આપણે પ્રશ્નો ઉકેલનારી નહીં, જન્માવનારી પ્રજા છીએ

24 January, 2023 05:51 PM IST  |  Mumbai | Swami Satchidananda

રામાયણ, મહાભારત જેવા અનેક ગ્રંથોમાં પણ આવા અનેક પ્રસંગો છે તો અનેક ગ્રંથોમાં એના પર લંબાણપૂર્વક પ્રકરણો લખાયાં છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મેં જ્યારે પણ વિદેશમાં પ્રવાસ કર્યો છે ત્યારે ત્યાંની ધર્મનીતિ જ નહીં; સમાજવ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા અને જીવનમૂલ્યો પણ જાણવાની કોશિશ કરી છે. મારા ઇઝરાયલ અને ચીનના પ્રવાસ દરમ્યાન મેં જોયું હતું કે ત્યાં ભેલાણ જેવો કોઈ પ્રશ્ન નથી. 

હિંસક પ્રાણીઓ પણ નથી અને ભેલાણ કરનારાં હાનિકારક પ્રાણીઓ પણ નથી. ત્યાં ખેતરે-ખેતરે માણસ ઊભો રહેતો નથી, તેણે ઊભા નથી રહેવું પડતું. દિવસ દરમ્યાન ખેતરના માલિકો સરસ રીતે પોતાના ખેતરમાં કામ કરે છે અને પછી પોતપોતાના ઘરમાં ઘસઘસાટ ઊંઘે છે! પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં પ્રતિ વર્ષ ભેલાણ દ્વારા એક કરોડ ટન અન્ન નષ્ટ થાય છે, જેનું નુકસાન ખેડૂતો અને રાષ્ટ્રને ભોગવવું પડે છે તો આડકતરું નુકસાન સામાન્ય લોકોનાં ગજવાં પર આવે છે.

પ્રાચીનકાળના ભારતને જોઈશું તો ખ્યાલ આવશે કે રાજા-મહારાજા અને બીજા અનેક લોકો શિકાર કરવા નીકળે છે. રામાયણ, મહાભારત જેવા અનેક ગ્રંથોમાં પણ આવા અનેક પ્રસંગો છે તો અનેક ગ્રંથોમાં એના પર લંબાણપૂર્વક પ્રકરણો લખાયાં છે. આ જે નિયમ હતો એને લીધે સંતુલન બની રહેતું, પણ એ પછી જ્યારે અહિંસાનો મુદ્દો મોટો થવા માંડ્યો એટલે એ સંતુલન બગડી ગયું. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે શિકારને પ્રોત્સાહન આપવાની વાત તો બિલકુલ નથી જ નથી, પણ જેને બચાવવા માટે સમગ્ર સૃષ્ટિને નુકસાન પહોંચતું હોય એ જોવાની પણ તૈયારી ન હોય એનો સ્વીકાર પણ સહજ નથી.

આ પણ વાંચો :  સ્કેન્ડિનેવિયન દેશોમાં પુષ્કળ હરણ છે એટલે શિકારની છૂટ આપે છે

અત્યારનું વાતાવરણ અને છેલ્લાં સો-બસો વર્ષોના ભૂતકાળને જોતાં ઇચ્છો નહીં તો પણ કહેવું જ રહ્યું કે આપણે પ્રશ્નો ઉકેલનારી પ્રજામાંથી ધીમે-ધીમે પ્રશ્નો ઊભા કરનારી પ્રજા બની ગયા છીએ. રસ્તા પર માત્ર ગાયો જ નહીં; રખડતા કૂતરા, ભૂંડો, ઉંદરો અને બીજાં કેટલાંય તત્ત્વો બિન્દાસ અડ્ડો જમાવીને બેઠાં હોય છે. હડકાયા કૂતરાથી પ્રતિ વર્ષ કેટલાય માણસોને ઈજા પહોંચે છે અને ઘણી વાર તો મરી પણ જાય છે. માણસો મરે તો ભલે મરે, પણ કૂતરા ન મરવા જોઈએ એવી ઝુંબેશવાળો પણ એક પ્રભાવશાળી વર્ગ છે અને એ પ્રભાવશાળી વર્ગની સમાજ પર બહુ ઘેરી અસર છે. 

આજે જ્યારે શહેરમાં ગાય ઢીંક મારે છે અને કોઈ આધેડનો જીવ જાય છે ત્યારે એ વર્ગ એ આધેડના ઘરે જઈને તેના પરિવારની માફી માગવા તૈયાર નથી હોતો, પણ જો કૉર્પોરેશન આઠ-દસ ગાય કે કૂતરા પકડે તો તરત જ દેકારો મચી જાય છે અને જીવ બચાવ સમિતિઓનું ગઠન થવા માંડે છે. 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology swami sachchidananda