પાકિસ્તાની નાટક ‘ગીધ’માં સરળ સ્ત્રીઓની પેચીદી જિંદગીની વાત

27 January, 2021 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાની નાટક ‘ગીધ’માં સરળ સ્ત્રીઓની પેચીદી જિંદગીની વાત

સરહદ પારથી આપણી સ્ક્રીન્સ ટેલિપ્લેના ફોર્મેટમાં પહોંચેલા આ નાટકમાં બે સ્ત્રીઓની વાત છે જેમની જિંદગી એક જ પુરુષને કારણે એકબીજા સાથે કનેક્ટેડ છે

ઝી થિએટરના તાજેતરમાં જ રિલીઝ થયેલા ટેલિપ્લે ‘ગીધ’ની ખાસિયત છે તેની પાકિસ્તાની અભિનેત્રી સના જાફરી અને તેના ફિલ્મિંગ ડાયરેક્ટર રાઇટર કંવલ ખૂસટ. સરહદ પારથી આપણી સ્ક્રીન્સ ટેલિપ્લેના ફોર્મેટમાં પહોંચેલા આ નાટકમાં બે સ્ત્રીઓની વાત છે જેમની જિંદગી એક જ પુરુષને કારણે એકબીજા સાથે કનેક્ટેડ છે.

સલીમાની બંધિયાર જિંદગીમાં સલમાની એન્ટ્રી થાય છે જે કહે છે કે તે તેની નણંદ છે, વાર્તા આગળ વધે છે અને બંન્ને સ્ત્રીઓને ખ્યાલ આવે છે કે જુનૈદ નામનો શખ્સ જે એકનો પતિ છે અને એકનો ભાઇ છે – તેને કારણે જ તેમન જિંદગીમાં જાતભાતની વિપદાઓ છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે જ્યારે ટેલિપ્લેના ડાયરેક્ટર કંવલ ખૂસટ અને અભિનેત્રી સના જાફરી સાથે વાત કરી ત્યારે તેમણે રસપ્રદ બાબતો શૅર કરી.

આ નાટક પર શા માટે કામ કર્યું તેની વાત કરતાં કંવલ ખૂસટે જણાવ્યું કે, “2012માં મેં એક વાર્તા લખી હતી તેની વાર્તા સાથે ગીધનો પ્લોટ બહુ મળતો આવે છે. મને એ વાર્તાના લખાણથી સંતોષ નહોતો, મારે તેને બહેતર બનાવવી હતી. 2018માં હું શેલજાને મળી અને અમે ઝી થિએટરના ટેલિપ્લેઝ અંગે શું કામ થઇ શકે તેની વાત કરી ત્યારે આ વાર્તાની ચર્ચા થઇ. તેમને આ વાર્તા ખુબ પસંદ આવી અને મેં તેની પર ફરી કામ કર્યું, મને પણ ખ્યાલ આવ્યો કે સમાજ જ નહીં પણ મારો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે, ઇવોલ્વ થયો છે અને ઝીણી ઝીણી ઘણી બાબતો મેં વધુ રસપ્રદ બનાવી. જાણીજોઈને વાર્તામાં રખાતી સંદિગ્ધતા ગીધના પ્લોટની ખાસિયત છે. મેં બને એટલા પ્રયોગાત્મક પ્રયાસ કર્યા અને આખી વાર્તા સતત બહેતર બનતી ગઇ. આ બંન્ને સ્ત્રીઓના પાત્રો સપાટી પર ડલ લાગી શકે છે પણ વાર્તા આગળ વધે અને તમને ખ્યાલ આવે કે પાત્રોમાં કેટલું ઉંડાણ છે.” તેમણે કહ્યું કે એક લેખક અને ડાયરેક્ટર તરીકે તેઓ ઘણું બધું આ પ્રોસેસમાં શીખ્યા અને દ્રષ્ટિકોણ કેળવી શક્યા. પોતાની જિંદગીમાં જોયેલી ઘણી બાબતો તેમણે આ વાર્તામાં વણી છે પણ એકદમ કૂનેહથી જેથી જે બાબતો બહાર ન આવવી જોઇએ તે ન આવે.

