‘આઇ લવ યુ’ વાંચીને પિતા પોતાની નજરમાંથી નીચે ઊતરી ગયા

29 December, 2021 05:00 PM IST  |  Mumbai | Morari Bapu

યુવાને પોતાના પુત્રને જોયો, પણ પછી એ ફરીથી કારને ચમકાવવાના કામે લાગી ગયો, પણ એ કામ આગળ વધે એ પહેલાં તો તેણે જોયું કે તેનો પુત્ર પથ્થર વડે કારના દરવાજા પર લીટા કરી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

એક યુવાન પોતાની નવી મોટરકાર સાફ કરતો હતો. કાર નવી હતી અને મોંઘીદાટ હતી. એ કાર માટે એ યુવાન વર્ષોથી મહેનત કરતો હતો અને મહેનત પછી તેણે એ કાર ખરીદી હતી. કારની તેની સફાઈ ચાલુ હતી એ દરમ્યાન તેનો પાંચ વર્ષનો પુત્ર ત્યાં આવ્યો. યુવાને પોતાના પુત્રને જોયો, પણ પછી એ ફરીથી કારને ચમકાવવાના કામે લાગી ગયો, પણ એ કામ આગળ વધે એ પહેલાં તો તેણે જોયું કે તેનો પુત્ર પથ્થર વડે કારના દરવાજા પર લીટા કરી રહ્યો છે. દીકરાને ગાડીના દરવાજા પર લીટા કરતો જોઈને પિતાનો ક્રોધનો જ્વાળામુખી ફાટ્યો.
‘મારી નવીનક્કોર કાર પર હું લિસોટા પાડે છે?’ 
સટ્ટાક.
યુવાને ક્રોધમાં આવીને એવો તમાચો ઝીંક્યો કે બાળક દૂર ફંગોળાઈ ગયું 
અને ફંગોળાયેલા એ બાળકનું માથું દૂર પડેલા પથ્થર પર અથડાયું અને એ બેહોશ બની ગયો.
ભૂલથી કૃત્ય તો થઈ ગયું, પણ વીતેલો સમય ફરી પાછો ક્યાંથી આવવાનો. પિતાને પારાવાર પસ્તાવો થયો. બધું પડતું મૂકીને પિતા એ બાળકને લઈ હૉસ્પિટલ પહોંચ્યો. ડૉક્ટરે તરત જ સારવાર ચાલુ કરી દીધી, પણ લોહી ઘણું વહી ગયું હતું, જે જોઈને કોઈ તબીબે તેના પિતાને કહ્યું કે બાળક ૨૪ કલાકમાં ભાનમાં આવી જાય તો સારું, નહીંતર એ ક્યારે ભાનમાં આવશે એ કહી શકાય નહીં અને જો એવું બન્યું તો બાળક કોમામાં જાય એવી શક્યતા વધી જશે.
પિતાની આંખોમાં પાણી આવી ગયાં. એકનો એક દીકરો અને ક્રોધ પર કાબૂ ન રહેતાં તેનો જીવ જોખમમાં મૂકી દીધો. પિતાએ રડતી આંખે ભગવાન સામે જોયું અને પછી  પ્રાર્થના શરૂ કરી. સમય પસાર થવા લાગ્યો. 
એક કલાક, બે કલાક, ચાર કલાક, આઠ કલાક...
આઠ કલાક પછી પિતા તાજી હવા માટે હૉસ્પિટલની બહાર આવે છે અને અચાનક તેની નજર કારના દરવાજા પર પડે છે, જેના પર બાળકે પથ્થરથી લખ્યું હતું, 
‘આઇ લવ યુ પપ્પા.’ 
હા, બાળકે તેના પપ્પા માટે આ મેસેજ લખ્યો હતો અને એ વાંચીને પિતા પોતે પોતાની નજરમાં નીચો પડી ગયો. તેની આંખમાંથી પ્રાયશ્ચિત્તનાં આંસુ સરી પડ્યાં. તે ખૂબ રડ્યો અને રડતો હતો ત્યાં જ કોઈક સમાચાર લાવ્યું કે બાળકે આંખ ખોલી છે. પિતા દોડતો ગયો. પિતા અને પુત્રની નજર મળી ત્યારે પુત્રના હોઠ પર એ જ શબ્દો હતા જે તેણે કાર પર લખ્યા હતા, ‘આઇ લવ યુ, પપ્પા.’

columnists astrology Morari Bapu