ઉચિત માગ અને કુનેહપૂર્વકનો માર્ગ અત્યંત આવશ્યક અને જરૂરી છે

26 November, 2022 06:45 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

સ્વચ્છંદતાનું જોર વ્યાપક છે. પતનના માર્ગે લઈ જતાં પ્રલોભનો પાર વિનાનાં છે. આ સ્થિતિમાં દીકરો ‘ખોવાઈ’ જાય એવી પૂરી શક્યતા છે. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

‘પપ્પા, મારે ગાડી લેવી છે!’
‘પણ શાને માટે?’
‘બસ, એમ જ જોઈએ છે.’
‘એ તો સાંભળ્યું, પણ તને એ શા માટે જોઈએ છે?’
ફરી એ જ જવાબ મળ્યો, ‘બસ, એમ જ જોઈએ છે.’
બાપની આગળ દીકરાએ આ વાત મૂકી અને પિતાજી વિચારમાં ચડી ગયા. મનમાં થયું કે દીકરો મારો છે. સંસ્કારી પણ છે અને સાથે વિનયી પણ છે. 
આ ઉંમરે તેને ગાડી અપાવવામાં કોઈ વાંધો પણ નથી, પરંતુ હજી તો તે ભણી રહ્યો છે. વય યુવાનીની છે. વાતાવરણમાં વિલાસ છે. સ્વચ્છંદતાનું જોર વ્યાપક છે. પતનના માર્ગે લઈ જતાં પ્રલોભનો પાર વિનાનાં છે. આ સ્થિતિમાં દીકરો ‘ખોવાઈ’ જાય એવી પૂરી શક્યતા છે. 
પિતાએ કંઈક વિચાર્યું અને પછી ફરી દીકરાને સવાલ કર્યો.
‘બેટા, ગાડી કેટલાની લેવી છે...’ 
‘ત્રણ-ચાર લાખની.’
‘એક કામ આપણે કરીએ...’
‘શું?’
‘તું મારી સાથે ચાલ બૅન્કમાં...’
‘પણ શાને માટે?’
‘બૅન્કમાં તારા નામે ખાતું ખોલાવવું છે અને એમાં ચાર લાખ રૂપિયા મારે જમા કરાવવા છે.’ 
‘પણ પપ્પા, મારે તો ગાડી લેવી છે.’
‘એક વાત ખાસ સમજી રાખ કે ગાડી મારે તને અપાવવાની છે જરૂર, પણ...’ 
‘પણ શું?’
‘ગાડીમાં પેટ્રોલ પુરાવવાના પૈસા તું પોતે કમાઈ શકે એ દિવસે મારે તને ગાડી અપાવવાની છે. તારો બાપ તને ગાડી લઈ આપે, પણ એ ગાડીમાં પુરાવવાના પેટ્રોલના પૈસા તો તારે જ કમાવા પડે. કમસે કમ તને ખ્યાલ તો આવે કે પૈસા કઈ રીતે કમાઈ શકાય છે?’
પિતાના આ તર્કનો દીકરા પાસે કોઈ જવાબ નહોતો તો દીકરાની ઉચિત માગને ઠુકરાવી દેવાનો પણ પિતાજીનો કોઈ ઇરાદો નહોતો. 
પ્રશ્ન હતો માત્ર યોગ્ય સમય સાચવી લેવાનો અને પિતાજીએ ખૂબ કુનેહપૂર્વક એમાં સફળતા મેળવી લીધી. દીકરાનું જીવન તો બચી જ ગયું, પણ દીકરાનો પિતાજી પ્રત્યેનો પ્રેમ પણ અકબંધ રહ્યો. 
સંતાનોને સાચી વાત સમજાવવા માટે જરૂર છે આ જ રીતે કુનેહની, જે દરેક માબાપ પોતાનાં સંતાનો પાસે દેખાડે અને સંતાનોનું જીવન વાજબી રીતે બચાવી તેને સાચી શીખ આપે.

astrology columnists