ઝી થિએટર સાથેના સંબંધને તેઓ ઘર જેવા ગણાવે છે.  તેમના બે નાટકો સાથે ઝાંઝર દી પાંવાન ઝનકાર અને મુશ્ક પણ ઝી5 પર જોઇ શકાય છે. ગીધ નાટકનું મંચન હજી પાકિસ્તાનમાં પણ નથી થયું પણ હવે તે ઝી થિએટર દ્વારા હવે વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે. નાટકના મેકિંગ અને તેના કથાનકનાં પાત્રોમાં એક તરત કળી ન શકાય તેવી ખાસિયત છે અને તે જ તેની વિશેષતા છે તેમ કંવલનું કહેવું છે. તેમના મતે પાત્રોમાં કશું જ દેખીતું ખાસ નથી પણ તેમની પેચીદગી બહુ રસપ્રદ છે.

પાકિસ્તાનમાં સ્ત્રીઓની સ્થિતિમાં આવેલા બદલાવો અને આપણા દેશ તથા વિશ્વભરમાં સ્ત્રીઓને લગતા પ્રશ્નો અંગે પૂછતાં કંવલ ખૂસટે જણાવ્યુ કે, “સપાટી ખોતરી પછી બધું સમાન જ હોય છે. લાગણીઓ, સમાજનું વર્ગિકરણ વગેરે તો ભારત અને પાકિસ્તાનમાં ઘણાં મળતા આવે છે. છતાં ય બે અલગ દેશ હોવાથી તફાવત તો હોવાના જ અને તે જ જિંદગી અને સમાજનું બંધારણ છે જે પ્રાકૃતિક રીતે છે જ. કોઇપણ બે દેશોની સ્ત્રીઓની સ્થિતિને એકબીજાથી સાવ અલગ કહેવી અને સાવ સમાન કહેવી યોગ્ય નથી.” સર્જનાત્મકતાની વાત કરીએ મેઇન સ્ટ્રીમ મીડિયાના બંધનો હોય પણ થિએટરના માધ્યમથી સ્ટોરી ટેલિંગમાં ઘણી વિવિધતા છે. થિએટરને ટેલિપ્લે તરીકે જોઇએ ત્યારે તેની સાથે દર્શક તેની સાથે કેવી રીતે કનેક્ટ થાય છે તે જોવું રહ્યું. કંવલ ખૂસટને ટેલિપ્લેનું ફોર્મેટ રસપ્રદ લાગે છે અને આ ટેલિપ્લે માટે પણ નાટકનાં સતત લાંબા રિહર્સલ્સ થયા કારણકે અંતે તો નાટક દર્શકો સામે રજુ તો કરવાનું આવશે જ. કંવલ ખૂસટના મતે ગીધ નાટકના ટેલિપ્લે ડાયરેક્શન વખતે લાઇવ થિએટરનો અનુભવ સતત જકડાયેલો રહે તેનો પુરો પ્રયત્ન કર્યો અને ટેલિપ્લેનું ગ્રામર તેઓ આ વખતે બહેતર સમજી શક્યા.

જ્યારે તેમને પૂછ્યું કે તેઓ ભારતમાં કામ કરવા આવે તો કોની સાથે કામ કરવાનું પસંદ કરશે તો તેમણે જણાવ્યું કે, “મને તો ભારત આવવાનું ગમશે જ. બૉલીવુડ ફિલ્મના બધાં જ ફેન્સ હોય છે અને હું નાની હતી ત્યારે મને બૉલીવુડની મેઇનસ્ટ્રીમ ફિલ્મો પસંદ હતી પણ હવે મને ઇન્ડિ સિનેમા પસંદ છે, આયુષ્માન ખુરાના ગમે છે, ક્વીન જેવી ફિલ્મો અને નેટફ્લિક્સ અને એમેઝોન પર બનેલી સિરીઝ પણ અમને ખૂબ ગમે છે. હું બૉલીવુડ મ્યુઝિક અને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની ફેન છું. ગુલઝાર સાબ તો મને સૌથી પ્રિય છે.”

સના જાફરીએ પોતાના આ નાટક સાથે જોડાવાના તથા ઝી સાથે કામ કરવાના અનુભવની વાત શરૂ કરી બાળપણની બૉલીવુડ યાદ સાથે. તેમણે કહ્યું કે, “બંન્ને દેશો વચ્ચે આર્ટને મામલે જે સંબંધ છે તે બહુ યુનિક અને રસપ્રદ છે. રાજકારણની વાત અલગ છે પણ આમ તો બંન્ને દેશ ભાઇ-બહેન જેવાં જ છે. મને બહુ એક્સાઇટમેન્ટ હતું કે હું પોતે ભારત તો નથી આવી શકી પણ મારું કામ એ ચેનલ્સ પર દેખાશે જે હું બાળપણમાં જોતી હતી, ભારતમાં દર્શકો મારું કામ જોઇ શકશે.”  આ નાટકમાં સ્ત્રી પાત્રો કેન્દ્રમાં છે અને તેની મૂળ લાગણીને સંબોધીને વાત કરતાં તેમણે કહ્યું કે, “આ નાટક પેટર્ન બ્રેક કરવા અંગે છે, પરંપરાઓના બોજને દૂર કરવાની વાત આ નાટકનું હાર્દ છે. શા માટે બધી જ બાબતોમાં કાળા અને સફેદની માફક જ ભેદ કરવો. રોજિંદી જિંદગી જીવવાના નિયમોનું વિષચક્ર તોડવું આ નાટકનું કેન્દ્ર છે એમ કહી શકાય”

