ભલે સંસાર પ્રત્યે ઉદાસીન હો, પણ મનથી પ્રસન્ન રહો

15 June, 2022 08:40 PM IST  |  Mumbai | Morari Bapu

શાસ્ત્રોનું અધ્યયન કરવું, એનો અભ્યાસ કરવો, મંત્રનો જાપ કરવો એ બધું વાચિક તપ છે. એમ કરવાથી વાચિક તપ થઈ જાય છે. વાણી અને વાચિક તપ મનુષ્ય માટે અનિવાર્ય છે. એ સુખરૂપ અને જ્ઞાનવર્ધક છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

આપણે વાત કરવાની છે વાચિક અને માનસિક તપની. પહેલાં વાત કરીએ વાચિક તપની.
અનુદ્વેગકરું વાક્ય સત્ય પ્રિયહિત ચ યત, 
સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાગ્ભયં તપ ઉચ્યતે.
શ્રીમદ્ ભગવદ્ગીતા (૧૭/૧૫)માં કહેવાયું છે કે આપણી વાણીથી કોઈને ઉદ્વેગ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ અને એવી જ વાત બોલવી જોઈએ. વાણી કોઈને ઉદ્વેગ ન કરાવે એવી હોય, પ્રિય હોય, મીઠાશભરી હોય અને હિતકારી હોય. કેટલી વાતો કૃષ્ણએ દર્શાવી! સાચું તો ઘણા લોકો બોલતા હોય છે, પણ પ્રિય લાગે એવું કે પછી સત્ય અકબંધ રહે અને એ પછી પણ એની પ્રિયતા ન છૂટે એવું કોઈ નથી બોલતા. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે વાણી સત્ય પણ હોવી જોઈએ અને એવી વાણી બોલો જેથી બીજાનું હિત પણ થાય.
કોઈને ઉદ્વેગ થાય એવું વાક્ય ન બોલવું એ વાચિક તપ છે. સત્ય, પ્રિયહિત મધુર બોલવું, પ્રિય બોલવું, સાચું બોલવું. જો એવું કરો તો એ વાણીનું તપ છે. શાસ્ત્રોનું અધ્યયન કરવું, એનો અભ્યાસ કરવો, મંત્રનો જાપ કરવો એ બધું વાચિક તપ છે. એમ કરવાથી વાચિક તપ થઈ જાય છે. વાણી અને વાચિક તપ મનુષ્ય માટે અનિવાર્ય છે. એ સુખરૂપ અને જ્ઞાનવર્ધક છે.
એ પછી આવે છે માનસિક તપ.
મનઃ પ્રસાદઃ સૌમ્યત્વે મૌનમાત્મવિનીગ્રહઃ,
ભાવસંશુદ્ધિરિત્યેતત્તપો માનસમુચ્યતે. 
શ્રીમદ્ભગવદ્ગીતા (૧૭/૧૬)માં ભગવાન કૃષ્ણ કહે છે કે મનની પ્રસન્નતા એ માનસિક તપ છે. મનને હંમેશાં પ્રસન્ન રાખો. જે મનને રોજ ગમગીન બનાવીને રાખે છે, મનને ઉદાસીનતા જ આપે છે એ વાત પરમાત્માને નથી ગમતી. મનને પ્રસન્ન રાખો. હા, પ્રભુ માટે જરૂર રડો, પરંતુ શોકમય ન રહો. તમારા નારાયણ અમર છે. તમારા સેંથામાં જ સિંદૂર ભર્યું છે એ તમને ક્યારેય વૈધવ્ય નહીં આપે. એ અજર-અમર છે, શાશ્વત છે. શોક ન કરો.
મનઃ પ્રસાદઃ મનની પ્રસન્નતા મનનું તપ છે. મનને પ્રસન્ન રાખવાની ખૂબ કોશિશ કરો. હા, ભલે સંસાર પ્રત્યે ઉદાસીન રહો, પણ મનથી પ્રસન્ન રહો અને વિચારો કે આ મન ભક્તિ કરવા માટે તો પ્રેરે છેને! મન એમાં લાગે ત્યારે જ ભજનમાં રસ પડે છે. જે કારીથી કાદવ થાય છે એ પાણીથી જ કાદવ સાફ થાય છે, ભલે તમે મનનો ગમે એટલો વાંક કાઢો છતાં એ જ મન મુક્તિનું કારણ બને છે. એટલા માટે મનઃ પ્રસાદઃ મનને પ્રસન્ન રાખો.

astrology columnists Morari Bapu