આનંદ તિવારી, “મને ગુજરાતી થાળી માટે હોય એવી ભૂખ સર્જનાત્મકતા માટે છે”

31 July, 2020 01:49 AM IST  |  Mumbai | Chirantana Bhatt

આનંદ તિવારી, “મને ગુજરાતી થાળી માટે હોય એવી ભૂખ સર્જનાત્મકતા માટે છે”

નસીરુદ્દીન શાહ સાથે સેટ પર આનંદ તિવારી

આનંદ તિવારી એડ ફિલ્મ્સ અને ફિલ્મોનો જાણીતો ચહેરો છે અને તેણે દિગ્દર્શન ક્ષેત્રે પણ બહુ રસપ્રદ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. 4થી ઑગસ્ટે તેણે ડાયરેક્ટ કરેલો નવો શો બંદિશ બેન્ડિટ્સ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવાનો છે. સંગીતની આસપાસ આ શોની વાર્તા રચાયેલી છે. આ અંગે આનંદ તિવારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવ્યું કે, “નસીરુદ્દીન શાહે આ શોમાં કામ કરાવની હા પાડી દીધી અને પછી તો મારે માટે તેમના પરફોર્મન્સમાંથી મેક્સિમમ મેળવવું એ જ ધ્યેય થઇ પડ્યું. શાસ્ત્રીય સંગીતજ્ઞના પાત્રને તેમણે કાબિલ-એ-દાદ ન્યાય આપ્યો છે અને એમાં આમે ય કોઇ બેમત નથી.”

સંગીત આધારીત શો ડિરેક્ટ કરનારા આનંદ તિવારી માટે સંગીત બહુ જ અગત્યનું છે. આ શોના સર્જક છે અમૃતપાલ બિંન્દ્રા અને તેમાં રિત્વિક ભૌમિક સાથે શ્રેયા ચૌધરી મ્યુઝિક પરફોર્મર્સનાં રોલમાં છે. રાધેનું પાત્ર ભજવનારા રિત્વિક નસીરુદ્દીન શાહનો પૌત્ર છે અને તેને માથે ઘરાનેદાર સંગીતની પરંપરા જાળવવાનો બોજ છે, તેણે ક્યારેય કોઇ નિયમો તોડ્યા નથી તો શ્રેયા જે પાત્ર ભજવે છે તે તમન્ના તો પૉપ સ્ટાર છે અને તે કોઇ બંધનોમાં માનતી નથી. આ બંન્ને પાત્રોની લવસ્ટોરી અને સંગીત આ શોનું હાર્દ છે.

 આનંદે આ અંગે વાત કરતા કહ્યું કે, “આ શોમાં લેખન વગેરેમાં પણ હું ઇન્વોલ્વ હતો પણ મારે માટે બહુ જરૂરી હતું કે સંગીત માટે કોઇ મોટાં માથા તૈયાર થાય અને શંકર અહેસાન લોયનું આ શો સાથે જોડાવું એ સૌથી મહત્વની બાબત રહી. તેમણે શોનું સ્તર વધારે બહેતર કરી દીધું. વળી આસિત પારેખે સિંગિંગ કોચ તરીકે બહુ સરસ કામ કર્યું છે.”

અમિત મિસ્ત્રી જે ગુજરાતી એક્ટર છે તે પણ આ શોનો હિસ્સો છે અને તેનો ખાસ ઉલ્લેખ કરતા આનંદે કહ્યું કે, “એ બહુ જ સારું ગાય છે પણ એને શોમાં ગાવાનો મોકો નથી મળતો એ વાત અલગ છે.”

પોતાના ગુજરાતી કનેક્શનની વાત કરતા અને પોતે ડિરેક્ટર, રાઇટર, એક્ટર બધા જ રોલ કરે છે તે અંગે આનંદ કહે છે, “હું ગુજરાતી પાડોશીઓ વચ્ચે ઉછર્યો છું અને જ્યારે મને કોઇ પુછે કે હું કેટલું કામ કરવા માંગુ છું ત્યારે હું કહું કે ગુજરાતી થાળી જમવા બેઠો હોય તેની ભૂખ ક્યારેય અટકે નહીં અને મારી ભૂખ પણ એ જ છે કે મારે બધું જ શીખવું છે. એક્ટિંગ તો હું આખી જિંદગી કરીશ પણ હાલમાં મારી પાસે એવી સ્ટોરીઝ છે જે રેલેવન્ટ છે, પ્રસ્તુત છે તો પછી હું હમણાં તો શોઝ કે ફિલ્મો બનાવીશ જ.”

આ શોને પગલે આનંદ જે મેળવ્યું છે તેની વાત કરતાં કહે છે, “સૌથી પહેલાં તો કોઇ પણ ઘરાનેદાર ગુરુને કંઇ હર્ટ થવાનું હોય તો એડવાન્સમાં સૉરી. પણ સંગીત તરફની સમજ અને દૃષ્ટિકોણ બદલવા માટે આ શો ચોક્કસ જોવો જોઇએ. શાસ્ત્રીય સંગીતને જાણ્યા પછી સંગીત સાથેની દોસ્તી સુધરે જ છે અને તમે તેની વધારે વેલ્યૂ કરતા શીખો છો.” આ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર એક સાથે 200 દેશોમાં જોઇ શકાશે અને તે 4થી ઑગસ્ટે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે.

web series amazon prime naseeruddin shah