વિક્રમ ગોખલે વેબ-શોમાં બનશે પીએમ નરેન્દ્ર મોદી

25 February, 2020 12:09 PM IST  |  Ahmedabad | Parth Dave

વિક્રમ ગોખલે વેબ-શોમાં બનશે પીએમ નરેન્દ્ર મોદી

અભિનેતા વિક્રમ ગોખલે

દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે ‘ઇન્ડિયા સ્ટ્રાઇક્સ બૅક’ નામના વેબ-શોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાત્રમાં જોવા મળશે. આ વેબ-સિરીઝ ભારતમાં પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય સેનાએ આતંકી કૅમ્પનો સફાયો કર્યો હતો એના પર આધારિત છે. આ પૉલિટિકલ ડ્રામા જાણીતા વિડિયો સ્ટ્રિમિંગ પ્લૅટફૉર્મ ઍમેઝૉન પ્રાઇમ પર જોવા મળશે એવી અટકળ છે.

અભિનેતા વિક્રમ ગોખલે મરાઠી થિયેટર, હિન્દી ફિલ્મો અને ટીવીનું પ્રખ્યાત નામ છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘ભુલભુલૈયા’, ‘મિશન મંગલ’, ‘અગ્નિપથ’, ‘નટસમ્રાટ’ જેવી ફિલ્મોથી દર્શકો તેમને ઓળખે છે. ‘ઇન્ડિયા સ્ટ્રાઇક્સ બૅક’માં વિક્રમ ગોખલે ઉપરાંત ‘તલવાર’ અને ‘હિચકી’ ફૅમ નીરજ કાબી તથા ‘એક વિલન’, ‘ગબ્બર ઇઝ બૅક’માં કામ કરી ચૂકેલી પ્રવીણા દેશપાંડે પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વિવેક ઑબેરૉય (પીએમ નરેન્દ્ર મોદી) અને મહેશ ઠાકુર (મોદી : જર્ની ઑફ ધ કૉમન મૅન) પીએમ નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી ચૂક્યા છે. આ ઉપરાંત, ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ (રજિત કપૂર), શૉર્ટ ફિલ્મ ‘ચલો જીતે હૈ’ (મંગેશ હડવલે)માં વડા પ્રધાન મોદીનું પાત્ર જોવા મળ્યું છે. આગામી ફિલ્મ ‘મન બૈરાગી’માં પણ યુવા નરેન્દ્ર મોદીની વાત હશે જેમાં લીડ રોલમાં અભય વર્મા છે.

vikram gokhale web series narendra modi parth dave