કંવલ ખૂસટ સાથે કામ કરવાના અનુભવને તે તેમની જિંદગીના શ્રેષ્ઠ અનુભવમાંનો એક જણાવે છે. સનાએ કહ્યું કે, “આ નાટક બહુ જ સરસ રીતે અને લેયર્ડ વેમાં લખાયું છે. મને પણ નહોતી ખબર કે મારામાં શું આવડત છે પણ આ પ્રોસેસમાં હું ઘણું શીખી શકી. આ નાટક માટે જે પાંચ સ્ત્રીઓ ભેગી થઇને કામ કરી રહી હતી તેના લીધે રિહર્સલ્સની એનર્જી પણ અલગ હતી. જ્યાં સુધી દરેક સીન કે સંવાદ અંગે આ નાટક સાથે સંકળાયેલી વ્યક્તિને સત્યપૂર્ણ જોડાણ ન લાગે ત્યાં સુધી અમે તેની પર કામ કરતાં.” સના જાફરીને ટેલિપ્લેનું ફોર્મેટ ઘણું ચેલેન્જિંગ લાગ્યું કારણકે અહીં મંચ અને સ્ક્રીનનું હાયબ્રિડ પ્લેટફોર્મ ઘડવાનું હતું પણ થિએટર જેવા રિહર્સલ્સ અને શૂટ વખતે જે કેમેરા સાથેનો સંવાદ ધ્યાનમાં રાખવો એ જ કરવાનું રસપ્રદ રહ્યું.

ભારતમાં તે કોની સાથે કામ કરવા માગે છે તેમ પૂછતાં સનાએ કહ્યું કે, “અનુરાગ કશ્યપ, અનિંદિતા રોય ચૌધરી, મીરા નાયર, રિતેશ બાત્રા, અભિષેક ચૌબે અને આમિર ખાન જેવા દિગ્ગજો સાથે મને કામ કરવાનુ ગમશે. રાધિકા આપ્ટે, નવાઝુદ્દિન સિદીક્કી અને તબ્બુ પણ મારા ફેવરિટ છે અને મને ઇન્સ્પાયર કરે છે.”

કંવલ ખૂસટે આ ઇન્ટરવ્યુ માટે સના જાફરીને પણ એક સવાલ કર્યો જેમાં પૂછ્યું કે તમે સલીમાના પાત્રની કઇ બાબતની ઇર્ષ્યા આવે છે. સનાએ કહ્યું કે, “સલીમાના પાત્રને સાડી પહેરવા મળી હતી અને એ જોઇન મને થયું કે મને પણ આવું કંઇ પહેરવું હતું, અને એ પાછું મને પછીથી ખબર પડી હતી. વળી નાટક શરુ થાય ત્યારે સલીમા એક દવા લે છે, અને મારા મનમાં તેને લગતી બેક સ્ટોરી હતી જ. હું પણ એપિલેપ્સીની દવાઓ નિયમિત લીતે લઉં છુ અને મને હતું કે મારી પર્સનલ કંડિશનને કારણે આવું કંઇક મારા પાત્રમાં હોત તો કદાચ હું સ્ક્રીન પર સારી રીતે રજુ કરી શકી હોત.”

2020માં ઝી થિએટર પર રજુ થયેલું આ છેલ્લું નાટક હતું જે તમે હજી પણ ઝીથિએટર પર જોઇ શકો છો. કંવલ ખુસટની ફિલ્મ ઝિંદગી તમાશા, ઓસ્કાર એવોર્ડ્ઝમાં  વર્ષની ઑફિશ્યલ એન્ટ્રી છે. ગીધ નાટકમાં સાદી સરળ દેખાતી સ્ત્રીઓની જિંદગીની જટિલતા તમને જકડી લેશે તે ચોક્કસ.

zee5