ધૃતવત્ પ્રેમ ઋતુ પ્રમાણે રૂપ બદલે, શિયાળામાં થીજે, ઉનાળામાં પીગળે

16 September, 2021 04:52 PM IST  |  Mumbai | Morari Bapu

મધ થોડું ચીકણું હોય છે, પણ એની પોતાની અસ્મિતા હોય છે. આવો મધુવત્ પ્રેમ કેવળ રાધાજીમાં અને ગોકુળની વૃજાંગનાઓમાં દેખાય છે.

પ્રતીકાત્મ તસવીર

આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને આત્મીયતા. પ્રેમની આ ચાર રીત જોયા પછી હવે પ્રેમના પ્રકાર જોવાના છે. પૂરા બ્રહ્માંડમાં વ્યાપ્ત આ ઈશ્વરીય વિભાવનાને જુદા-જુદા સંતોએ, વિદ્વાનોએ, શાસ્ત્રોએ જુદી-જુદી રીતે વર્ણવી છે. શાસ્ત્રોમાં પ્રેમના અનેક પ્રકાર બતાવ્યા છે. કોઈની પ્રીત માછલી જેવી હોય, નીર ખૂટે એટલે પ્રાણ છોડે અને કોઈનો પ્રેમ વળી દેડકા જેવો હોય, પાણી ઓછું થવા માંડે કે તરત કૂદી-કૂદીને બહાર નીકળી જાય. પ્રીતનું તો એવું છે કે એ પાણીમાં દૂધ જેવી પણ હોય અને છાશ જેવી પણ! એટલે જ તો તુલસીદાસજીએ કહ્યું છે... 
જલુ પથ સરિસ બિકાઈ દેહુ પ્રીતિ કી રીતિ ભલી,
મતિ અતિ નીચ ઊંચી રુચિ આછી,
ચહિઅ અમિઅ અમિઅ જગ જુરઈ ન છાછી.
અર્થાત્ દૂધ પાણીને પોતાનું રૂપ, રંગ, થોડોઘણો સ્વાદ એ બધું આપી દે છે અને સામે પક્ષે છાસ પાણીને સ્વીકારે ખરી, પણ ઘડીક મળી જાય ને પછી ધીમેકથી નીચે બેસી જાય. મેળવણ વગરની પ્રીત જ સાચી, બાકી જેનામાં ખટાઈ પડી ગઈ તે ગયો કામથી.
પ્રેમને એ રીતે જોઈએ તો અનેક પ્રકાર છે અને જાણવા જેવા છે. આ પ્રકારોમાં પહેલાં વાત કરીએ મધુવત્.
મધુવત્ પ્રેમ એને કહેવાય જે મધ જેવો હોય. મધ સ્વતઃ મધુર છે. એને મીઠું કરવા કે ગળ્યું કરવા એમાં ગળપણ ઉમેરવાની જરૂર નથી પડતી. ક્યારેય સાંભળ્યું છે તમે કે મધમાં ખાંડ કે સાકર નાખવામાં આવી? ના, ક્યારેય એ નાખવી પડતી નથી. પ્રેમમાં કોઈ ઉમેરણ કરવાની જરૂર રહેતી નથી. મધ થોડું ચીકણું હોય છે, પણ એની પોતાની અસ્મિતા હોય છે. આવો મધુવત્ પ્રેમ કેવળ રાધાજીમાં અને ગોકુળની વૃજાંગનાઓમાં દેખાય છે.
હવે વાત કરીએ બીજા પ્રકારની, જે કહેવાય છે ધૃતવત્. ઘી સમાન પ્રેમ. 
ઘી નારાયણ સ્વરૂપ છે. સ્વયં શક્તિશાળી અને પવિત્ર, પણ એમાં કશુંક ભેળવ્યા પછી જ એનો આહાર બને. એમ જ પ્રેમના આ બીજા પ્રકારમાં થોડી સેવા, સંકીર્તન, દર્શન, સામીપ્ય ભળે ત્યારે એ દિવ્ય ભોજનનું રૂપ ધારણ કરે અને સાધકને તૃપ્ત કરે. ઘી પરિસ્થિતિ પ્રમાણે રૂપ બદલે છે. શિયાળામાં થીજેલું ને ઉનાળામાં પીગળેલું. એ જ રીતે ધૃતવત્ પ્રેમમાં ઠાકુરનું સ્મરણ કરે, સંતદર્શન થાય તો પીગળી જાય અને સત્સંગ ન થાય તો ભાવશૂન્યતા આવી જાય. ઘણા કહેતા હોય છે કે હમણાં ભાવ નથી જાગતો, પૂજાપાઠ છૂટી જાય છે, એ ધૃતવત્ પ્રેમ છે. આવી વ્યક્તિ સદ્ગુરુ પાસે જાય તો પુનઃ પીગળવા માંડશે! યમુનાજી ધૃતપ્રેમી છે. કૃષ્ણના વિયોગમાં રહી શકતી નથી, પીગળી જાય છે, પ્રવાહ બની જાય છે અને છેક દ્વારિકા સુધીની યાત્રા કરી લે છે. આ ધૃત છે ચાહો, એને માટે પીગળી જવું.

astrology columnists