માફી માગે અને માફી આપે એ જ સાચી વીરતાની નિશાની

25 January, 2022 04:24 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

હું કાંઈ પૂછું એ પહેલાં તેણે બોલવાનું ચાલુ કર્યું, ‘મહારાજસાહેબ, જિંદગીમાં પ્રથમ વાર સાધુ-ભગવંતની આટલી નજીક ઊભો છું. આપના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા હું આપની પાસે આવ્યો છું.’

મિડ-ડે લોગો

‘કચરાને દૂર કરી ઘરને સ્વચ્છ રાખવા સ્ત્રી પ્રયત્નશીલ હોય છે તો દેવું ઓછું કરતા રહીને મનને ટેન્શનમુક્ત રાખવા પુરુષ પ્રયત્નશીલ હોય છે. શરીરમાં પેદા થયેલા રોગને દૂર કરી શરીરને તંદુરસ્ત રાખવા જો દરદી પુરુષાર્થ કરતો રહે તો કેસનો નિકાલ કરી મનને હળવુંફૂલ કરી દેવા વકીલ મહેનત કરતો રહે, પણ કોણ જાણે કેમ, સામેની વ્યક્તિના અપરાધને માફ કરી દઈ મનને હળવુંફૂલ કરી દેવામાં માણસને રસ નથી. તેને તો રસ છે સામાના અપરાધને યાદ રાખતા રહીને દુખી થવામાં! તેને રસ છે વ્યક્તિના કટુ ભૂતકાળને સ્મૃતિપથમાં અકબંધ રાખતા રહીને જાતને અપ્રસન્ન રાખવામાં! પગમાં પહેરેલાં બૂટમાં રહી ગયેલી એક નાનકડી કાંકરી પણ માણસની ચાલવાની મજા બગાડી નાખે એમ વ્યક્તિ પ્રત્યે મનમાં રહી ગયેલો દ્વેષભાવ જીવન જીવવાની મજા બગાડી નાખે. મનમાં ઘર કરી ગયેલી દુશ્મનાવટની વૃત્તિને આજે ને આજે જ સળગાવીને સાફ કરી નાખો.
પ્રવચનની આ વાતને સાંભળ્યા બાદ ત્રીજા દિવસે એક યુવક મળવા આવ્યો, ઉંમર ૪૦ આસપાસની. ઉપાશ્રયમાં તે પ્રથમ વાર જ આવ્યો હતો. હું કાંઈ પૂછું એ પહેલાં તેણે બોલવાનું ચાલુ કર્યું, ‘મહારાજસાહેબ, જિંદગીમાં પ્રથમ વાર સાધુ-ભગવંતની આટલી નજીક ઊભો છું. આપના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા હું આપની પાસે આવ્યો છું.’
‘અઢાર વર્ષથી પૈસાની લેવડદેવડમાં એક વેપારી સાથે અણબનાવ થયેલો. શરૂઆત ક્રોધથી થઈ, જે આગળ વધતાં વેર અને વેરની આગ હિંસામાં ફેરવાતી હતી. ફોન પર મેં તેને ધમકી આપી દીધેલી કે હવે તું સ્મશાનયાત્રા જવાની તૈયારી કર, પણ પ્રવચન સાંભળ્યું અને પ્રવચનમાં ‘ક્ષમા કરો અને પ્રેમ આપો, તો જ તમારી છાતી મજબૂત’વાળી વાત સાંભળીને માથું ઘૂમવા લાગ્યું, ‘એને પતાવી દેવો કે વેરને પતાવી દેવું?’ આ વિચારે મગજનો કબજો લઈ લીધો અને વેરને પતાવી દેવાના વિચારનો વિજય થયો.’
યુવકે હાથ જોડીને નમ્રતા સાથે કહ્યું.
‘ઘરે જઈ પળનાય વિલંબ વિના તેને મેં ફોન કર્યો અને કહ્યું કે અત્યારે ફોનમાં તારી ક્ષમા માગું છું, પણ તારા ઘરે આવીને રૂબરૂ ક્ષમા માગવા ઇચ્છું છું, તારી સંમતિની જરૂર છે. મારી વાત સાંભળીને તે તો સ્તબ્ધ થઈ ગયો. ઘરે આવવા તેણે આમંત્રણ આપ્યું.’
યુવકની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં.
‘મહારાજસાહેબ, અત્યારે હું તેના ઘરેથી જ સીધો આપની પાસે આવ્યો છું, શું કહું આપને? મને આવકારવા તે ઘરના દરવાજે ઊભો હતો. અમે બન્ને ચોધાર આંસુએ રડ્યા. વર્ષોજૂની ચાલી આવતી દુશ્મનાવટ મૈત્રીમાં રૂપાંતરિત થઈ ગઈ.’
છપ્પનની છાતી તો જ લાયક હોય જેમાં માફ કરવાની વીરતા શ્વસતી હોય.

astrology columnists