એક વિચાર, એક ઘટના જીવન બદલવા સક્ષમ છે

28 December, 2021 09:24 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

ધ્રુવનો એક જ તારો હજારો નાવિકોને મંજિલે પહોંચાડી શકે છે.

મિડ-ડે લોગો

એક જ મત સત્તા બદલી શકે છે. ધ્રુવનો એક જ તારો હજારો નાવિકોને મંજિલે પહોંચાડી શકે છે. લૉટરીની એક જ ટિકિટ જીવનના દીદાર ફેરવી શકે છે. સમ્યક્ દિશા તરફનું એક જ કદમ જીવનની બગડેલી દશાને સુધારી શકે છે. પરીક્ષાના પેપરમાં વધી જતો એક જ માર્ક વિદ્યાર્થીની જિંદગીને ખતમ થતી અટકાવી શકે છે. નાનકડું એક જ બીજ સમસ્ત ધરતીને હરિયાળીથી વ્યાપ્ત બનાવી શકે છે. અત્તરનું એક જ બુંદ વાતાવરણને તાજગીસભર બનાવી શકે છે. મુખ પર પ્રગટ થતું એક જ સ્મિત સામી વ્યક્તિના જીવનમાં ઉત્સાહ પ્રગટાવી શકે છે. નાનકડું એક જ મસ્ત નિમિત્ત યોગ્ય આત્માને ધર્મયુક્ત પાપમુક્ત બનાવી શકે છે.
એ દિવસે બોરીવલીની એક સોસાયટીના પ્રાંગણમાં ઊભા કરેલા મંડપમાં મારું પ્રવચન હતું. પ્રવચનની સમાપ્તિ બાદ જવા માટે રસ્તો પાર કરવાનો હતો. પબ્લિક ચિક્કાર. વ્યાખ્યાનપીઠ પરથી હું જેવો નીચે ઊતર્યો કે મારી નજર ત્યાં ઊભેલા એક યુવક પર પડી. મેં તેનો હાથ પકડી લીધો. તેણે રસ્તો કર્યો અને હું ઉપાશ્રયમાં દાખલ થઈ ગયો, પણ બપોરની ગોચરી બાદ હું આસન પર બેઠો હતો અને મારી નજર દરવાજાની બહાર પડી. એ યુવક ત્યાં હતો જેનો હાથ વ્યાખ્યાન પછી ઉપાશ્રય સુધી પહોંચવા માટે મેં પકડ્યો હતો. હૉલમાં મુનિઓ ગોચરી વાપરી રહ્યા હતા એટલે આસન પરથી ઊભો થઈને હું હૉલની બહાર આવ્યો.
‘કેમ હમણાં?’ 
એ યુવકની સામે જોયું તો તેની આંખમાં આંસુ હતાં. હું સ્તબ્ધ થઈ ગયો. 
‘ગુરુદેવ! આજે આપે મારો હાથ પકડ્યો?’ તેણે કહ્યું, ‘આપ મારો હાથ પકડીને ચાલતા હતા એ મારી મમ્મીએ દૂરથી જોયું અને તેની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. હું ઘરે પહોંચ્યો ત્યારે મમ્મીએ મને એટલું જ કહ્યું કે ‘બેટા, તારું તો ભાગ્ય ઊઘડી ગયું કે ગુરુદેવે તારો હાથ પકડ્યો.’
‘પણ અત્યારે એકદમ અહીં પાછો કેમ આવ્યો?’
‘એક નિયમ લેવો છે...’ યુવકે પોતાનો હાથ આગળ કર્યો, ‘જિંદગીભર આ હાથે ટીવી ચાલુ નહીં કરું.’
‘પણ કારણ શું?’
‘તમારી પાસેથી છૂટો પડીને ઘરે ગયો, પણ એક વિચારે મન પર કબજો જમાવી દીધો. જે હાથને ગુરુદેવના પાવનનો સ્પર્શ મળ્યો છે એ હાથે હવે મોજશોખ કરી શકાય? બસ, આ વિચારને જીવનમાં મારે સક્રિય બનાવવો છે એટલે જ જમ્યા વિના સીધો અહીં આપની પાસે નિયમ લેવા આવી ગયો છું. આપ મને આપી દો એ નિયમ. આપના હાથનો આજે મને સ્પર્શ મળ્યો, મારા એ સદ્ભાગ્યને હું એળે જવા દેવા 
નથી માગતો.’

life and style astrology