દરેક સાધકે મનરંજન, દંતમંજન, શરીરમંજન, આંખઅંજન કરતા રહેવું

03 August, 2022 12:38 PM IST  |  Mumbai | Morari Bapu

ઇચ્છા ક્યાં સુધી તમારું નિયંત્રણ કરશે? જો તમારું મન મક્કમ હશે, જો તમારી ધીરજ બળવત્તર હશે તો ઇચ્છાઓ તમને ક્યાંય આંતરી નહીં શકે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

અનંત ઇચ્છાઓથી દુઃખનો જન્મ થાય છે અને એ દુઃખ પીડાનું કારક બને છે. જો દુઃખ જોવું ન હોય, જો પીડાનો અનુભવ કરવો ન હોય તો બહુ સરળ રસ્તો છે. અમુક અવસ્થા સુધી પહોંચવામાં ન આવે ત્યાં સુધી સાધકે પોતાની તમામ ઇચ્છાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. પ્રયાસ કરીને, પ્રયત્નપૂર્વક, ભાર દઈને એ ઇચ્છાઓને કાબૂમાં રાખવી જે ઇચ્છાઓ દુઃખકારક ન બનવાની હોય.
સિદ્ધ અવસ્થાની સૌથી મોટી વાત એ છે કે એ અવસ્થા પ્રાપ્ત થયા બાદ કોઈ પણ ઇચ્છા કરો, કોઈ પણ વાતનું મન કરો કે પછી ખેવના કરો, મનમાં કોઈ ઇચ્છા બાકી રહેતી નથી. સીધી વાત છે, આપણા ઓરડામાં જે પંખો છે એ પંખાની સ્વિચ આપણા હાથમાં છે, ઠીક પડે એમ કરો. ઠીક પડે એ રીતે એને ચલાવો. બે પર ચલાવો, ચાર પર ચલાવો, ધીમો કરો કે પછી સાવ બંધ કરો. કોઈ ના પાડવાનું નથી, કોઈ રોકવાનું નથી. બસ એવી જ રીતે, ઇચ્છાઓની સ્વિચ ભગવતકૃપા સાંભળીને પોતાના હાથમાં રાખો. ઇચ્છા ક્યાં સુધી તમારું નિયંત્રણ કરશે? જો તમારું મન મક્કમ હશે, જો તમારી ધીરજ બળવત્તર હશે તો ઇચ્છાઓ તમને ક્યાંય આંતરી નહીં શકે.

રોજ તમે મનરંજન, દંતમંજન, શરીરમંજન, આંખઅંજન કરો જ છો, પણ હું કહીશ કે સંસારીઓની એ આદતની જેમ જ પ્રત્યેક સાધકે આધ્યાત્મિક દૃષ્ટિએ પણ પોતાની આ પ્રક્રિયાને જીવનમાં અપનાવવી જોઈએ અને મંજનને કાયમી કરવું જોઈએ. કઈ રીતે એક સાધકનું આ મંજન થાય એ જરા જોઈએ. 

સાધકે પોતાનું મુખમંજન કરતા રહેવું જોઈએ. અર્થાત્ સાધકના મોઢામાં સતત હરિનામ હોવું જોઈએ. હરિનામ મોઢામાં રાખો એ ભક્તિનું મુખમંજન છે.

એ પછી આવે છે શરીરમંજન, સાધકે શરીરમંજન પણ કરતા રહેવું જોઈએ. શરીરમંજન માટે ભગવાનની કથા સૌથી હાથવગો ઇલાજ છે. ભગવતકથા દ્વારા સાધકે શરીરમંજન કરતા રહેવું જોઈએ.
એ પછી સાધકે આંખઅંજન કરતા રહેવું જોઈએ. ભગવાનનું રૂપ છે નયનઅંજન. રૂપ નિશ્ચિત કરો. તમને અનુકૂળ આવે તો લો, મારો માલ વેચું છું, નહીં તો પડ્યો રહેશે. માનસિક પૂજા પર શ્રી વલ્લભાચાર્યજીએ ભાર મૂક્યો છે. માનસિક પૂજામાં કંજૂસ ન બનો. રૂપથી નેત્રોને અંજન કરો, એ જ આંખઅંજન છે.

સૌથી છેલ્લે આવે છે મનરંજન. ઈશ્વરના ધામથી મનરંજન કરો. તે મનને આનંદ આપે છે. નામ રૂપ લીલા, ધામ આ રોજ થવું જોઈએ.

columnists astrology Morari Bapu