‘વાત વાતમાં રિટર્ન્સ’ Review : વાતો-વાતોમાં સંસ્કાર અને પ્રેમનું રાખે છે બેલેન્સ

29 July, 2022 05:33 PM IST  |  Mumbai | Rachana Joshi

કળયુગમાં પ્રેમ કરતા પણ સતયુગની જેમ માતા-પિતાના વચન અને સંસ્કારોને માન આપતા યંગ લવબર્ડની છે વાત

‘વાત વાતમાં રિટર્ન્સ’નું પોસ્ટર

વેબ સિરીઝ : વાત વાતમાં રિટર્ન્સ

કાસ્ટ : મલ્હાર ઠાકર, પૂજા જોષી, ચેતન દૈયા, કૃપા પંડ્યા, કલ્પેશ પટેલ, મોરલી પટેલ, નિસર્ગ ત્રિવેદી

લેખક : ભાર્ગવ ત્રિવેદી

ડિરેક્ટર : કર્તવ્ય શાહ

રેટિંગ : ૩.૫/૫

પ્લસ પોઇન્ટ : મલ્હાર પૂજાની કેમિસ્ટ્રી, પંચલાઇન (શાયરી)

માઇનસ પોઇન્ટ : લોકેશન, ભાષાની છૂટતી પકડ

‘વાત વાતમાં’ વેબ સિરીઝની બીજી સિઝન એટલે ‘વાત વાતમાં રિટર્ન્સ’. વેબ સિરીઝની પહેલી સિઝન જેણે જોઈ હશે તેને ખ્યાલ છે કે, સ્વંયમ (મલ્હાર ઠાકર) અને પહેલ (પૂજા જોષી) મેરેજ કન્સલટન્ટ હોય છે. પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડે છે. પહેલી સિઝનમાં તેમના વચ્ચે ફૂંટેલી પ્રેમની કુંપળ બીજી સિઝનમાં લગ્નમાં કઈ રીતે પરિણમે છે તે દર્શાવવામાં આવ્યું છે. પ્રેમ અને લગ્ન વચ્ચે સંસ્કારોનું બેલેન્સ કઈ રીતે જાળવવું તે સિરીઝમાં દર્શાવવામાં આવ્યું છે.

વેબ સિરીઝની વાર્તા

સ્વંયમ સૌરાષ્ટ્રમાં આવેલા એક ગામડામાં ઉછર્યો છે. જ્યારે પહેલ શહેરમાં. બન્ને લગ્ન કરવાનું વિચારે છે ત્યારે આ જ મુદો તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરે છે. પહેલના પિતા (નિસર્ગ ત્રિવેદી)ની દીકરીના લગ્ન માટે એક જ શરત હોય છે કે ગામડાનો છોકરો ન હોવો જોઈએ. જ્યારે સ્વંયના પિતા (કલ્પેશ પટેલ) બાળપણમાં મિત્રને આપેલા વચન માટે દીકરાના પ્રેમ લગ્ન કરાવવા નથી માંગતા. મા-બાપને લગ્ન માટે મનાવવા સ્વંયમ અને પહેલ તૈયારી કરતા હોય છે ત્યાં અચાનક તેઓ અમદાવાદ જ આવી જાય છે. આ બધા એક ઘરમાં ભેગા થાય ત્યારે રચાતી હેરાફેરી જોવા જેવી છે. આ ફેમેલીની સપોર્ટ સિસ્ટમ એટલે વકીલ (ચેતન દૈયા) અને તેમની પત્ની (કૃપા પંડ્યા). પ્રેમ લગ્ન કરવા છે પણ માતા-પિતાના આશીર્વાદ સાથે. ક્યારેક પ્રેમ તો ક્યારેય માતા-પિતામાંથી એકની પસંદગી કરવાની આવે છે પણ બન્ને મુખ્ય પાત્રો સંસ્કારને સંસ્કૃતિને મહત્વ આપીને આગળ વધે છે તે મુખ્ય બાબત છે.

પરફોર્મન્સ

મલ્હાર ઠાકરનો અમદાવાદી કેઝ્યુલ લુક તેના પાત્ર માટે યોગ્ય છે. પરંતુ તેનો સૌરાષ્ટ્રનો લહેકો વચ્ચે ક્યાંક ક્યાંક છૂટતો દેખાય છે. ક્યૂટ પૂજાની કેમિસ્ટ્રી મલ્હાર સાથે ખુબ જ સરસ છે. દેશી અને મૉડર્ન બન્ને લુકમાં પૂજા ખુબસુરત લાગે છે. નાના પણ મહત્વના પાત્રમાં ચેતન દૈયા હંમેશ મુજબ દિલ પર રાજ કરે છે, પરંતુ હજી વધુ અપેક્ષા રાખી શકાય. કૃપા પંડ્યા, કલ્પેશ પટેલ, મોરલી પટેલ પાત્રમાં યોગ્ય છે. જ્યારે નિસર્ગ ત્રિવેદીનું મૉડર્ન પપ્પાનું પાત્ર ક્યાંક વચ્ચે વચ્ચે છૂટી જતું દેખાય છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

સિરીઝના છ એપિસોડમાં વાર્તા એક પછી એક એમ સરળતાથી ચાલતી જાય છે. સ્ક્રિપ્ટમાં હજી હ્યુમર ઉમેરી શકાયું હોત તો વાંધો નહોતો. ક્યાંક વાર્તા એકદમ ટૂંકી કરી નાખવામાં આવી છે, જેને વિસ્તારપૂવક દર્શાવવામાં આવી હોત તો વધુ સારું લાગત.

તે સિવાય એક જ ઘર/લોકેશન પર ચાલતા સીન એક સમય પછી બોરિંગ લાગે છે. જોકે, ઘર-ઘરમાં ચાલતી વાતનું દિગ્દર્શન બરાબર પાટા પર ચાલે છે.

મ્યુઝિક

સિરિઝમાં મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ દર્શન શાહનું છે. સિરીઝ દરમિયાન બેકગ્રાઉન્ડ મ્યુઝિક લાગણીઓને યોગ્ય રીતે ન્યાય આપે છે.

જોવી કે નહીં?

મલ્હાર અને પૂજાની ક્યૂટ કેમિસ્ટ્રી જોવા માટે ચોક્કસ સિરિઝ જોવી જોઈએ.

entertainment news dhollywood news Web Series web series Malhar Thakar puja joshi rachana joshi