કઈ ચીજવસ્તુ જાહેરમાં રાખવાનું ટાળવું જોઈએ?

13 November, 2022 08:18 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

સભાનતાના અભાવે કે પછી અજ્ઞાન વચ્ચે અમુક ચીજવસ્તુઓ ઘર કે ઑફિસમાં જાહેરમાં પડી હોય એવું બનતું હોય છે, પણ દુષ્પરિણામ માટે કારક બનતી હોવાથી એવી ચીજવસ્તુ જાહેરમાં રાખવાનું ટાળવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

નાનું ઘર હોય એટલે કે પછી સભાનતાનો અભાવ કે પછી અજ્ઞાનતા. સામાન્ય સંજોગોમાં મોટા ભાગના લોકો અમુક એવી ચીજવસ્તુ જાહેરમાં રાખતા હોય છે, જે રાખવી હિતાવહ નથી, કારણ કે એ નકારાત્મકતા કે પછી દુષ્પરિણામને કારક બને છે અને એવું ન બને એટલે એ ચીજ, જો જાહેરમાં રાખવામાં આવતી હોય તો એને તાત્કાલિક રોકવી જોઈએ.

આજે વાત કરીશું એવી ચીજવસ્તુઓની જે ઘરમાં જાહેરમાં ન રાખવી જોઈએ.

૧. આંતરવસ્ત્રો. હા, અન્ડરગાર્મેન્ટ્સને જાહેરમાં ક્યારેય રાખો નહીં કે પછી ધોયા પછી એને જાહેરમાં સૂકવવાં નહીં. જાહેરમાં સૂકવવામાં આવતાં કે પછી રાખવામાં આવતાં આંતરવસ્ત્રો પતિ-પત્ની કે અન્ય પર્સનલ રિલેશનશિપ પર નકારાત્મક અસર કરે છે અને સંબંધોમાં સ્ટ્રેસ ઊભો કરે છે. જો ઘરમાં કપડાં સૂકવવા માટે સગવડ ન હોય તો આંતરવસ્ત્રોને રાતના સમયે સૂકવીને વહેલી સવારે અન્યની નજર પડે એ પહેલાં હટાવી લેવાં જોઈએ. એવી જ રીતે જો ઘરમાં રાખવાની સગવડ ન હોય તો આંતરવસ્ત્રોને મુખ્ય કપડાંની પાછળ, કોઈને દેખાય નહીં એ રીતે ગોઠવવાં જોઈએ.

૨. ઘરમાં પ્રવેશતી વખતે સીધાં જ શૂઝ કે ચંપલ દેખાય એવી રીતે મૂકવાં નહીં. ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર એ લક્ષ્મીનું આગમન દ્વાર છે, જ્યારે શૂઝ-ચંપલ નકારાત્મકતાનું પ્રતીક છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે રાખવામાં આવતાં શૂઝ-ચંપલ લક્ષ્મીના આગમનમાં અવરોધક બને છે, જેને લીધે પરિવારમાં આર્થિક ઉપાર્જન સાથે સંકળાયેલા લોકોની કરીઅરમાં બાધા ઊભી થાય છે. પૈસા સરળતા અને સહજતા સાથે કમાઈ નથી શકાતા તો સાથોસાથ ધારણા મુજબની ઇન્કમ નથી થતી. એક આડવાત, શૂઝ-ચંપલ શક્ય હોય ત્યાં સુધી દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવાં જોઈએ. યાદ રાખજો, પ્રગતિની દિશા ઉત્તર અને પૂર્વ છે એટલે એ દિશામાં સંભવ હોય ત્યાં સુધી કોઈ પણ જાતની અડચણ રાખવી નહીં.

૩. ફાટેલા ઓછાડ, તકિયાનાં કવર કે પછી તૂટેલીફૂટેલી એક પણ ચીજ, જે સહજ રીતે લોકોની નજરમાં આવે એને રાખવી જોઈએ નહીં. આર્થિક રીતે પરવડતું ન હોય તો ફાટેલા ઓછાડ કે તકિયાનાં કવરને યોગ્ય રીતે સાંધીને એનો ઉપયોગ કરવો જોઈએ તો તૂટેલીફૂટેલી ચીજ ફેંકી શકાય એમ ન હોય તો સહજ રીતે એ ચીજવસ્તુ નજરે ન ચડે એનું ધ્યાન રાખીને એ ચીજવસ્તુને એવી રીતે મૂકી દેવી જોઈએ તથા જ્યારે અનિવાર્ય હોય ત્યારે જ એને વપરાશ માટે કાઢવી જોઈએ.

૪. જો ઘરમાં બાળકો હોય અને એ પોતાની સ્કૂલ-બુક્સને અસ્તવ્યસ્ત મૂકી દેતાં હોય તો એ પ્રક્રિયા બંધ કરવી. જ્ઞાનના માર્ગ સમાન એ બુક્સ વ્યવસ્થ‌િત મૂકવાની આદત તેમને પાળવી જોઈએ અને ધારો કે એવું ન થઈ શકતું હોય તો એ કામ ઘરના વડીલોએ સંભાળી લેવું જોઈએ. ધારો કે કૉલેજમાં ભણતાં હોય એ ઉંમરનાં સંતાનો હોય તો તે પોતાના પ્રોજેક્ટ્સને લગતી એક પણ ચીજ ખુલ્લામાં ન મૂકે એ માટે તેમને સમજાવો કે એનર્જી બહુ અગત્યની છે. એનો વેડફાટ ન થવો જોઈએ. પુસ્તકો નિર્જીવ છે, પણ એમાં એનર્જી છે અને એટલે જ એનો ઉપયોગ કરવામાં આવે છે. અસ્તવ્યસ્ત પડેલાં પુસ્તકોની એનર્જી એક જગ્યાએ સંગ્રહિત નથી થતી, એટલે સારું રિઝલ્ટ લાવવામાં એ બાધક બને છે.

columnists astrology