કારણ વિના કેતુને જગાડવાથી અકારણ વૈરાગ્ય આવે છે

27 November, 2022 11:13 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

સ્પિરિચ્યુઅલ અને ધાર્મિક આસ્થાના પ્રતિનિધિ સમાન કેતુ ગ્રહ સમય પહેલાં પોતાનું કાર્ય શરૂ કરે નહીં એ જોવાની જવાબદારી માબાપની છે. કેતુને કારણે જ નાની ઉંમરે સંન્યાસ લેવાનો ભાવ મનમાં જન્મી શકે છે

પ્રતીકાત્મક તસવીર

સંન્યાસ ખરાબ કે ખોટો નથી, પણ અયોગ્ય સમયે લેવામાં આવતો સંન્યાસ ગેરવાજબી પુરવાર થઈ શકે છે. સ્વામી સચ્ચિદાનંદે નાની ઉંમરના સંન્યાસને પાપ ગણાવ્યો છે અને વાસ્તવવાદી બનો તો તમને એ વાત સાચી પણ લાગે. રાષ્ટ્રહિત માટે કામ કરવાનું હોય, પારિવારિક ભાવનાઓ સાથે કામ કરવાનું હોય એવા સમયે સંસાર ત્યજીને ભગવાં કે શ્વેત વસ્ત્રો ધારણ કરે એ વાજબી નથી. રાષ્ટ્રે જે આપ્યું છે, સમાજ અને પરિવારે જે આપ્યું છે એનું વળતર ચૂકવીને જ કેતુચીંધ્યા માર્ગે આગળ વધવું જોઈએ.

સ્વામી સચ્ચિદાનંદે કહેલા માર્ગ પર ચાલવા માટે માબાપે સંતાનો સાથે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણવા જેવું છે અને સંતાનોની રૂટીન લાઇફમાં એવું ન બને એ બાબત માટે તેમણે સજાગતા લાવવી જોઈએ.

૧. ટીનએજ કે યંગએજ સંતાન ઈશાન એટલે કે ઉત્તર-પૂર્વ ખૂણાનો ઓછામાં ઓછો ઉપયોગ કરે એ બહુ જરૂરી છે. ઈશાન ખૂણો દેવસ્થાન ગણાય છે. દેવનું સાંનિધ્ય સારું છે, પણ એ સાંનિધ્યમાં લાંબો સમય રહેવામાં આવે તો સંસાર અસાર લાગવા માંડે એવું બની શકે છે. એવું ન બને એ માટે શક્ય હોય ત્યાં સુધી ઈશાન ખૂણાનો બાળકો ઓછામાં ઓછો ઉપયોગ કરે એ જોવું જોઈએ. ઈશાન ખૂણામાં માથું રાખીને સૂવું પણ ન જોઈએ. શાસ્ત્રોક્ત રીતે પણ એ પ્રકારની બૅડ અરેન્જમેન્ટ ખોટી છે. ઈશાન દિશામાં મસ્તક રાખીને સૂવાની બીજી આડઅસર એ છે કે એ પ્રકારે સૂવાથી ઊંઘનું પ્રમાણ અતિશય ઘટે છે, જેની સીધી આડઅસર મન અને વિચારો પર દેખાય છે. જોવામાં આવ્યું છે કે ઈશાન દિશામાં માથું રાખીને સૂતા લોકો પર ડિપ્રેશનની અસર વધારે દેખાય છે.

૨. અયોગ્ય કે કાચી ઉંમરે કેતુ જાગૃત ન થાય એવું ઇચ્છતા હો તો સંતાનની આસપાસ ભૂખરા રંગનો ઉપયોગ ઓછો થાય એ માટે પ્રયાસ કરવા જોઈએ. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કેતુ ધર્મનો પ્રતિનિધિ છે, પણ ધર્મની વાતો પાકટ કે પ્રૌઢ વયે સારી લાગે. નાની ઉંમરે કરવામાં આવતી ભારેખમ વાતો જીવનના હેતુ બદલવાનું કામ કરી બેસે છે. વાત કરીએ રંગની, કેતુને જાગૃત ન કરવો હોય તો ગ્રે કલરનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એ જરૂરી છે તો સાથોસાથ વાઇટ અને ગ્રીન રંગનો ઉપયોગ મહત્તમ થાય એના માટે પ્રયાસ કરવા જોઈએ. વાઇટ રંગ શુક્રનો કારક છે જ્યારે ગ્રીન રંગ બુધનો કારક છે.

૩. કેતુકારક વ્યક્તિના ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ. પરેજીની બાબતમાં જો સ્વાસ્થ્યલક્ષી પરેજી હોય તો એને સ્વીકારવી, અન્યથા તેના ખોરાકમાં સફેદ રંગની ચીજવસ્તુઓ અને લીલોતરીનું પ્રમાણ વધારવું જોઈએ. વ્યક્તિની કુંડળીમાં રહેલો કેતુ કેવો પ્રબળ છે એ જાણવાનો સરળ રસ્તો એ જ છે કે તે દરેક વાતમાં, પોતાની દરેક રીત કે લાઇફસ્ટાઇલમાં ધર્મને જોડવાનું કામ કરશે. જેટલો ધર્મનો પ્રભાવ વધારે એટલી કેતુની અસર વધારે. આગળ કહ્યું એમ, સમયની પહેલાં કોઈ ગ્રહની અસર તીવ્રતા પર ન પહોંચવી જોઈએ, કારણ કે દરેક ગ્રહની તીવ્રતાની ઉંમર છે. નાની ઉંમરે જાગૃત થયેલો શુક્ર બાળક યુવાવસ્થાએ પહોંચે ત્યારે અસ્ત થઈ જાય તો તેને કામનો મોહ નથી રહેતો કે અથાગ પરિશ્રમ પછી પણ તે સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. કેતુનું પણ એવું જ છે. નાની ઉંમરે જાગૃત થયેલો કેતુ વય વધતાં ધર્મથી મોઢું ફેરવી લે એવું બની શકે છે.

life and style astrology