વિખવાદને દૂર કરવામાં ન આવે તો મન પર એની વિકૃત અસર પડે

20 June, 2022 12:06 PM IST  |  Mumbai | Swami Satchidananda

જનમેજયની રાણી વપુષ્ટમાથી બે પુત્રો થયા : શતાનિક અને શંકુકર્ણ. શતાનિકનો પુત્ર અશ્વમેધદત્ત અને આ રીતે કૌરવો તથા પાંડવોની વંશાવલી તૈયાર થઈ.

મિડ-ડે લોગો

આપણે વાત થઈ એમ પાંડુને બે રાણી હતી : કુન્તી અને માદ્રી. એક વાર માદ્રીએ ખૂબ સારા શણગાર કર્યા હતા. તેને જોઈને પાંડુરાજા કામાતુર થઈ ગયા. તેમણે જેવો માદ્રીને સ્પર્શ કર્યો કે તરત જ શ્રાપવશ તે મૃત્યુ પામ્યા. માદ્રી રાણી પતિની સાથે સતી થઈ ગઈ. કુન્તી વિધવા થઈ ગઈ અને પાંડવો પિતા વિનાના અનાથ થઈ ગયા. 
મુનિઓ આ છએ છ લોકોને હસ્તિનાપુર લઈ આવ્યા અને ભીષ્મ તથા વિદુરજીને સોંપી દીધા. હવે પાંડવો ધૃતરાષ્ટ્રના ઘરમાં રહેવા લાગ્યા. આ વાત ધૃતરાષ્ટ્ર-પુત્ર દુર્યોધનને ગમી નહીં. પોતાના ઘરમાં કાકાના અનાથ દીકરાઓ રહેવા આવે એ દુર્યોધનથી સહન થતું નહીં. આ મૂળ છે કૌરવ-પાંડવોના વિખવાદનું. વિખવાદને જો સરળતા સાથે કાઢવામાં ન આવે તો એ મનમાં વટવૃક્ષ બની જાય અને માનસપટ પર એની વિકૃત અસર પડે.  આ ઘટના જ્યારથી બની ત્યારથી જ કૌરવ-પાંડવોનો વિરોધ અને વૈરભાવ શરૂ થયા. 
પાંડવો વધુ સમય હસ્તિનાપુર રહી શક્યા નહીં. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની ચાલાકીથી તેમને વારણાવત જવું પડ્યું. ત્યાં લાક્ષાગૃહમાં તેમને જીવતા બાળી મૂકવાનું ષડયંત્ર રચાયું હતું, પણ વિદુરની સલાહથી બચી ગયા. વારણાવતથી પાંડવો છુપાતા-છુપાતા હિડિમ્બાવન પહોંચ્યા. અહીં હિડિમ્બ નામના રાક્ષસનો ત્રાસ હતો. તેને મારીને તેની બહેન હિડિમ્બા સાથે ભીમે લગ્ન કર્યાં. એ પછી તેઓ એક ચક્રાનગરી પહોંચ્યા. ત્યાં બકાસુરનો ત્રાસ હતો. ભીમે તેને મારી નાખ્યો અને એક ચક્રાનગરીને નિર્ભય બનાવી. ત્યાંથી પાંડવો પાંચાલનગરમાં પહોંચ્યા. અહીં સ્વયંવરમાં દ્રૌપદીને જીતીને પાછા હસ્તિનાપુર આવી ગયા. દ્રૌપદીથી તેમને પાંચ પુત્રો થયા.
યુધિષ્ઠિરે શિબિદેશના રાજા ગોવાસનની પુત્રી દેવિકાને સ્વયંવરમાં જીતી લીધી. તેના થકી એક પુત્ર થયો, જેનું નામ યૌધેય પાડવામાં આવ્યું. ભીમસેને કાશીરાજની કન્યા બલન્ધરા સાથે લગ્ન કર્યાં અને સર્વગ નામનો પુત્ર પ્રાપ્ત કર્યો. 
અર્જુને દ્વારકાના વાસુદેવની બહેન સુભદ્રા સાથે લગ્ન કર્યાં અને અભિમન્યુ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. નકુલે ચેદીદેશના રાજાની પુત્રી કરેણુમતી સાથે લગ્ન કરી નિરમિત્ર નામનો પુત્ર પ્રાપ્ત કર્યો. સહદેવે ભદ્રદેશની રાજકુમારી વિજયા સાથે લગ્ન કરી સુહોત્ર નામનો પુત્ર પ્રાપ્ત કર્યો. આ રીતે પાંડવોના અગિયાર પુત્રો થયા, પણ આમાંથી માત્ર અભિમન્યુનો જ વંશ ચાલ્યો. અભિમન્યુએ વિરાટદેશના રાજાની કુંવરી ઉત્તરા સાથે લગ્ન કર્યાં, જેનાથી થયેલા પુત્રનું નામ પરીક્ષિત પડ્યું. પરીક્ષિતે માદ્રવતી સાથે લગ્ન કર્યાં અને તેનો પુત્ર જનમેજય થયો, જેને આખી મહાભારત સંભળાવવામાં આવી અને એમાંથી મહાભારતનું એક ગ્રંથ તરીકે નિર્માણ થયું.
જનમેજયની રાણી વપુષ્ટમાથી બે પુત્રો થયા : શતાનિક અને શંકુકર્ણ. શતાનિકનો પુત્ર અશ્વમેધદત્ત અને આ રીતે કૌરવો તથા પાંડવોની વંશાવલી તૈયાર થઈ.

astrology columnists swami sachchidananda