રામનાં ચરણોમાં મમતા જાગે તો વિષયી જીવ સાધક બને

28 July, 2022 02:59 PM IST  |  Mumbai | Morari Bapu

બુદ્ધિ તીવ્ર હોય, પણ એનું શુદ્ધ હોવું પણ એટલું જ આવશ્યક અને જરૂરી છે. વસ્ત્ર કીમતી હોય, પણ મેલાં હોય તો એનું મૂલ્ય શું?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

આધ્યાત્મિક સાધકમાં પાંચ પ્રકારની કુશળતા હોવી જોઈએ. આ પાંચ પ્રકારની કુશળતા કઈ છે અને એ કેવી હોવી જોઈએ એના વિશે હવે વાત કરવાની છે. ઘણી વાર મહાપુરુષ સાધકને પૂછે છે, ‘મન સ્વસ્થ છે?
સાચા સદ્ગુરુ શિષ્યને ધન વિશે પૂછતા નથી. ગુરુ માત્ર એટલું જ ઇચ્છે છે કે શિષ્યનું મન સ્વસ્થ હોય. સિદ્ધ સંતને તો પોતાની નજીકના માણસોના ધંધા વિશે ખબર પણ નથી હોતી અને એ જ વાત તેમને સિદ્ધ બનાવવાનું કામ કરે છે.
મહાપુરુષનો બીજો પ્રશ્ન છે, ‘વિવેક વિશુદ્ધ છે?
બુદ્ધિ તીવ્ર હોય, પણ એનું શુદ્ધ હોવું પણ એટલું જ આવશ્યક અને જરૂરી છે. વસ્ત્ર કીમતી હોય, પણ મેલાં હોય તો એનું મૂલ્ય શું? પાણી જોઈએ, બુદ્ધિની વિશુદ્ધતાનું જળ જોઈએ, રામભક્તિનું જળ જોઈએ. પરમાત્માનું શુદ્ધત્વ એમાં હોવું જોઈએ. જ્યારે વિવેક વિશુદ્ધ થાય છે ત્યારે મનમાંથી વિકાર નીકળી જાય છે અને વિકાર નીકળે એ સાધનાની અગત્યની આવશ્યકતા છે.
ત્રીજો પ્રશ્ન, ‘તન સશક્ત છે?’
લોકો કૃત્ય કરે છે, પરંતુ નૃત્ય નથી કરતા. એ બોજ લાગે છે, રસપૂર્વક નથી કરતા. વિષયીમાં કૃત્ય છે, સાધકમાં કૃત્ય અને નૃત્ય બન્ને છે, સિદ્ધમાં નૃત્ય જ બાકી રહે એનું કોઈ કર્મ, કોઈ પ્રારબ્ધ શેષ ન રહે. રાણામાં કૃત્ય છે, મીરામાં કૃત્ય અને નૃત્ય બન્ને છે. કૃષ્ણમાં નૃત્ય છે. કોઈ પ્રારબ્ધ, કોઈ કર્મ તેને બાંધી ન શકે. જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે. વિપત્તિ આપણે નોતરીએ છીએ.
ચોથો પ્રશ્ન, ‘નેત્ર સુંદર છે?’
‘શું આંખે ખરાબ જોવાનું બંધ કર્યું છે?’
આ બહુ અગત્યનો સવાલ છે અને આ સવાલનો જવાબ સાધક પાસે હકારાત્મક હોવો જોઈએ. ખરાબ કે પછી કોઈનું અહિત થતું ન જુએ તે સાચો સાધક.
જે આ ચાર સંભાળી લે તે સિદ્ધ બની જાય છે. રામનાં ચરણોમાં મમતા જાગી 
જાય તો વિષયી જીવ સાધક બની જાય, સાધક જીવ સિદ્ધ બની જાય અને સિદ્ધ બુદ્ધ બની જાય, એક વર્ષ થયું મારી સાધનાને, તે વધી કેમ નહીં? મારી એકાગ્રતા કેમ ન વધી? મારું ધ્યાન કેમ વધ્યું નહીં? 
પોતાની સાથે જ સ્પર્ધા કરો. સાધનામાં સહજતા જ બહુ બળ આપે છે. કાં તો સહજ પ્રવૃત્તિ કરો અથવા વસ્તુ તરફથી વિચાર હટાવી લો.

astrology columnists Morari Bapu