જ્યાં સુધી આડે શંકાનો પથ્થર છે ત્યાં સુધી પ્રેમ વહેશે નહીં

12 January, 2022 09:27 PM IST  |  Mumbai | Morari Bapu

શંકાનું ઉદ્ભવસ્થાન છે શ્રવણ. બરાબર સાંભળ્યું હોય તો શંકા નિર્મૂળ થઈ શકે છે અને બરાબર સાંભળ્યું ન હોય તો શંકા જાગી પણ શકે.

પ્રતીકાત્મક તસવીર

પ્રેમમાં બાધક બનતાં ક્રોધ, બોધ, નિરોધ, મળ, કપટ, વિક્ષેપ, આવરણ, અનૃત અને અમૃત્યુની વાત આપણે કરી. હવે આપણે વાત કરવાના છીએ બાધક બનતા અનિત્યની.
આપણા મનમાં આ ભાવના આવી જાય, વિકાર આવી જાય છે કે આપણે અનિત્ય છીએ. પ્રેમ અનિત્ય નથી, નિત્ય છે અને એવું જ પ્રિયતમનું પણ છે. પ્રિયતમ પણ અનિત્ય નથી, નિત્ય છે અને પ્રેમ કરનારા હું, તમે અને આપણે પણ અનિત્ય નથી, નિત્ય છીએ. જેનામાં અનિત્ય ભાવ આવ્યો તે ચૂકી ગયો. પ્રેમ ક્યારેય મર્યો છે? પ્રેમ મરતો નથી, પ્રેમમાં મૂર્છા આવે છે અને જ્યારે પ્રેમ મૂર્છિત થાય ત્યારે લાગણીઓમાં ઓટ આવવી શરૂ થઈ જાય. અનિત્ય પછી આવે પ્રેમમાં બાધક બને એ સંદેહ એટલે કે શંકા, સંશય.
જ્યાં સુધી આડે શંકાનો પથ્થર પડ્યો છે ત્યાં સુધી પ્રેમ વહેશે નહીં. સંદેહને હટાવવો પડે, જો આડશ ન હોય તો જ પ્રવાહ નિત્ય રહે. તમે બરાબર સમજજો. જ્યાં સુધી તમારી બુદ્ધિ, તમારું અંતઃકરણ શંકાશીલ હશે ત્યાં સુધી પ્રેમનો પ્રવાહ વહેશે નહીં. 
‘સ્થિતોઅસ્મિ ગત સંદે...’ 
જ્યારે આ સ્થિતિ આવે, જ્યારે આ સ્થિતિ પર પહોંચવામાં આવે ત્યારે શંકા-સંદેહ દૂર થઈ જાય છે. શંકા પ્રેમપ્રવાહમાં બાધક છે, એ પ્રેમને ઊગવા પણ ન દે અને ડૂબવા પણ ન દે. કહ્યું છેને કે ‘સંશયાત્મા વિનશ્યતિ.’ એમાં કંઈ મળતું નથી, એમાં નાશ થઈ જાય છે. શંકાનું ઉદ્ભવસ્થાન છે શ્રવણ. બરાબર સાંભળ્યું હોય તો શંકા નિર્મૂળ થઈ શકે છે અને બરાબર સાંભળ્યું ન હોય તો શંકા જાગી પણ શકે. એવું જ સમજણમાં પણ છે. જો બરાબર સમજ્યું હોય તો શંકા નિર્મૂળ થઈ શકે છે અને જો બરાબર સમજ્યું ન હોય, સમજાયું ન હોય અને પૂછવાની દરકાર પણ ન કરી હોય તો શંકા જાગી પણ શકે. તમે કોઈ વ્યક્તિ વિશે કંઈક સાંભળ્યું હોય તો શંકા કરો છો. જરા વિચાર તો કરો કે આટલા અધિકારી વક્તા સામે પણ પરીક્ષિતને સંદેહ થયો તો તમે અને હું કોણ છીએ?
મહાપુરુષ પાસે જવાથી શ્રદ્ધા જાગે. શ્રદ્ધા જાગે તો અજ્ઞાન જાય અને અજ્ઞાન જાય તો જ્ઞાન આવે. જ્ઞાન આવે એટલે આપણે વહેવા માંડીએ. શંકાનું સમાધાન મેળવવા માટે સતીએ શંકરનાં ચરણો પાસે બેસવું પડ્યું. કથા સાંભળવાથી ઘણી શંકાઓનું સમાધાન થઈ શકે છે, પણ એને માટે સાંભળવાની તૈયારી કરવી પડે અને શ્રવણને પામવો પડે.

columnists astrology Morari Bapu