16 August, 2023 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એલ્વિશ યાદવ
પહેલી વાર વાઇલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી મેળવનાર સ્પર્ધક શોનો વિજેતા બન્યો છે. ‘બિગ બૉસ ઓટીટી 2’નો વિનર એલ્વિશ યાદવ બન્યો છે. એલ્વિશ યુટ્યુબર છે અને તે રોસ્ટ વિડિયો બનાવતો હતો. જોકે ફેમસ થયા બાદ તે પૉલિટિક્સ તરફ વળ્યો છે. તે આ શોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે જોવા મળ્યો હતો. આ શોમાં ટૉપ થ્રી કન્ટેસ્ટન્ટમાં એલ્વિશની સાથે અભિષેક મલ્હાન અને મનીષા રાની હતાં. ફર્સ્ટ રનર-અપમાં અભિષેક આવ્યો હતો. તે પણ યુટ્યુબર છે. એલ્વિશને ટ્રોફીની સાથે ૨૫ લાખ રૂપિયા મળ્યા હતા. પોતાનો ફોટો શૅર કરીને એલ્વિશે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું કે ‘એલ્વિશ આર્મીનો હું આભાર માનું છું. આ તમારી જીત છે. શરૂઆતથી જ એ તમારી જીત હતી. તમારા વગર એલ્વિશ યાદવ કંઈ જ નથી. મેં આ ઘણી વાર કહ્યું છે અને આજે ફરીથી કહું છું. હું આટલા બધા પ્રેમને લાયક નથી, પરંતુ તમે લોકોએ હંમેશાં મને વધુને વધુ પ્રેમ આપ્યો છે. દરેક વસ્તુ માટે હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. હું તમારી ટ્રોફી લઈને આવ્યો છું. આ ટ્રોફી એલ્વિશ આર્મીની છે. બધું તમારું છે, હું પણ તમારો છું. હંમેશાં મારી સાથે રહેજો. મારી પાસે વધુ બોલવા માટે શબ્દ નથી. બસ, એટલું સમજો કે તમે છો તો હું છું. કરી નાખીને સિસ્ટમ હૅન્ગ?’