સત્ત્વશીલ ભલે એક હોય, પરિવર્તન સમૂળગું લાવે છે

03 August, 2021 10:38 AM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

બીજી સ્કૂલમાં તેને જવા દેવા જેવો નથી. આમેય તે પોતાની મેળે જ સંસ્કૃતનો વિષય તૈયાર કરી લેવા માગે છે ત્યારે આપે તેને એમાં સંમતિ આપી દેવા જેવી જ છે.’

પ્રતીકાત્મક તસવીર

‘સર, એક વાત ક૨વા તમારી પાસે આવ્યો છું.’ મૅટ્રિકમાં આવેલો એક વિદ્યાર્થી પોતાના વર્ગશિક્ષકની સામે ઊભો છે અને વાત કરવાની રજા માગે છે, ‘મારે મૅટ્રિકમાં સંસ્કૃત લેવું છે.’
‘પણ કાંઈ કારણ?’ શિક્ષકે કહ્યું, ‘ખબર તો છેને મૅટ્રિકમાં આપણી પાસે સંસ્કૃતનો એક પણ વિદ્યાર્થી નથી. વિદ્યાર્થી નથી એટલે શિક્ષક નથી. શિક્ષક નથી એટલે એનો ક્લાસ નથી.’
‘સર, મને બધી ખબર છે છતાં મારો સંસ્કૃત લેવાનો નિર્ણય અફર છે. આપ પ્રિન્સિપાલને મારી આ વાત પહોંચાડો.’
‘પહોંચાડવામાં વાંધો નથી, પણ એનું કોઈ પરિણામ આવે એવી મને આશા નથી.’
વર્ગશિક્ષકે પ્રિન્સિપાલને આ વાત કરી તો એ જ જવાબ આવ્યો, ‘ના.’ એમ છતાં પ્રિન્સિપાલે એ છોકરાને મળવાની તૈયારી દર્શાવી. વિદ્યાર્થી હાજર થયો પ્રિન્સિપાલ પાસે.
‘તારે સંસ્કૃત લેવું છે?’ પ્રિન્સિપાલે વાતની શરૂઆત કરી, ‘ખબર તો છેને કે આપણી સ્કૂલમાં મૅટ્રિકમાં સંસ્કૃત લઈને પરીક્ષા આપનારો એક પણ વિદ્યાર્થી નથી?’
‘હા, ખબર છે.’
‘તો પછી હું તને સંસ્કૃત શી રીતે લેવા દઉં, તારા એક માટે શિક્ષક રાખવા પડે.’ 
‘એ ચિંતા આપ ન કરો, હું મારી મેળે સંસ્કૃતનો અભ્યાસકોર્સ પૂરો કરી લઈશ. આપ માત્ર મારા સંસ્કૃત લેવાના નિર્ણય પર સંમતિ આપી દો અને સહી કરી દો.’
પ્રિન્સિપાલે ના પાડી એટલે વિદ્યાર્થીએ પોતાના મનની વાત કહી દીધી, ‘તો સાહેબ, હું આ સ્કૂલ છોડીને બીજી સ્કૂલમાં જઈશ. બીજી સ્કૂલમાં હું આ સંદર્ભે વાત કરીને જ આવ્યો છું.’ 
વિદ્યાર્થીની વાત સાંભળીને પ્રિન્સિપાલ તો હબક ખાઈ ગયા, પણ તેમણે બીજી સ્કૂલમાં જવાની પરવાનગી આપી દીધી. જોકે સ્કૂલના અન્ય શિક્ષકોએ ભેગા મળીને પ્રિન્સિપાલને સમજાવ્યા, ‘એ વિદ્યાર્થી તેજસ્વી છે, બોર્ડમાં નંબર લાવે એવો; બીજી સ્કૂલમાં તેને જવા દેવા જેવો નથી. આમેય તે પોતાની મેળે જ સંસ્કૃતનો વિષય તૈયાર કરી લેવા માગે છે ત્યારે આપે તેને એમાં સંમતિ આપી દેવા જેવી જ છે.’
સમજાવટથી પ્રિન્સિપાલ કૂણા પડ્યા. એ વિદ્યાર્થીને સંસ્કૃત લેવાની તેમણે સંમતિ તો આપી જ; પણ તેના એકલા માટે સ્વતંત્ર શિક્ષકની અને સ્વતંત્ર પિરિયડની વ્યવસ્થા પણ કરી આપી.
સંસ્કૃતમાં એ વિદ્યાર્થી ૧૦૦માંથી ૯૯ માર્ક્સ લાવ્યો, પણ બોર્ડમાંય તે નંબર લાવ્યો. આશ્ચર્ય તો એ સર્જાયું કે વર્ષ પછી કાયમ માટે સ્કૂલમાં સંસ્કૃતનો વિષય દાખલ થઈ ગયો, જે આજ સુધી ચાલી રહ્યો છે.
સત્ત્વશાળી એક જ ભલેને છે, એ આખી વ્યવસ્થામાં પરિવર્તન લાવી શકે છે. કાશ, આવા સત્ત્વશાળીઓ આજે ઠેર-ઠેર પેદા થાય! 

astrology columnists