‘હું’ અને ‘આ’ નીકળી જાય તો આવરણ ખસી જાય છે

06 January, 2022 03:58 PM IST  |  Mumbai | Morari Bapu

દુનિયા શું કહેશે? બીજા લોકો શું વિચારશે? જ્યાં સુધી આપણે આ ધરતી પર છીએ ત્યાં સુધી દુનિયા કહેવાની, બધાને કહેતી રહી છે. આ વિક્ષેપમાં ન ફસાવું. બીજાનો વિચાર પ્રેમમાં વિક્ષેપ છે.

મિડ-ડે લોગો

પ્રેમમાં બાધાઓમાં પહેલાં આવે ક્રોધ, એ પછી બોધ, નિરોધ, પછી આવે મળ અને એ પછી કપટ જેની વાત આપણે કરી. હવે જેની વાત કરવાની છે એ છે વિક્ષેપ.
પ્રેમનો વિક્ષેપ છે બીજાનો વિચાર. હું ભગવાનને પ્રેમ કરું, તેની ભક્તિ કરું તો દુનિયા મને શું કહેશે? બીજાનો આ વિચાર પ્રેમમાં અવરોધક છે, પ્રેમમાં વિક્ષેપ છે અને બહુ ઊંચી અવસ્થા છે મારા ભાઈઓ અને બહેનો! જેમને બરાબર પ્રેમ કર્યો છે તેમના પ્રેમમાં બીજાનો વિચાર વિક્ષેપ નથી કરતો, એ અવરોધક નથી બનતો. દુનિયા શું કહેશે? બીજા લોકો શું વિચારશે? જ્યાં સુધી આપણે આ ધરતી પર છીએ ત્યાં સુધી દુનિયા કહેવાની, બધાને કહેતી રહી છે. આ વિક્ષેપમાં ન ફસાવું. બીજાનો વિચાર પ્રેમમાં વિક્ષેપ છે.
હવે આવે છે આવરણ. આવરણ પણ પ્રેમમાં બાધક છે.
પ્રેમમાં પોતાનો વિચાર એ આવરણનું સ્વરૂપ છે. ‘તે’ અને ‘હું’ બન્ને નીકળી જવા જોઈએ. ‘હું’ અને ‘આ’ નીકળી જાય તો પડદો ખસી જાય છે, આવરણ રહેતું નથી અને આવરણ ન હોય એ પ્રેમ કોઈ સ્પર્શી ન શકે એવી ઊંચાઈ હાંસલ કરે.
એ પછી આવે છે અનૃત, અનૃત એટલે અસત્ય. ગોસ્વામીજી કહે છે કે સત્ય હોવું જોઈએ. અનૃત અસત્ય પ્રેમધારાને રોકે છે. જ્યારે મારા અને તમારામાં અસત્ય આવી જાય ત્યારે પ્રેમ રોકાઈ જાય. અનૃત પ્રેમભાવમાં આડશ બનીને બેઠું છે. જેના જીવનમાં અસત્ય છે, જેના કાનમાં અસત્ય છે, જેની આંખોમાં અસત્ય છે, જેના હાથ અસત્ય તરફ આગળ વધે છે, જેના પગ અસત્ય તરફ ગતિ કરે છે, જેની વાણી અસત્ય ઉચ્ચારે છે, જેનું મન અસત્ય વિચારો કરે છે, જેની બુદ્ધિ અસત્ય નિર્ણય પર આધારિત છે, જેનું 
મન અસત્ય ચિંતનમાં જ વ્યસ્ત છે અને એનો જે અહંકાર કરે છે તેમને માટે પ્રેમદેવતા દુર્લભ છે.
એ પછી બાધકનું સ્વરૂપ લે એ છે અ-નૃત્ય.
નૃત્ય વગરનું જીવન, પાયલ વગરનું જીવન, ગાન-તાન વગરનું જીવન, સ્વર વગરનું જીવન, સૂર વગરનું જીવન, મીરા વગરનું જીવન હોય તો એનાથી પ્રેમધારા રોકાઈ જાય છે. જો તમારા જીવનમાં નૃત્ય નહીં હોય તો પ્રેમધારા નહીં વહે. હા, વિશિષ્ટ મહાપુરુષોમાં પ્રેમથી નૃત્ય પ્રગટ્યું છે, જેમ કે મીરા. કૃષ્ણપ્રેમને કારણે તેના જીવનમાં નૃત્ય આવ્યું અને એ નૃત્યએ પ્રેમદેવતાને પ્રસન્ન કરવાનું કામ કર્યું.
પ્રેમના બાધકની આ વાત આમ જ ચાલુ રહેશે, પણ એને ચાલુ રાખતાં પહેલાં કહેવું છે કે ક્યારેય ધર્મભીરુ ન બનશો, ધર્મપ્રેમી બનજો. ઈશ્વરભીરુ ન બનશો, ઈશ્વરપ્રેમી બનજો.  

columnists astrology Morari Bapu