05 October, 2026 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માનવમન અને સ્વભાવને સમજવા માટે માત્ર કુંડળીના ગ્રહો કે હાથની રેખાઓ જ પૂરતાં નથી. ભારતીય ઋષિમુનિઓએ પ્રણિત કરેલું સામુદ્રિક શાસ્ત્ર વ્યક્તિના સમગ્ર બાહ્ય વર્તન, શરીરની બનાવટ અને દૈનિક હલનચલનનો ઊંડો અભ્યાસ કરે છે. મહર્ષિ સમુદ્ર દ્વારા રચાયેલા આ શાસ્ત્ર અનુસાર માણસ ભલે પોતાના શબ્દોથી ખોટું બોલી શકે, પણ તેનું અર્ધજાગ્રત મન જે રીતે બોલે છે અને જે રીતે ડગલાં ભરે છે એમાં તેનો સાચો સ્વભાવ, તેનું ચરિત્ર અને ભવિષ્યની દિશા છતી થઈ જ જાય છે.
બોલવા-ચાલવાની આ રીત શું સૂચવે છે એ જાણવા જેવું છે.
અવાજ અને બોલવાનો લય
વાણી એ બુધ અને ગુરુનું મિશ્રણ છે. વ્યક્તિના અવાજનો રણકો અને તેની સ્પીચ-પૅટર્ન તેના આત્મવિશ્વાસ તેમ જ ભાગ્યની સ્થિતિ સ્પષ્ટ કરે છે.
ગંભીર, ઘેરો અને રણકારવાળો અવાજ સૂચવે છે કે એ વ્યક્તિમાં નેતૃત્વની ક્ષમતા ભારોભાર છે. જે પુરુષ કે સ્ત્રીનો અવાજ મેઘગર્જના જેવો ગંભીર અને સ્પષ્ટ હોય તેઓ નેતૃત્વ સંભાળવાની સાથોસાથ સમાજમાં ઉચ્ચ પદ, માન-પ્રતિષ્ઠા મેળવે છે અને વ્યવહારમાં મક્કમ હોય છે.
ધીમા અને સંકોચભર્યા અવાજ સાથે વાત કરતી વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ છે એ પ્રદર્શિત થાય છે. કુંડળીમાં સૂર્ય અને મંગળ નબળો હોવાની પણ આ નિશાની છે, જેને કારણે જીવનમાં પ્રગતિ માટે તેણે લાંબી રાહ જોવી પડે છે.
ઝડપી અને અસ્પષ્ટ બોલનારા કે પછી શબ્દો ગળી જનારા અસ્થિર વિચારધારા એટલે કે ઓવરથિન્કિંગ સ્વભાવનું પ્રદર્શન કરે છે. તે બુદ્ધિશાળી હોવા છતાં ખોટા નિર્ણયો લેવાને કારણે નાણાકીય નુકસાન ભોગવે છે. તેમણે ધીમે-ધીમે બોલવાની અને સ્પષ્ટતા સાથે બોલવાની સ્ટાઇલ શીખવી જોઈએ.
મધુર અને સંયમિત લય સાથે વાત કરનારી વ્યક્તિ પર મા સરસ્વતી અને લક્ષ્મીની અસીમ કૃપા રહે છે. તે વેપાર અને કલાક્ષેત્રે અપાર સફળતા પ્રાપ્ત કરે છે અને સાથોસાથ સામેની વ્યક્તિને સંમોહિત કરવાની ક્ષમતા પણ ધરાવતી હોય છે. આવી વ્યક્તિએ ક્યારેય કટુ શબ્દોનો વપરાશ કરવો જોઈએ નહીં. તેના મુખેથી કડવાશથી નીકળેલા શબ્દો તેની જ સંમોહનક્ષમતા ઘટાડવાનું કામ કરે છે.
પગનાં ડગલાંમાં છુપાયું છે ભાગ્ય
માણસ જ્યારે જમીન પર પગ ટેકવે છે ત્યારે તેનું પૃથ્વીતત્ત્વ અને શનિ-રાહુનો પ્રભાવ પ્રગટ થાય છે.
સ્થિર અને મજબૂત ડગલાં માંડીને ચાલનારા અને છાતી ટટ્ટાર રાખીને જમીન પર સંતુલિત અને મક્કમ પગલાં મૂકીને ચાલનારા આત્મવિશ્વાસુ, નીડર અને કર્મનિષ્ઠ હોય છે. ચાલમાં રહેલી ઝડપ પણ દર્શાવે છે કે તે પોતાની આંતરિક ક્ષમતા પર સામ્રાજ્ય ઊભું કરવાની ક્ષમતા ધરાવે છે.
આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકો ચાલતી વખતે પગ પૂરા ઊંચકતા નથી અને જૂતાં કે ચંપલનો ઢસડાતો અવાજ આવે છે. સામુદ્રિક શાસ્ત્ર મુજબ આ રાહુ અને શનિના દૂષિત પ્રભાવની નિશાની છે. આવા લોકોને મહેનતનું પૂરું ફળ મળતું નથી અને ઘરમાં હંમેશાં દરિદ્રતા તેમ જ આળસનો વાસ રહે છે.
ઝૂકીને કે માથું નીચું રાખીને ચાલવું એ પણ સામુદ્રિક શાસ્ત્રની નકારાત્મક નિશાની છે. ખભા ઢાળીને અને નીચે જોતાં-જોતાં ચાલનારા લોકો માનસિક ચિંતા કે લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. તેઓ જિંદગીમાં જોખમ લેતાં ડરે છે અને એને લીધે તેમની સાથે શરૂઆત કરનારા આગળ નીકળી જાય છે પણ પોતે પાછળ રહી જાય છે.
જે લોકો એડીને બદલે પંજા પર ભાર દઈને ઝડપથી ચાલે છે તેઓ ખૂબ જ ઉત્સાહી અને સર્જનાત્મક હોય છે, પરંતુ તેમનો એક માઇનસ પૉઇન્ટ હોય છે. તેમનામાં ધીરજનો અભાવ હોય છે. જો તેઓ પોતાની ચાલમાં થોડો ફરક કરે અને પંજાને બદલે એડી પર ચાલવાનું શરૂ કરે તો તેમનામાં ભારોભાર ધીરજ ડેવલપ થાય છે.
ઘણા લોકો ચાલતી વખતે ડાબી કે જમણી બાજુએ સહેજ ઝૂકેલા દેખાય છે. ડાબી બાજુએ ઝૂકેલી વ્યક્તિ સર્જનશીલતા ધરાવે છે. તે ભારોભાર ક્રીએટિવ હોય છે. તેના જેવું સરસ સર્જન ભાગ્યે જ કોઈ કરી શકે કે વિચારી શકે છે. જમણી બાજુએ ઝૂકતી વ્યક્તિ હંમેશાં સંબંધોમાં બૅલૅન્સ રાખીને આગળ વધવામાં માનતી હોય છે. ક્યારેય પોતાનાથી કોઈને અન્યાય ન થઈ જાય એનું તે સતત ધ્યાન રાખે છે.
સામુદ્રિક શાસ્ત્ર માત્ર સામેની વ્યક્તિને ઓળખવાનું શાસ્ત્ર નથી. એ પોતાના દોષો સુધારવાનો અરીસો છે. જો વ્યક્તિ પોતાની બોલચાલની રીતમાં જરૂરી સુધારાઓ કરે તો નબળા ગ્રહો પણ અનુકૂળ બનીને ઉત્તમ પરિણામ આપવા માટે સમર્થ બને છે અને સારું પરિણામ આપતા થાય છે.