ભૂલા પડવું નહીં, પણ નિર્દોષને ભૂલો પાડવો એ અપરાધ છે

17 October, 2021 12:03 PM IST  |  Mumbai | Swami Sachidanand

સ્ત્રી ૩૦થી ૩પ વર્ષે અને પુરુષ ૪૦થી ૪પ વર્ષે આ વેગની ભયંકરતા આગળ વધુ ને વધુ લાચાર-દીન બનતો જાય છે. 

મિડ-ડે લોગો

ગેરવાજબી કથનોની કથાઓથી સ્ત્રી અને ધન પ્રત્યે એક ક્ષણિક વૈરાગ્યનો ઊભરો ઉત્પન્ન થાય. ખાસ કરીને ૧પથી ૨૫ વર્ષ સુધીની ઉંમરનો ગાળો એવો હોય છે કે એ વયના કિશોરો કે યુવાનોને જે તરફ વાળો એ તરફ સરળતાથી વળી જાય. આવાં છોકરા-છોકરીને જુગારી, દારૂડિયા, ચોર, વિદ્યાર્થી, રાગી-પ્રેમી કે પછી સાધુ-સાધ્વી થવાના માર્ગે પણ સરળતાથી વાળી શકાય અને ભ્રમિત કરી શકાય. તમે જુઓ કે મોટા ભાગનાઓેએ આ જ સમયગાળામાં આ બધા માર્ગો પકડ્યા હશે. જતી જિંદગીએ દારૂના રવાડે ચડેલો ભાગ્યે દેખાશે અને વાનપ્રસ્થાશ્રમ પછી સંસાર છોડનારાઓ પણ ભાગ્યે દેખાશે. આ બધું ૧પથી ૨૫ વચ્ચે જ થાય છે, કારણ કે એ ભાવના અને ઊર્મિઓની ઉંમર છે. સમજપૂર્વકનું ખરું જીવન પચીસ વર્ષ પછી શરૂ થતું હોય છે. સુસંગમાં રહેનાર માણસ પચીસ વર્ષ સુધી તો સરળતાથી કામવાસનાના વેગોને સહી લઈ શકે એવી કુદરતી વ્યવસ્થા હોય છે, પણ એ પછીની ઉંમરમાં સહી લેવાની તેની શક્તિ ઓછી થવા માંડે છે. સ્ત્રી ૩૦થી ૩પ વર્ષે અને પુરુષ ૪૦થી ૪પ વર્ષે આ વેગની ભયંકરતા આગળ વધુ ને વધુ લાચાર-દીન બનતો જાય છે. 
કુદરતના સામાન્ય નિયમની ઉંમરથી જે કામવાસના ભોગવે છે તે સાત્ત્વિક માણસ ૫૦ વર્ષની ઉંમરે પહોંચતાં પહેલાં જ લગભગ તૃપ્તિ અને મુક્તિની ભૂમિકાએ પહોંચે છે. જ્યારે ઘણી મોટી ઉંમર સુધી અવિવાહિત રહેનાર અને છેક પાછલી ઉંમરે શરૂઆત કરનાર સતત અતૃપ્તિ ભોગવે છે. કુદરતી નિયમે ચાલનાર જે ઉંમરે સંતોષનો ઓડકાર મેળવે છે તે એ જ ઉંમરે (ત્યારે લગભગ તે પુત્રના પુત્રને પણ રમાડતો હોય છે) પેલો એકડો ઘૂંટવાની શરૂઆત કરીને બરબાદ જીવનને વધુ બરબાદ કરવા તરફ આગળ વધતો હોય છે.    
આજીવન અવિવાહિત રહેવાની મક્કમતાવાળાં સ્ત્રી-પુરુષો આટલી ઉંમરની આસપાસ પહોંચ્યા પછી મોટા ભાગે પોતાની ભૂલ પર પશ્ચાત્તાપ કરવા માંડતાં હોય છે. કેટલાંક મોટું નુકસાન સહન કરીને ભૂલ સુધારી લેતાં હોય છે તો કેટલાંક ભૂલ સુધારી લેવાની હિંમત વિનાના અથવા શક્ય પરિસ્થિતિ વિનાના ઢસરડા કરી-કરીને જીવન જીવતા હોય છે. 
હા, થોડા અપવાદ હોય છે જે અગવડ સહન કરીને પણ સ્વીકારેલા માર્ગને પાર પાડતા હોય છે. સાચા માણસો પોતાના જીવન પરથી બોધપાઠ લઈને બીજાને સાચો માર્ગ બતાવતા હોય છે, જ્યારે સામાન્ય મૂઢ કક્ષાના માણસો પોતાની ભૂલોને અસ્વીકારી, ઢાંકી, એને આદર્શનો કાલ્પનિક જામો પહેરાવી વધુ ને વધુ માણસોને ભૂલોભર્યા માર્ગે ખેંચતા હોય છે. ભૂલા પડવું એ અપરાધ નથી, પણ જાણ્યા પછી અજાણ્યા, નિર્દોષ ભોળા માણસોને ભૂલા પાડવા એ અપરાધ છે.    

columnists astrology swami sachchidananda