ઉત્તમ શાસક રાષ્ટ્ર અને સંસ્થા માટે ઉપકારક છે

08 August, 2022 12:19 PM IST  |  Mumbai | Swami Satchidananda

માણસ કાંઈ પરમાત્મા નથી, માણસ છે. આપણું કામ તેની ક્ષમતાનો લાભ લેવાનું છે. તેના વ્યક્તિગત જીવનમાં માઇક્રોસ્કોપ લગાવીને બૅક્ટેરિયા જોવાનું નથી. બૅક્ટેરિયા ક્યાં નથી હોતા?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

શાસકોની એક વાત વિશે બહુ ઓછી વાત થઈ છે, જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. વાત બહુ અગત્યની છે.
મોટા શાસકોએ વગર કારણે બીજાના વ્યક્તિગત જીવનમાં ચંચુપાત કરતા રહેવું સારું નથી. ખાસ કરીને અધિકારીઓની બાબતમાં આ વાત બહુ હિતાવહ છે. સૌનું પોતપોતાનું જીવન હોય છે. જો અધિકારીનું વ્યક્તિગત જીવન રાષ્ટ્ર માટે, સંસ્થા માટે કે પછી કાર્યપદ્ધતિ માટે હાનિકારક ન હોય તો તેને જીવવા દેવું જોઈએ, પણ હા, જો એ વ્યક્તિગત જીવનથી રાષ્ટ્રને, સંસ્થાને હાનિ થતી હોય કે થવાની સંભાવના હોય તો જ એમાં દખલ કરવી જોઈએ, પણ એ દખલમાં દરમ્યાનગીરી કરતાં પહેલાં એ બાબતમાં પૂર્ણપણે તપાસ થાય એ પણ એટલું જરૂરી છે. 
જે લોકો આખો દિવસ વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિનું ચરિત્રહનન કરતા હોય એવા લોકોને પણ શાસકે પોતાનાથી દૂર કરવા જોઈએ. આવા માણસોને ચરિત્રહનનનો રસ લાગ્યો હોય છે. સગાં ભાઈ-બહેન સાથે જતાં હશે તો પણ આવા લોકો રંગોળી પૂરીને ગમે એવી વાતો ગોઠવી દેશે અને પછી ઘરે-ઘરે ફરીને પ્રચાર કરવા માંડશે. આવું કરવામાં તેમને રસ પડે છે. આવા હલકા માણસોને હડકાયા કૂતરાની માફક દૂર રાખવા કે ધુતકારી કાઢવા જોઈએ. 
રાજાએ અથવા મોટા શાસકોએ એક વાત સ્વીકારીને જ શાસન કરવાનું કે માણસમાં નાની-મોટી કમજોરી તો રહેવાની જ. માણસ કાંઈ પરમાત્મા નથી, માણસ છે. આપણું કામ તેની ક્ષમતાનો લાભ લેવાનું છે. તેના વ્યક્તિગત જીવનમાં માઇક્રોસ્કોપ લગાવીને બૅક્ટેરિયા જોવાનું નથી. બૅક્ટેરિયા ક્યાં નથી હોતા? એને જોવામાં સમય ન બગાડો. એની ક્ષમતાને જુઓ અને કામ કરાવો. કોઈના ભરમાવ્યા જે ભરમાતા નથી તે જ ઉત્તમ શાસક બની શકે છે. 
ઉત્તમ શાસકોથી પ્રજાનાં ઘણાં દુ:ખ દૂર થતાં હોય છે અને પ્રજા સુખી થતી હોય છે. એવી જ રીતે ઉત્તમ શાસકોથી સંસ્થાનું પણ ઘણું હિત થતું હોય છે અને સંસ્થા સાથે જોડાયેલા સૌકોઈ ખુશ રહેતા હોય છે એટલે સત્તાનો ત્યાગ નહીં, સત્તાની સાથે આવનારાં દૂષણોનો ત્યાગ કરવાનો હોય છે. ઉત્તમ સત્તાધીશો રાષ્ટ્ર, પ્રજા તથા સાથીઓ માટે ભગવાન બરાબર છે. એવા શાસકો સત્તા ત્યાગીને સાધુ-સંન્યાસી થઈ જાય કે સંસ્થા છોડીને જવા માંડે તો એ બહુ હાનિકર ઘટના કહેવાય. એવું ક્યારેય થવા દેવું નહીં.

astrology swami sachchidananda columnists