અને પ્રેમતત્ત્વનું પરમતત્ત્વ સાથે જોડાણ થાય છે. આમ પણ ઈશ્વર સિવાય કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સાથે પ્રેમ થયો તો એનો અંત હંમેશાં દુખદ હોય. પરમાત્માવાદી પ્રેમ એક એવો પ્રેમ છે જેમાં ક્યારેય દુઃખ મળતું નથી.
હવે પછી છે મૂળરૂપ પ્રેમ.
જેમ મૂળ ઘી હોય એમાંથી લાડુ, બરફી, શીરો જેવાં મિષ્ટાન્ન બનાવી લેવાય. એ પ્રકારે ભાવનાનું મૂળ પ્રેમ હોય, સંબંધો એમાંથી વિકસે અને બીજ વૃક્ષ બને એ પ્રેમ એટલે મૂળરૂપ પ્રેમ. આ પ્રેમ પણ અણીશુદ્ધ હોય છે.
આસક્તિ. આ પ્રેમનો નવો પ્રકાર છે અને આ પ્રેમનું બીજું સ્વરૂપ પણ છે, જેમાં મમતાનું તત્ત્વ વિશેષ છે. આ એક એવી ભાવના છે જેમાં પ્રેમ સાથે મોહનો પણ અંશ ભળે છે. તુલસીદાસજી પોતે સાંસારિક જીવનમાં આસક્ત પુરુષ હતા, રત્નાવલિના મહેણાથી પરમાત્માવાદી પ્રેમી બની શક્યા. હવે પછી વાત કરવાની છે વ્યસનાત્મક પ્રેમની.
વ્યસનાત્મક પ્રેમને બહુ દૃઢ માનવામાં આવ્યો છે. જીવ લઈ લે માણસનો, જેમ કોઈને વ્યસન થઈ જાય અને પછી એ ચીજ ન મળે તો તે ઢીલો થઈ જાય. જેને જે રસ્તા મળ્યા એ રસ્તો શ્રેષ્ઠ લાગ્યો. સનદ્કુમારોને હરિનામનું વ્યસન હતું. રામાયણનો પાઠ ન થાય તો દુ:ખ થાય. આજે ઉતાવળ હતી એટલે મંદિરમાં ઠાકોરજીનાં દર્શન બરાબર ન કર્યાં. એ વાતની પીડા થાય - આ છે વ્યસનાત્મક પ્રેમ. સિગારેટનું વ્યસન હોય અને સમયસર ન મળે તો પીડા થાય, બરાબર એવું જ. પ્રેમ ધીરે-ધીરે વ્યસનમાં પલટાઈ ગયો. કૃષ્ણ વિના એને ચાલતું નથી એ ગોપીઓનું વ્યસન છે. રામનામ વિના મનને શાંતિ નથી, એવી જ રીતે વ્યક્તિ વિના ન ચાલે એનું નામ વ્યસન પ્રેમ, પણ આ પ્રેમ જો પરમાત્મા સાથે હોય તો એ પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ ખોલી આપે અને વ્યક્તિગત હોય તો એ અધોગતિની દિશા સુધી ખેંચી જવાની સક્ષમતા પણ કેળવે.
આવતી કાલે રવીન્દ્રનાથ ટાગોરના જીવનના એક પ્રસંગની વાત કરીશું.

astrology columnists