રાગ જો પરમાત્મા તરફ વળે તો એ બને રાગાત્મિકા ભક્તિ

22 December, 2021 06:10 PM IST  |  Mumbai | Morari Bapu

કોઈની યાદમાં તમારી આંખમાંથી આંસુ વહે ત્યારે સમજવાનું કે સ્નેહ શરૂ થયો.

પ્રતીકાત્મક તસવીર

પ્રેમ એવી અવસ્થા છે જેમાં ક્યારેય ઓટ નથી આવતી, સદાય ભરતી હોય છે. આ પ્રેમની પણ અવસ્થા હોય, એની પણ વિવિધ સ્વરૂપે અભિવ્યક્તિ થાય છે, મજાની વાત એ છે કે એ દરેકની વિશિષ્ટ દશા છે, પ્રત્યેકની પોતપોતાની મૌલિક અવસ્થા છે. ક્યાંક સ્નેહરૂપે પ્રગટ થશે તો ક્યાંક પ્રણયરૂપે, ક્યાંક રાગરૂપે તો ક્યાંક અનુરાગરૂપે. ઘણામાં એ જ પ્રેમ રતિ બનીને પ્રગટે છે તો ક્યાંક એ જ પ્રેમ ભાવ અને મહાભાવનું સ્વરૂપ ધારણ કરે છે. અલગ-અલગ આ જે વિશિષ્ટ દશા છે એ જોવા જેવી છે. એમાં પ્રથમ ક્રમે આવે છે સ્નેહ.
પ્રેમનું પહેલું સ્વરૂપ છે સ્નેહ. કોઈની યાદમાં તમારી આંખમાંથી આંસુ વહે ત્યારે સમજવાનું કે સ્નેહ શરૂ થયો. પ્રેમ દ્રવે એને સ્નેહ કહેવાય. પ્રેમની દ્રવીભૂત અવસ્થાને આચાર્યોએ સ્નેહ કહ્યો છે. વાણી ગદ્ગદ બને, રૂંધાઈ જાય, વજ્ર જેવો માણસ પણ ઢીલો થઈ જાય એ સ્નેહ. સ્નેહને કોઈ બંધન ન નડે, એને કોઈ મિલનની પણ અપેક્ષા હોતી નથી. એ તો વિરહમાં પણ અકબંધ રહે અને હાજર હોય તો પણ એટલી જ તીવ્રતાથી દેખાઈ આવે. સ્નેહ પછી પ્રેમનું બીજું સ્વરૂપ છે પ્રણય.
રામચરિતમાનસ કહે છે, પ્રણય વગર પ્રેમ અધૂરો છે. આ સૂત્ર પર રામચરિતમાનસે દસ્તખત કર્યા છે. ‘જો તમારામાં પ્રણય ન હોય તો તમે પ્રેમ કર્યો જ નથી!’
પ્રેમ પૂર્ણ સ્વરૂપ નથી લેતો ત્યાં સુધી એમાં પ્રણયભાવ નથી આવતો. ઠાકુર તરફ જીવ કોઈ પણ ભાવ રાખી શકે. તુલસીદાસજી કહે છે,
‘તોરે મોરે નાતે અનેક માનિયે જો ભાવૈ...’ 
પ્રભુ કહે છે, ‘તું મને જે ભાવે ભજે, હું તને એ ભાવે ભજીશ.’
બન્ને તરફ સમાન દ્રવીભૂત સ્થિતિ જે છે એનું નામ પ્રણય!
હવે વાત કરીએ પ્રેમના ત્રીજા સ્વરૂપની. ત્રીજું સ્વરૂપ છે રાગ.
મને ને તમને કોઈ વસ્તુ ગમી ગઈ, મળી ગઈ અને પછી એના વિના રહી ન શકાય એ છે રાગ. એ વૃત્તિ જો પરમાત્મા તરફ વળી જાય તો એ બને રાગાત્મિકા ભક્તિ! ઘણાને પોતાના રૂપ પર રાગ હોય છે, ઘણાને પોતાની બુદ્ધિ પર, આવડત પર, ચીજવસ્તુ કે સુખસુવિધા પર, સગાંવહાલાં પર રાગ હોય છે. જો એ રાગ હરિમાં લાગે તો એ ભક્તિ બની જાય.
પ્રેમનાં અન્ય સ્વરૂપ અનુરાગ, રતિ, ભાવ અને મહાભાવની વાત કરીશું આપણે આવતી કાલે.

columnists astrology