હૃદયમાં રક્ત ભલે વહે, પણ એ હોવું તો વિરક્ત જોઈએ

19 January, 2022 03:33 PM IST  |  Mumbai | Morari Bapu

પ્રેમદેવતાનું સ્વરૂપ અલગ છે. કહે છે કે તે જ્યારે આવે ત્યારે હૃદય ખાલી હોવું જોઈએ, હૃદય રિક્ત હોવું જોઈએ. તમારા હૃદયમાં રક્ત ભલે વહે, પણ એ હૃદય હોવું તો વિરક્ત જ જોઈએ. જો વિરક્ત હૃદય હોય તો જ પ્રેમદેવતા એમાં સ્થાન બનાવે.

પ્રતીકાત્મક તસવીર

પ્રેમમાં બાધક બનતાં ક્રોધ, બોધ, નિરોધ, મળ, કપટ, વિક્ષેપ, આવરણ, અનૃત અને અમૃત્ય, અનિત્ય, સંદેહ સુગેહ, દેહ અને તૃપ્તિની વાત કરી અને આ જ વાત આ વખતે પણ ચાલુ રહેવાની છે. પ્રેમમાં બાધક બને એ સ્થાનમાં હવે આવે છે કામ.
પ્રેમ અને કામનાં લક્ષણો એકસરખાં હોય છે, જેને લીધે શરૂઆતમાં બન્ને એકસમાન લાગે છે, પણ એ સચ્ચાઈ નથી, એમાં થોડો ફરક તો છે જ. કામમાં આપણને સુખ મળે ત્યારે આપણે હસીએ છીએ, આપણને દુઃખ લાગે ત્યારે આપણે રડીએ છીએ. પ્રેમમાં તેને સુખ મળે ત્યારે આપણે હસીએ છીએ અને તેને દુઃખ થાય ત્યારે આપણે રડીએ છીએ. કામ અહંકારની પૂજા કરે છે, એ ભોગ જ માગે છે. બદલામાં અહંકારનો શ્રાપ આપે છે, શોક આપે છે. અહંકારની પૂજા કરશો તો શોક જ મળશે. પ્રેમદેવતાનું સ્વરૂપ અલગ છે. કહે છે કે તે જ્યારે આવે ત્યારે હૃદય ખાલી હોવું જોઈએ, હૃદય રિક્ત હોવું જોઈએ. તમારા હૃદયમાં રક્ત ભલે વહે, પણ એ હૃદય હોવું તો વિરક્ત જ જોઈએ. જો વિરક્ત હૃદય હોય તો જ પ્રેમદેવતા એમાં સ્થાન બનાવે.
મતિ. પ્રેમમાં બાધક બનવાનું કામ મતિ પણ કરે છે.
બુદ્ધિ અવરોધક છે. જ્યારે વ્યક્તિ બુદ્ધિપ્રધાન થઈ જાય, બની જાય ત્યારે પ્રેમ અટકી જાય છે, આંખો કોરી રહી જાય અને હૃદય સૂનું પડી જાય. કૃષ્ણ દ્વારા, જાનકી દ્વારા બુદ્ધિ પ્રાપ્ત થાય છે, એ સહાયક છે. કેવળ ખાલી, ખાલીખમ, પોલંપોલ બુદ્ધિની જ આ વાત છે. બુદ્ધિ સુખ આપી શકે, પણ એ ક્યારેય આનંદ નથી આપી શકતી. કલેક્ટર સામાન્ય માણસ કરતાં મોટો હોઈ શકે. તે બુદ્ધિનો ઉપયોગ કરીને સુખ મેળવી શકે, પણ બુદ્ધિથી તે શાંતિ પ્રાપ્ત કરી શકે નહીં. પરમાત્મા બુદ્ધિની સીમાથી પર છે અને એ જ હકીકત છે, જેને કોઈ નકારી ન શકે. નાના પ્યાલામાં સાગર સમાઈ ન શકે, એવી જ રીતે બુદ્ધિના પાત્રમાં પરમાત્મા ન ભરી શકાય. બુદ્ધિ રસ્તો છે. બુદ્ધિ મળે એટલે માણસ પુસ્તકમાં ગૂંચવાઈ જાય છે. પુસ્તકપ્રેમ અવરોધક છે. 
કેવી રીતે? 
ક્યારેક સત્સંગમાં જાઓ તો ત્યાં જે સાંભળવા મળે એ સંભાળીને પુસ્તકમાં જોવા લાગશો કે જે કહેવામાં આવ્યું એ સાચું છે કે ખોટું? અને કાં તો પછી જિજ્ઞાસાવૃત્તિથી એની આગળની વાત જોશો. બુદ્ધિ સદ્ગુરુની ચરણરજથી દીક્ષિત થશે. બુદ્ધિમાન લોકો દરેક સૂત્રને પોતાની બુદ્ધિથી ચકાસશે અને જ્યાં બુદ્ધિની ચકાસણી હોય ત્યાં પ્રેમ પ્રગટ ન થાય. 

Morari Bapu astrology columnists