ઑફિસ કે શૉપમાંથી નકારાત્મકતા કેવી રીતે દૂર કરવી?

04 June, 2023 11:22 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

બે વીકથી આપણે ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર કરવાના રસ્તાઓ વિશે વાત કરીએ છીએ. જોકે માત્ર ઘરની જ નહીં, વ્યક્તિમાં નકારાત્મકતા તેની કામ કરવાની જગ્યાએથી પણ આવતી હોય છે એટલે ઘર ઉપરાંત ઑફિસ કે શૉપમાંથી પણ નેગેટિવિટી દૂર કરવાનું કામ કરવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

બે વીકથી આપણે ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર કરવાના રસ્તાઓ વિશે વાત કરીએ છીએ. જોકે માત્ર ઘરની જ નહીં, વ્યક્તિમાં નકારાત્મકતા તેની કામ કરવાની જગ્યાએથી પણ આવતી હોય છે એટલે ઘર ઉપરાંત ઑફિસ કે શૉપમાંથી પણ નેગેટિવિટી દૂર કરવાનું કામ કરવું જોઈએ. ઘરની નકારાત્મકતા માણસના મન અને શરીર પર વધારે અસર કરે છે, જ્યારે કામની જગ્યાની નેગેટિવિટી વ્યક્તિના આર્થિક પાસા પર સવિશેષ અસર કરે છે. આજના સમયની ફાસ્ટ લાઇફમાં જો આર્થિક બાબતોમાં નકારાત્મકતા જોવા મળે તો આપોઆપ એની સીધી અસર મન અને શરીર પર પડતી હોય છે એટલે શૉપ કે ઑફિસની જગ્યાએથી નેગેટિવિટી દૂર થાય એ અત્યંત મહત્ત્વનું બની જાય છે. અલબત્ત, આ બાબતમાં અનેક મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.

તમે જૉબ કરતા હો તો તમારે એ નેગેટિવિટી દૂર કરવા માટે જુદા રસ્તા વાપરવા પડે, કારણ કે એ તમારી માલિકીની જગ્યા નથી. એની સામે જો ઑફિસ કે શૉપ તમારી માલિકીની હોય તો એની નકારાત્મકતા દૂર કરવા માટે તમારે અલગ રસ્તા વાપરવા પડે. આજે આપણે એ જ કીમિયા જોઈશું જે માલિકીની ઑફિસ કે શૉપ માટે વાપરવાના હોય.

૧. નિમકની ગાદીનો ઉપયોગ કરીને મુખ્ય બેઠક પરથી નકારાત્મકતા દૂર કરો. નિમકની ગાદી ક્યાં બને એ સમજી લઈએ. ઑફિસ કે શૉપમાં માલિક કે બૉસે પોતે જ્યાં બેઠક ધરાવતા હોય એ જગ્યાએ મહિનામાં એક વાર આખા નિમકની એટલે કે દરિયાઈ મીઠાની ગાદી બનાવીને એને રાતભર રહેવા દેવી. આ ક્રિયા કેવી રીતે કરવાની એ પણ સરળતા સાથે સમજીએ. જ્યાં નિયમિત બેસતા હોઈએ એ જગ્યાએ રાખવામાં આવતી ચૅર હટાવીને દોઢ ફુટ બાય દોઢ ફુટની એટલે કે ચૅરથી જરા મોટી કહેવાય એટલી જગ્યામાં એકથી દોઢ ઇંચની જાડાઈ થાય એટલી માત્રામાં નિમક પાથરી દેવું. આખી રાત એ નિમક ત્યાં રહેવા દેવું અને સવારે એ એકઠું કરીને ફ્લશ કરી નાખવું. નિમકની ગાદીને કારણે નજર લાગી હોય તો એ પણ દૂર થવાનું ઉપનિષદોમાં કહેવાયું છે.

૨. ઑફિસ કે શૉપમાં લાઇમ કે ઑરેન્જ ફ્રૅગ્રન્સના ફ્રેશનરનો ઉપયોગ કરવો. નેગેટિવિટીને કાપવાનું કામ જો કોઈ બેસ્ટ રીતે કરતું હોય તો એ ખટાશ કરે છે. જો ફ્રેશનર વાપરવાની આદત ન હોય તો એ આદત કેળવવાની કોશિશ કરો અને દિવસમાં ઓછામાં ઓછા ચારથી પાંચ વાર લાઇમ કે ઑરેન્જ ફ્રૅગ્રન્સના ફ્રેશનરનો વપરાશ કરો. આ ઉપરાંત ઑફિસ કે શૉપમાં નિયમિત દીવાબત્તી કરો અને એ દીવાબત્તીમાં આપણી ટ્રેડિશનલ ખુશ્બૂ એટલે કે ગૂગળ, સુખડ, ચંદન, કેસર કે લોબાનનો જ ઉપયોગ કરો. એક આડ વાત. ઘણા લોકો એવું માને છે કે લોબાન તો મસ્જિદ કે પીરની જગ્યાએ વાપરવામાં આવે છે એટલે આપણે એનો ઉપયોગ ન કરવો, પણ એ ખોટી વાત છે. આર્થિક રીતે તંગી ધરાવતા મુસ્લિમોને ગૂગળ મોંઘું પડતું હોવાથી તેમણે લોબાનનો વપરાશ ચાલુ કર્યો અને એ પછી લોકવાયકા એવી ડેવલપ થઈ ગઈ કે લોબાન તો મુસ્લિમો જ વાપરે. કહેવાનો ભાવાર્થ એટલો કે લોબાનને કોઈની સાથે સીધો કે આડકતરો સંબંધ નથી. એ કોઈ પણ વાપરી શકે છે.

૩. જો લાંબા સમયથી ઑફિસ કે ઘરમાં કલરકામ ન કરાવ્યું હોય, દીવાબત્તી ન કર્યાં હોય કે નકારાત્મકતા દૂર કરવા માટેની અન્ય કોઈ પ્રક્રિયા પણ ન કરી હોય તો ઑફિસ-શૉપમાં તેજાનામાં આવતા તજને સળગાવીને એ ધૂપ આખી પ્રિમાઇસિસમાં કરવો જોઈએ. લાંબા સમયની પણ અહીં ચોખવટ કરી દઉં. ઓછામાં ઓછા ત્રણ મહિનાને વાસ્તુની દૃષ્ટિએ લાંબો સમય ગણવામાં આવે છે. ત્રણથી પાંચ તજની સ્ટિક લઈ એ દરેક સ્ટિકને એવી જ રીતે સળગાવવી જે રીતે અગરબત્તી સળગાવવામાં આવે છે. છાણામાં મૂકીને પણ તજનો ધૂપ કરી શકાય છે. જો છાણા સાથે તજનો ધૂપ કરવામાં આવે તો એમાં અન્ય કોઈ ચીજવસ્તુ ઉમેરવી નહીં. પહેલી વખત તો તજ સાથે જ ધૂપ કરવો. છાણું તપાવવા એમાં ઘી ઉમેરી શકાય, પણ એનાથી વિશેષ કંઈ નહીં.

astrology columnists