બે-પાંચ મિનિટ આમ નાની, પણ છતાંય કેટલી મોટી!

10 June, 2023 04:48 PM IST  |  Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

ઇન્ટરવ્યુ આપવામાં એ બે જ મિનિટ મોડો પડ્યો અને કડક શિસ્તના આગ્રહી મૅનેજર તેનો ઇન્ટરવ્યુ લેવાની ના પાડી દીધી.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

હૉસ્પિટલમાં દરદીને દાખલ કરવામાં તેના સ્વજનો પાંચ જ મિનિટ મોડા પડ્યા અને એ દરદીએ ઍમ્બ્યુલન્સમાં જ જીવનના અંતિમ શ્વાસ લઈ લીધા. ઇન્ટરવ્યુ આપવામાં એ બે જ મિનિટ મોડો પડ્યો અને કડક શિસ્તના આગ્રહી મૅનેજર તેનો ઇન્ટરવ્યુ લેવાની ના પાડી દીધી. ભારે પગારની સંભાવનાવાળી નોકરી તેણે કાયમ માટે ગુમાવી દીધી. ટ્રેનના પાટા પસાર કરવામાં તે ગણતરીની સેકન્ડ જ મોડો પડ્યો અને જીવનથી તેણે હાથ ધોઈ નાખવા પડ્યા, તેનો પરિવાર નોંધારો થઈ ગયો.

જીવનના કોયડા ન સમજી શકાય એવા અટપટા છે. સુખ સમય પહેલાં ન મળવું જોઈએ એ જેમ જીવનને સ્વસ્થ અને પવિત્ર રાખવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે એમ દુ:ખની જ્યાં સંભાવના છે એવા પ્રસંગો સમયસર ઉકેલાઈ જવા જ જોઈએ એય જીવનને સલામત રાખવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. 

જવાબ આપો, શું એ બે-પાંચ મિનિટને જાળવી લેવાની ક્ષમતા આપણામાં ન હોઈ શકે? શું આપણે એ મિનિટો પૂરતા અલર્ટ પણ ન થઈ શકીએ? દીકરીની બસ બે મિનિટ મોડી પડે અને દીકરી છેલ્લી વાર પિતાનો ચહેરો જોઈ ન શકે એવું બને ત્યારે એ અફસોસ આખી જિંદગી રહી જાય છે. વાત છે બે જ મિનિટની અને આ જે બે મિનિટ છે એ દેખીતી રીતે બહુ નાની લાગે છે, પણ જ્યારે એ કોઈ તક હાથમાંથી સરકાવી દે છે ત્યારે એનું પોત બહુ મોટું થઈ જાય છે.

સમય પોતાનું પોત મોટું કરે ત્યારે એની તાકાત સમજવાને બદલે જો એનું પોત પહેલેથી જ વિશાળ છે એ વાતને સમજી લઈએ તો જીવનમાં અનેક તકલીફો અને મુશ્કેલીઓ હલ થઈ જાય. સમયની સાથોસાથ જો નીતિ-નિયમોને પણ એટલી જ સહજતાથી સ્વીકારી લઈએ તો પણ જીવનની ઘણી વિટંબણાઓમાં હળવાશ આવી જાય અને એ હળવાશથી જીવનનો ભાર હળવો થઈ જાય. જે કામ કરવાનું નથી, જે કામની મનાઈ છે એ કામ કરવું જ નથી. જે દિશામાં ચાલવું નથી, જે દિશાને દરેક રીતે ગેરવાજબી ઘોષિત કરવામાં આવી છે એ માર્ગને ક્યારેય પકડવો જ નથી. જે સંગત ગેરવાજબી છે, જે સંગતને ગેરસોબત કહી દેવામાં આવી છે એ સોબતને ક્યારેય સાથે નથી રાખવી. બસ, બહુ સામાન્ય સમજણની આ વાત છે અને એ વાતને સહજ રીતે જીવનમાં અપનાવવાની છે. એક વાત યાદ રાખજો કે મુશ્કેલીઓ ક્યારેય મોટી નથી હોતી, પણ એને મોટી બનાવવાનું કામ વ્યક્તિ કરે છે. પ્રભુને પ્રાર્થના કે એ મોટી બનાવવાની કુબુદ્ધિ સૂઝે નહીં અને સદ્બુદ્ધિ સદા સાથે રહે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists astrology life and style