ધર્મપ્રેમ આત્મકલ્યાણ કરે અને અન્યોનું પણ કરાવે

19 November, 2022 07:26 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

૧૦૦૮ તીર્થના મૂળનાયક ભગવંતોનાં નામ તેમને મોઢે. આવા એ શ્રાવકની વર્ષો પહેલાંની એક ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ પાછળનું રહસ્ય જાણવા તેમની જ બાજુમાં રહેતા એક શ્રાવકે પ્રશ્ન પૂછ્યો...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પ૦-પપ વર્ષની પ્રૌઢ વય. આચારચુસ્તતા તેમની વખણાય. પ્રભુદર્શનની તેમની લગન તથા દર્શન કર્યા પછી પ્રભુસ્મરણની તેમની ધગશ અવર્ણનીય. ૧૦૦૮ તીર્થના મૂળનાયક ભગવંતોનાં નામ તેમને મોઢે. આવા એ શ્રાવકની વર્ષો પહેલાંની એક ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ પાછળનું રહસ્ય જાણવા તેમની જ બાજુમાં રહેતા એક શ્રાવકે પ્રશ્ન પૂછ્યો...
‘પણ તમારી આ પ્રવૃત્તિ પાછળનું રહસ્ય મગજમાં બેસતું નથી. રોજ થેલીમાં પ, ૧૦ અને ૨૦ પૈસાનું પરચૂરણ લઈ બિલ્ડિંગની નીચે બેસી દેરાસર તરફ જતા હોય એ નાનાં બાળકોને બોલાવવાનાં, તેમના હાથમાં પરચૂરણ આપવાનું અને એ દેરાસરના ભંડારમાં નાખવાનું સૂચન કરવાનું...’
‘એ મારો શોખ છે.’
‘આવો શોખ ક્યાંય સાંભળ્યો નથી. તમે વાત ઉડાડો છો. બાકી આવી ઉમદા પ્રવૃત્તિ પાછળ કઈંક તો રહસ્ય હોવાનું...’
‘આ પ્રવૃત્તિ પાછળ કોઈ રહસ્ય નથી. માત્ર એક ભાવના છે.’ પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘આ બાળકો શરીરથી નાનાં છે અને મનથી નિર્દોષ છે. આ ઉંમરે તેમના મનમાં જો સાચું ને સારું ચીતરીએ તો એ તરત સ્વીકારે. આજનાં માબાપો પાસે બાળકોને ચૉકલેટ અને રમકડાં આપવાનો સમય છે, નવડાવવા-ધોવડાવવાનો સમય છે; પણ સુસંસ્કારો આપવાનો સમય નથી. મને થયું કે બાળકોની આ નિર્દોષતાનો લાભ લઈને તેમનાં માબાપોની તેમના પ્રત્યેની ઉપેક્ષાને મારે સરભર કરવી જોઈએ. બસ, એટલે આ પ્રવૃત્તિ ચાલુ કરી.’
‘ભંડારમાં પૈસા નાખવાથી બાળકોમાં શું સંસ્કાર આવે?’
‘જો આ ઉંમરથી દેરાસરના ભંડારમાં પૈસા નાખવાની ટેવ પડે તો મોટા થયા પછી સહજરૂપે જ તેઓ દેરાસરમાં પૈસા મૂકવાના અને પૈસા છોડવાની ભાવના પણ મનમાં આવવાની. આ સંસ્કાર તેમને ઉદાર બનાવવાનું કામ કરવાના...’ 
‘પણ આમાં તો તમારા કેટલા રૂપિયા ઓછા થતા હશે?’
‘તમને મારા ઓછા થતા રૂપિયા દેખાય છે, મને મારું વધતું પુણ્ય દેખાય છે. તમને મારા સમયનો વ્યય દેખાય છે, મને મારા સમયનો શ્રેષ્ઠ સદુપયોગ થતો દેખાય છે. સાહેબ, હું તો સાવ સસ્તામાં ખાટી રહ્યો છું.’
પેલા શ્રાવક તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા.
ધર્મપ્રેમ આ જ કામ કરે. એ સ્વયં આત્મકલ્યાણ નિશ્ચિત બનાવતો રહે, પણ અનેક આત્માઓ પોતાનું આત્મકલ્યાણ શી રીતે નિશ્ચિત કરે એની તકો પણ શોધતો હોય. તપાસજો અંતઃકરણને. આવો ધર્મપ્રેમ ત્યાં પ્રતિષ્ઠિત થયો છે ખરો? જો ન થયો હોય તો એ દિશામાં પ્રયત્નશીલ બનવા જેવું છે. વધતું પુણ્ય અને સમયનો સદુપયોગ બન્ને થતાં તમને પોતાને દેખાશે.

astrology columnists