દુર્ગુણોનું આયુષ્ય ન વધારો, એ તમને ખતમ કરી નાખશે

22 June, 2022 08:12 PM IST  |  Mumbai | Morari Bapu

વિકૃતિઓનું આયુષ્ય ન વધારો અને તરત જ એને ખતમ કરી દો. છોડી દો, થઈ ગયું.

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

ગયા ગુરુવારે કહ્યું એમ, માત્ર ત્રણ વાતનો સ્વીકાર તમારે કરવાનો છે, જેમાં પહેલા નંબરે આવે છે દ્વંદ્વોમાં સહિષ્ણુતા. જીવનમાં જેટલાં પણ દ્વંદ્વ આવે એને સહન કરવાની જેને ફાવટ આવી જાય તે તપસ્વી છે. સુખ આવે, દુઃખ આવે તો સહન કરી લો. સુખ આવે તો વહેંચી દો અને દુઃખ આવે તો એને સહન કરી લો. બસ, આટલું વ્રત લઈ લો. કુટુંબમાં દુઃખ આવે તો હું એકલો. હું કોઈને કહીશ નહીં, હું એકલો જ એને ભોગવી લઈશ, પણ જો સુખ આવશે તો કુટુંબમાં બધા વચ્ચે વહેંચી દઈશ. જે વ્યક્તિ દુનિયાનાં બધાં દ્વંદ્વોને અનુકૂળ થઈને રહે છે તે તપસ્વી છે. પત્નીએ જો કાંઈક એવું કહ્યું હોય તો એને સહન કરી લો. તમે સાચા હો તો પણ સહી લો તો તમે તપસ્વી છો. પતિએ પત્નીનું દિલ દૂભવ્યું હોય અને પત્ની જાણે છે કે હું સાચી છું છતાં ચાલો... ઉતાવળ શું કામ કરવી, સમય જતાં બધું થાળે પડી જશે. આ તપ છે.
દુર્ગુણોનું આયુષ્ય ન વધારો, કારણ કે તમે એમાં ખતમ થઈ જશો. વિકૃતિઓનું આયુષ્ય ન વધારો અને તરત જ એને ખતમ કરી દો. છોડી દો, થઈ ગયું. હવે મારો આ નિર્ણય જ મને સફળતા અપાવશે.
દુઃખ આવે ત્યારે એમ સમજીને ખુશ થવું જોઈએ કે હું મારાં કર્મોનું ફળ ભોગવી રહ્યો છું અને સુખ આવે તો એમ સમજીને ખુશ થવું જોઈએ કે હું એનાથી પરમાર્થ કરી લઉં. ભગવાને તક આપી છે તો પરમાર્થ કરું. બન્નેનો સદુપયોગ થઈ શકે છે. દુઃખનો તો સારી રીતે સદુપયોગ એ છે કે ભાઈ?
માન મળે, સન્માન મળે... કોઈ માણસને કોઈ સારા શબ્દો કહે તો ભીતરનાં બધાં કેમિકલ્સ બદલાઈ જાય છે અને એ જ માણસને પાંચ મિનિટ પછી કોઈ ખરાબ શબ્દો કહી દે તો તેની ભૂખ મરી જાય છે. તેને ખાવાની રુચિ નથી રહેતી. આવી બાબતોમાં જ્યાં સુધી આપણામાં હોય ત્યાં સુધી આપણે તપસ્વી નથી.
બીજા નંબરે આવે છે વિકારોના વેગમાં સહિષ્ણુતા અને ત્રીજા નંબરે આવે છે બીજાની ચડતીનો સ્વીકાર કરો.
આ બન્ને વિષયો પર હવે આપણે વાત કરીશું આવતા ગુરુવારે, પણ એ વાત શરૂ કરતાં પહેલાં કહેવાનું એ કે કામ, ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ જેવા જે આવેગો છે એ તેને જો સહન કરી ગયા તો તમે તપસ્વી છો. 
કામ ક્રોધોદ્વં વેગં સ યુક્તઃ સ સુખી નરઃ।
શ્રીમદ ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયમાં કહેવાયેલા આ શ્લોકની વાત કરીશું હવે આપણે આવતી કાલે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Morari Bapu astrology