સામે ચાલીને કામાતુર સ્ત્રીથી બચવું અત્યંત કઠિન કામ છે

03 July, 2022 09:43 AM IST  |  Mumbai | Swami Satchidananda

રાજા પ્રતીપ ચોંકી ગયા : અરે, આ શું? આ રૂપાળી સ્ત્રી એકદમ આવીને આ રીતે મારી સાથે કેવી રીતે વર્તી શકે? 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

રૂપયૌવનના મદથી મદમસ્ત થયેલી ગંગા ભાન ભૂલીને સંધ્યા કરતા પેલા પ્રતીપરાજા પ્રત્યે આકર્ષાઈ. વાસનાના ક્ષેત્રમાં પુરુષ હંમેશાં આક્રમક હોય છે. સ્ત્રી વાસનાગ્રસ્ત હોય તો પણ લજ્જાને કારણે નિષ્ક્રિય હોય છે. તેની લજ્જા અને એના કારણે નિષ્ક્રિયતા તેને હજારગણી આકર્ષક કરી મૂકે છે, પણ જો સ્ત્રી નિર્લજ્જ થઈને પુરુષના રોલમાં આવી જાય અર્થાત્ તે આક્રમક થઈ જાય તો પુરુષને પૌરુષહીન બનાવી દે, પુરુષ ડઘાઈ જાય.    
રાજા પ્રતીપ ચોંકી ગયા : અરે, આ શું? આ રૂપાળી સ્ત્રી એકદમ આવીને આ રીતે મારી સાથે કેવી રીતે વર્તી શકે? 
મસ્તિષ્કનું સંતુલન ખોયા વિના રાજા પ્રતીપે પૂછ્યું, ‘તમે કોણ છો અને શી ઇચ્છા છે તમારી?’
ગંગા બોલી, ‘રાજન્! મારો સ્વીકાર કરો! હું તમને અત્યંત પ્રેમ કરું છું. તમારા વિના મારાથી રહી શકાતું નથી. તમને જોતાં જ હું વિચલિત થઈ ગઈ છું અને તમારા ખોળામાં આવીને બેસી ગઈ છું. હું કામાગ્નિથી બળી રહી છું. સામેથી આવેલી સ્ત્રીનો ત્યાગ કરાય નહીં એવી શાસ્ત્રમર્યાદા છે એટલે મારો ત્યાગ ન કરો, મારો સ્વીકાર કરો. હું તમને બહુ સુખ આપીશ.’ 
રાજા પ્રતીપ જરાય વિચલિત ન થયા. સામે ચાલીને કામાતુર સ્ત્રીથી બચવું અત્યંત કઠિન કામ હોય છે. જો તેની ઇચ્છાને આધીન ન થાઓ તો તે છંછેડાયેલી નાગણની માફક પુરુષ પર કલંકનો ડંખ મારતાં પણ ખચકાતી નથી. લોકો બન્ને તરફ સ્ત્રીનો જ પક્ષ લે છે, પુરુષ ગમે એટલો નિર્દોષ હોય તો પણ તેને જ દોષી ઠેરવે છે. આબરૂદાર માણસો તો કોઈ આતંકવાદીથી ડરવા કરતાં આવી સ્ત્રીથી વધુ ડરતા હોય છે અને આ ડર વધારે વાજબી પણ છે. પેલો આતંકવાદી તો માત્ર જાનથી જ મારી નાખતો હોય છે, પણ આવી આક્રમક સ્ત્રી તો જાન અને આબરૂ બન્નેથી મારી નાખતી હોય છે. જોકે અહીં પ્રતીપ મક્કમ છે. 
પ્રતીપે શાંતિથી અને જરા પણ ઉદ્ધતાઈ કે ગેરવાજબી વર્તન વચ્ચે ધૂત્કાર્યા વિના ગંગાને કહ્યું, ‘જો તારી ઇચ્છા હોય તો મારી પુત્રવધૂ થઈ શકે. મારે શાન્તનુ નામનો યુવાન પુત્ર છે. તું તેની પત્ની થઈ જા તો તારું કલ્યાણ થઈ જશે.’
ઘણી રકઝક પછી ગંગાએ રાજાનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને કહ્યું, ‘ભલે, હું તમારા પુત્રની પત્ની થઈશ. તમે તમારા પુત્ર શાન્તનુને સમજાવો.’ 
રાજા પ્રતીપ માંડ છૂટ્યા. જે રૂપાળી સ્ત્રીઓ પાછળ કેટલાય ભમરા જેવા પુરુષો ફર્યા કરતા હોય અને નાચતા રહે તે જ રૂપાળી સ્ત્રી સામે ચાલીને ન્યોછાવર થવા આવે છતાં મચક ન આપી એ રાજા પ્રતીપ કોઈ બ્રહ્મચારી મુનિ નથી પણ પત્નીવાળો સદ્ગૃહસ્થ છે. તેનો ગૃહસ્થાશ્રમ ધર્મ તેનું રક્ષણ કરે છે.

astrology columnists swami sachchidananda