મારી પાસે ધન નથી તો હું સત્ય કેવી રીતે બોલું?

19 June, 2022 12:45 PM IST  |  Mumbai | Swami Satchidananda

અભ્યાસસાધ્ય સાધનામાં પણ બળની જરૂર નથી, ધનની જરૂર નથી, પ્રારબ્ધની જરૂર નથી, કોઈ મોટી વિદ્યાની જરૂર નથી.

પ્રતીકાત્મક તસવીર

જ્યાં સુધી કોઈ વસ્તુ અનુભવમાં ન આવે ત્યાં સુધી સાધના કરો અને એ અવિરત ચાલુ રાખો. શાસ્ત્રોમાં પાંચ સાધનની ચર્ચા કરી છે, જેમાં પ્રથમ ક્રમે છે, ક્રિયાસાધ્ય સાધન.

જે તમે પોતે કરી શકો. એમાં તમને ધનની જરૂર ન પડે! એમાં તમને બળ, વિદ્યા કે પ્રારબ્ધની જરૂર પણ નહીં પડે. કોઈ પણ સહારો લીધા વિના તમે સાધના કરી શકશો. એનું નામ છે ક્રિયાસાધ્ય સાધના! તમે એ નહીં કહી શકો કે મારી પાસે ધન નથી એટલે હું નહીં કરી શકું. મારી પાસે બળ નથી એટલે મારાથી આ સાધના નહીં થઈ શકે. તમે એવું કહી શકો કે મારી પાસે વિદ્યા નથી માટે નહીં કરી શકું. મારા પ્રારબ્ધમાં નથી તો નહીં કરી શકું. આ તર્ક તમે આ સાધનમાં નહીં લગાવી શકો. અને એવા સાધન છે જેમાં રોકટોક વિના, આધાર લીધા વિના તમે કરી શકો છો — જેવા કે સત્ય બોલવું. તમે એમ ન કહી શકો કે મારી પાસે વિદ્યા નથી તો હું સત્ય કઈ રીતે બોલું? મારી પાસે બળ નથી તો સત્ય કેવી રીતે બોલું? મારું પ્રારબ્ધ નથી તો હું સત્ય કેવી રીતે બોલું? આવો તર્ક તમે કદી નહીં કરી શકો. આ આપ સ્વતઃ જ્યારે ઇચ્છો ત્યારે કરી શકો છો. અહિંસા, અપરિગ્રહ, દયા, કરુણા આ બધાં સાધન ક્રિયાસાધ્ય સાધન છે. તમે પોતે કરી શકો છો.
બીજા નંબરે આવે છે અભ્યાસસાધ્ય સાધન. 

અભ્યાસથી થતી સાધના એટલે અભ્યાસસાધ્ય સાધના. આમાં પણ બળની જરૂર નથી, ધનની જરૂર નથી, પ્રારબ્ધની જરૂર નથી, કોઈ મોટી વિદ્યાની જરૂર નથી. તમને ફક્ત અભ્યાસ હોવો જોઈએ કે હું જપ કરતો રહું, ઠંડી સહન કરું, ગરમી સહન કરી લઉં; હું કોઈ ધક્કો મારે એ પણ સહન કરી લઉં, કોઈ મને સહારો આપે એ પણ સહન કરી શકું. આ તમે તમારા ઢંગથી કરી શકો છો, પણ એને માટે અભ્યાસ હોવો જરૂરી છે, અભ્યાસથી આ સાધના થઈ શકે છે.

એ પછી ત્રીજા ક્રમે આવે છે બોધસાધ્ય સાધન.

બોધ દ્વારા જે સાધના થાય છે. આમાં તમને વિચાર જોઈએ, તમારામાં કંઈક સમજ જોઈએ કે ભગવાન સર્વવ્યાપક છે. મારે બધામાં પ્રભુનાં દર્શન કરવાં જોઈએ, મારે કોઈ સાથે રાગદ્વેષ નહીં રાખવા જોઈએ, મારાં શાસ્ત્ર આટલાં પહોળાં–વ્યાપક છે; આવા વિચારોથી જે સાધન ઉત્પન્ન થાય છે એને બોધસાધન કહે છે, જે બોધથી થાય છે અને બોધથી પ્રાપ્ત કરવામાં આવતી સાધના મન સદા પ્રફુલ્લિત રાખે છે.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.

columnists swami sachchidananda