માનસિક-બૌદ્ધિક સ્વસ્થતા વિનાનો માણસ ખોટો નિર્ણય કરી બેસે

25 July, 2022 01:47 PM IST  |  Mumbai | Swami Satchidananda

અહીં નશો એટલે માત્ર શરાબ કે તમાકુના નશાની વાત નથી. અહીં વાત તમામ પ્રકારના નશાની છે. હું કહીશ કે સૌથી ખરાબ જો કોઈ નશો હોય તો એ સત્તાનો નશો છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

અગાઉ કહ્યું છે, આજે ફરીથી કહું છું અને સદાકાળ કહેતો રહીશ કે સત્તા સર્વોચ્ચ શક્તિ છે અને શક્તિમાં નશો કરવાની ક્ષમતા હોય છે અને આ જ કારણ છે કે નાની-મોટી સત્તાની ખુરસી પર બેસનારને નશો ચડતો હોય છે. જોકે એક વાત યાદ રાખજો કે નશો અને સ્વસ્થતા બન્ને સાથે રહી શકતાં નથી. અહીં નશો એટલે માત્ર શરાબ કે તમાકુના નશાની વાત નથી. અહીં વાત તમામ પ્રકારના નશાની છે. હું કહીશ કે સૌથી ખરાબ જો કોઈ નશો હોય તો એ સત્તાનો નશો છે.
માનસિક-બૌદ્ધિક સ્વસ્થતા વિનાનો માણસ ખોટો નિર્ણય કરી બેસતો હોય છે. ખોટા નિર્ણયોથી પ્રજા અને રાષ્ટ્ર દુખી થતાં હોય છે. દુખી પ્રજા ખોટા નિર્ણાયકોને ત્યાગી દેતી હોય છે. પ્રજા અને ખોટા નિર્ણાયકો વચ્ચે સંઘર્ષ થયા કરતો હોય છે. આમાં બન્ને પક્ષે હાનિ અને દુ:ખ થતાં હોય છે એટલે સાચા નિર્ણયો કરવાથી સૌનું ભલું થતું હોય છે. સાચા નિર્ણયો કરવા સ્વસ્થતા જરૂરી છે. જો સત્તાધીશ માણસ અહંકારના દૂષણને ત્યાગી શકે તો તે ઉત્તમ શાસક થઈ શકે છે. તે વિક્રમાદિત્ય કે જનક જેવો ઉત્તમ રાજા થઈ શકે છે. જરૂર છે સત્તાથી ઉત્પન્ન થતાં દૂષણોના ત્યાગની, નહીં કે સત્તાત્યાગની.
વાચસ્પતિ મિશ્રે એક સુંદર ઉક્તિ લખી છે : ‘ક્ષેત્રાણિ કથં નોપ્યન્તે? મૃગા: સન્નીતિ.’ 
અર્થ પણ સમજી લો. કોઈએ પૂછ્યું કે ‘ખેતરોમાં અનાજ કેમ વાવ્યું નથી?’
તો જવાબ મળ્યો, ‘મૃગો વધી ગયાં છે. એ બધું ચરી જાય છે એટલે.’ 
ફરી પાછું કોઈએ પૂછ્યું કે ‘સ્થાલયો કથં નાધીયન્તે? ભિક્ષુકા: સન્તીતિ.’ 
અર્થાત્ આજે ચૂલા પર ભોજન બનાવવાની તપેલી કેમ ચડાવી નથી?
જવાબ મળ્યો કે ભિક્ષુકો વધી ગયા છે, તેઓ આખો દિવસ માગવા આવે છે એટલે કશું ન રાંધવું જ સારું છે. 
એક જ જવાબ આપવાનો થાય કે આજે રાંધ્યું નથી.
આવી જ દશા સત્તાનાં દૂષણોથી ગભરાઈને સત્તાત્યાગ કરનારની પણ છે. તમે સત્તાનાં દૂષણોનો ત્યાગ કરો, સત્તાનો નહીં. સત્તાનો ત્યાગ કરશો તો ગુંડાઓ સત્તાનો કબજો કરી લેશે જેથી પ્રજા અને રાષ્ટ્ર મહાન દુખી થશે.
સત્તાનું દૂષણ અહંકાર, ગર્વ, ઘમંડ જેવાં અહિતકારી તત્ત્વો છે. એનો ત્યાગ ઈશ્વરને સમર્પિત થવાથી, ઈશ્વરની કૃપા અનુભવવાથી, એમને નમસ્કાર કરવાથી, માતા-પિતા, વડીલો તથા ગુરુજનોને વંદન કરતા રહેવાથી તથા તેમની સલાહ પૂછતા રહેવાથી, સત્સંગ કરતા રહેવાથી થાય છે, અહંકાર ઓછો થતો હોય છે. અહંકાર વિનાનો સત્તાધીશ માણસ મજબૂત અને મક્કમ હોઈ શકે છે.

astrology columnists swami sachchidananda