જો રાજકારણ વ્યવસ્થિત બને તો પણ ઘણા દોષ દૂર કરી શકાય એમ છે

04 April, 2022 06:44 PM IST  |  Mumbai | Swami Satchidananda

વધેલા વિકાસે સમાજના દરેક વર્ગને ઉપર લાવવાનું કામ કર્યું. નીચલો મધ્યમ વર્ગ મધ્યમ-મધ્યમ વર્ગ બન્યો અને મધ્યમ-મધ્યમ વર્ગ ઉચ્ચ-મધ્યમ વર્ગ બન્યો. તમે જુઓ, છેલ્લાં ૫૦ વર્ષમાં લગભગ બધા જ વર્ગો પોતપોતાની કક્ષાથી ઉપર આવ્યા અને સુખાકારી પામ્યા.

મિડ-ડે લોગો

રહેણાકની બાબતોમાં પણ આપણે સુવિધામય બન્યા છીએ. વાહનવ્યવસ્થા વધી છે એટલે ગામની બહાર સોસાયટીઓ પણ અસંખ્ય વધી છે. એમાં રહેવા આવવાની શરૂઆત એવા સમયે ખાસ થઈ જે સમયે ગામડામાંથી હવા-ઉજાસ વિનાનાં કોઢિયાં ઘર વધવા માંડ્યાં. એ વર્ગે જ દૂર જઈને રહેવાનું પસંદ કર્યું અને એ પછી વિકાસ વધ્યો. વધેલા વિકાસે સમાજના દરેક વર્ગને ઉપર લાવવાનું કામ કર્યું. નીચલો મધ્યમ વર્ગ મધ્યમ-મધ્યમ વર્ગ બન્યો અને મધ્યમ-મધ્યમ વર્ગ ઉચ્ચ-મધ્યમ વર્ગ બન્યો. તમે જુઓ, છેલ્લાં ૫૦ વર્ષમાં લગભગ બધા જ વર્ગો પોતપોતાની કક્ષાથી ઉપર આવ્યા અને સુખાકારી પામ્યા. જોકે સરકારી ભાડૂતના કાયદાની એકપક્ષીયતાનl કારણે ઝૂંપડપટ્ટી પણ દેશમાં વધી છે, પણ ઝૂંપડપટ્ટીમાં રહેનારો પ્રત્યેક વ્યક્તિ ગરીબ છે એવું તમે દાવા સાથે ન કહી શકો. કેટલીક બાબતોમાં જગ્યા નહીં છોડવાને કારણે ઝૂંપડપટ્ટી નહીં છોડનારો વર્ગ પણ છે તો કેટલીક બાબતોમાં સારા પગારદારો પણ મકાનના અભાવમાં ઝૂંપડપટ્ટીમાં રહેવા લાચાર બન્યા છે. આ વાત ખાસ કરીને મહાનગરોમાં લાગુ પડે છે, પણ હવે સરકાર એ બાબતમાં પણ સજાગ થઈ છે અને એવાં ઘર બનાવે છે જે દરેકના ખિસ્સાને પરવડે અને ઘરના ઘરનું સપનું પણ પૂરું થાય તો એ સિવાયની બાબતમાં પણ કહેવું પડે કે જો ભાડૂતી કાયદો સુધારી શકાય તો પણ ઘરના ઘરનો દોષ દૂર થઈ શકે છે.
પહેલાં અમુક ભાગમાં બહારવટિયા, ડાકુઓ, ચોરોનો ભારે ફફડાટ હતો. એક ગામથી બીજા ગામ જતાં ડર લાગતો. લોકો લૂંટાઈ જતા, પણ હવે આ ભય ઘણો ઓછો થઈ ગયો છે, કારણ કે સૌને રોજી મળવા માંડી. ચોરો પણ રોજી મળવાથી કામે લાગી ગયા. માણસ સારો જ હોય છે, પણ જો પરિસ્થિતિની ભીંસમાં તે ભીંસાય તો તે ખોટો થઈ જતો હોય છે. જોકે આજે પણ અસામાજિક તત્ત્વો, ગુંડાઓ વધી રહ્યાં છે, પણ એ રાજકારણની દૂષિત પરિસ્થિતિનું પરિણામ છે, બેરોજગારીનું નહીં. જો રાજકારણ વ્યવસ્થિત તથા સમર્થ બનાવી શકાય તો ઘણા દોષ દૂર કરી શકાય. 
ઘણા લોકોને વાતવાતમાં પ્રાચીનકાળની પ્રશંસા અને વર્તમાનની નિંદા કરવાની ટેવ હોય છે. તેઓ એમ જ સમજી બેઠા હોય છે કે પહેલાં બધું સારું હતું અને અત્યારે બધું ખરાબ આવી ગયું છે, પણ એકંદરે તટસ્થતાથી વિચાર કરતાં આપણે આજે જે સ્થિતિમાં છીએ એ પૂર્વના કરતાં ઘણી સારી છે. જોકે કેટલાંક ક્ષેત્રોમાં આપણે પીછેહઠ પણ કરી હશે, પણ એથી જ પ્રગતિ છે એ મટી જતી નથી. સંતુલિત રીતે અધ્યયન કરીને પ્રજા સતત પ્રગતિ કરતી રહે એ જ ઉત્તમ વિચારસરણી છે.

astrology columnists swami sachchidananda