અહિંસાનું પાલન એટલે મન, વચન અને કર્મ દ્વારા કોઈને દુઃખ ન દેવું

09 June, 2022 01:22 PM IST  |  Mumbai | Morari Bapu

ત્રણ પ્રકારનાં શારીરિક તપની વાત છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

શારીરિક તપનો અર્થ શરીરને ભૂખે મારવું એવો નથી થતો અને તુલસીદાસજી પણ એવી સલાહ નથી આપતા. ગોસ્વામીજી કહે છે કે સારું સાત્ત્વિક ભોજન પવિત્ર ભાવથી બનાવો, તુલસીપત્ર નાખીને ભગવાનને અર્પણ કરો અને ત્યાર બાદ એને ભગવાનનો પ્રસાદ સમજીને પરસ્પર વહેંચીને પ્રેમથી ખાઓ. ખાવાની મનાઈ નથી. એમ લખ્યું છેઃ

તુમ્હહિં નિબેદિત ભોજન કરહીં, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહીં.

ત્રણ પ્રકારનાં શારીરિક તપની વાત છે. દેવની પૂજા તપ છે, ગુરુની પૂજા તપ છે, વિપ્રની પૂજા તપ છે. પહેલાં વાત કરીએ દેવપૂજાની.

દેવતાઓ એટલે કે શિવની પૂજા. સૂર્યપૂજા, વિષ્ણુપૂજા, દુર્ગાપૂજા, ગણેશપૂજા અથવા તો જે કાર્યમાં દેવની શાસ્ત્ર સંમતિથી પૂજા કરવાની હોય એની પૂજા કરવી એ તપ છે. દેવની સેવા કરો. દેવનો અર્થ અહીં ઇષ્ટના સ્વરૂપમાં છે, સુર નહીં. દેવની પૂજા. એ પછી આવે દ્વિજની પૂજા.

દ્વિજની પૂજા. જેનો બીજો જન્મ થઈ ગયો હોય, જેણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી લીધું હોય એવા દ્વિજની પૂજા. આચાર્યોની, ભૂમિસરોની, જેઓ જાગૃત થઈ ગયા છે. જેમનામાં દ્વિજત્વ આવી ગયું હોય એવા મહાપુરુષોની પૂજા કરવી એ તપ છે. એ પછી આવે છે ગુરુપૂજા.

ગુરુ એટલે વડીલ. જેઓ આપણાથી મોટા છે, શ્રેષ્ઠ છે, જેમના આશીર્વાદ લેવા યોગ્ય છે તેમની સેવા-પૂજા તપ છે. પ્રાજ્ઞ, જેઓ જીવનમુક્ત હોય. જે કોઈને મારવું નહીં, કોઈને હેરાન ન કરવું, 
શરીરથી કોઈને ધક્કો પણ ન મારવો, કોઈનો અસ્વીકાર ન કરવો, કોઈની લાગણીને ઠેસ ન પહોંચાડવી આ બધાં શારીરિક તપ છે. 

પ્રાજ્ઞજનોની, પંડિતોની, વિદ્વાનોની, આચાર્યોની પૂજા કરવી; પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન કરવું – આ શરીર સંબંધિત તપ છે.

બ્રહ્મચર્યનું પાલન એટલે કે સંયમ જાળવવો. અહિંસાનું પાલન એટલે કે મન, વચન, કર્મ દ્વારા કોઈને દુઃખ ન દેવું, કોઈને તકલીફ ન આપવી. આ બધાં શરીરનાં તપ છે અને એ સૌકોઈ કરી શકે છે. ગીતામાં આટલું સરળ કરીને કહેવામાં આવ્યું છે અને એનું પાલન એનાથી પણ વધારે સરળ છે, પણ એની માટે જાગૃતિ હોવી જોઈએ. જાગૃતિ વિના તપ સંભવ નથી. ભૂખ્યા રહેવામાં જેવી જાગૃતિ દાખવવામાં આવે છે એવી જ જાગૃતિ આ બધામાં રાખો તો તપનું પરિણામ શ્રેષ્ઠ મળે.

આવતા અઠવાડિયે વાત કરીશું આપણે વાચિક અને માનસિક તપની.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Morari Bapu