ત્યાગીઓ પાપીનું અન્ન લઈ શકે, પણ ધન કમાઈ ન શકે

11 July, 2022 01:07 PM IST  |  Mumbai | Swami Satchidananda

તારે કોઈની પાપની લક્ષ્મીનો રોટલો ન ખાવો હોય તો પોતાનો રોટલો પેદા કરતો થઈ જા. ભલે એ લુખ્ખો હોય, પણ પોતાના શ્રમનો–હકનો રોટલો જ નિષ્પાપ હોય છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

આપણે વાત કરીએ છીએ ત્યાગની અને એમાં આપણી ચર્ચા ચાલે છે પૈસાની. આપણે ત્યાં એવું જ સમજાવવામાં આવી રહ્યું છે કે પૈસો કમાવો, પૈસો મેળવવો, 
પૈસો પામવો કે પછી પૈસો પામવા માટે મહેનત કરીએ તો એનાથી પાપ જ થાય અને આવું કહીને આપણે સતત એવું પુરવાર કરતા રહીએ છીએ કે પૈસો પાપરૂપ છે. ખરેખર તો પૈસો પાપરૂપ છે પણ ખરો અને નથી પણ. 
જો તમે વગર હકનો, ચોરી, લૂંટ, માફિયાગીરી, લાંચ-રુશવત વગેરે દ્વારા પૈસો કમાતા હો તો એ પાપરૂપ છે અને એનો ત્યાગ કરવો જોઈએ; પણ જો તમે ન્યાય-નીતિ-હકનો પૈસો શ્રમપૂર્વક કમાતા હો તો એ પાપરૂપ નથી. એ જરૂર કમાવો જોઈએ. આવા પૈસા દ્વારા કોઈ ભામાશા કે જગડુશા બની શકે છે, જે હજાર સ્થૂળ ત્યાગીઓ કરતાં ઘણા મહાન છે. લોકોને ન્યાય-નીતિ-હકથી પૈસો કમાવાની પ્રેરણા આપીને માનવતાનાં પુણ્ય કાર્યોમાં વાપરવાની પ્રેરણા અપાય તો ધર્મ ધન્ય થઈ જાય. જે લોકો સ્થૂળ ત્યાગી હોય છે તેમણે ઘણી વાર અન્યાય, અનીતિથી પૈસો ભેગો કરનારના અન્ન-વસ્ત્રાદિથી પણ જીવન જીવવું પડતું હોય છે. આ દૂષણ ભરેલી મોટી લાચારી છે. લાંબા ગાળે આવી લાચારી કોઠે પડી જતી હોય છે. 
આળી ચામડી જેમ સંવેદનહીન થઈ જતી હોય છે એમ આવા ત્યાગીઓને પાપનું અન્ન પણ કોઠે પડી જતું હોય છે. તેમનું એક જ સમાધાન હોય છે: 
‘કરે તે ભરે. એમાં અમારે શું?’ 
આ સમાધાન બરાબર નથી. તેનાં કર્મો એવાં હશે તો તે ભરશે, પણ ક્યારે? જ્યારે સમય આવશે ત્યારે. જોકે તું તો અત્યારે જ, હમણાં જ ભરી રહ્યો છે એ કેમ દેખાતું નથી? જો તારે કોઈની પાપની લક્ષ્મીનો રોટલો ન ખાવો હોય તો પોતાનો રોટલો પેદા કરતો થઈ જા. ભલે એ લુખ્ખો હોય તો લુખ્ખો, પણ પોતાના શ્રમનો–હકનો રોટલો જ નિષ્પાપ હોય છે. જે લોકો લક્ષ્મીનો સ્થૂળ ત્યાગ કરીને પણ લક્ષ્મી માટે ઉઘરાણાં કરે છે, જાતજાતની તરકીબો કરીને કે પછી ચમત્કારોની માયાજાળ બતાવીને લક્ષ્મી ભેગી કરે છે તેઓ લોકોને અને પોતાની જાતને છેતરે છે. તેઓ ખરેખર ત્યાગી નથી હોતા, પણ ત્યાગી હોવાનો દેખાવ કરે છે. તેમના દ્વારા ધર્મને દંભ અને આડંબરનો જામો પહેરાવાય છે. તેમનાથી બચવું જોઈએ. તેમને મહાન ત્યાગી માનીને પ્રભાવિત ન થવું જોઈએ અને એવી ભૂલ બીજા કરતા હોય તો તેમને પણ રોકવા જોઈએ.

astrology columnists swami sachchidananda