વૂટ સિલેક્ટની સિરીઝ અસુર વિશે જાણવા જેવું અસુરનું નામ 72 અવર્સ હતું

11 May, 2020 08:08 PM IST  |  Ahmedabad | Nirali Dave

વૂટ સિલેક્ટની સિરીઝ અસુર વિશે જાણવા જેવું અસુરનું નામ 72 અવર્સ હતું

નિરેન ભટ્ટ

‘અંતઃ અસ્થિ પ્રારંભઃ’ આ વાક્ય હાલમાં બહુ ‘ટ્રેન્ડિંગ’ બન્યું છે જેનું કારણ છે વૂટ સિલેક્ટ પ્લૅટફૉર્મની વેબ-સિરીઝ ‘અસુર’. માઇથોલૉજિકલ થ્રિલર વેબ-સિરીઝ ‘અસુર’ એના કન્સેપ્ટને લીધે અત્યંત પૉપ્યુલર બની છે અને એનો બીજો ભાગ ક્યારે આવે એની રાહ જોવાઈ રહી છે. અરશદ વારસી, બરુન સોબતી, અનુપ્રિયા ગોએન્કા સ્ટારર આ શોની સફળતાનું મુખ્ય કારણ એનું મજબૂત લેખન હતું. ગૌરવ શુક્લા આ સિરીઝના રાઇટર છે જેમણે અન્ય કો-રાઇટર્સ સાથે મળીને એપિસોડ લખ્યા છે અને તેઓમાંના એક કો-રાઇટર નીરેન ભટ્ટ છે. થોડા સમય પહેલાં આવેલી ફિલ્મ ‘બાલા’ તથા ‘ઇનસાઇડ એજ’ની બીજી સીઝન અને હાલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના અઢળક એપિસોડ્સ સહિત ગુજરાતી ફિલ્મો અને ગીતો લખી ચૂકેલા નીરેન ભટ્ટે ‘મિડ-ડે’ સાથે ‘અસુર’ સંદર્ભે વાત કરી.

પહેલાં માત્ર ફૉરેન્સિક થ્રિલર બનાવવાનું વિચાર્યું હતું
પહેલાં આ સિરીઝ માત્ર એક ફૉરેન્સિક થ્રિલર હતી જેનું નામ ‘72 અવર્સ’ વિચારવામાં આવ્યું હતું. વ્યક્તિનું મૃત્યુ થઈ જાય પછી ૭૨ કલાકમાં ફૉરેન્સિક એવિડન્સ મળી શકે છે એટલે સિરીઝને ફક્ત ફૉરેન્સિક જગત સુધી સીમિત રાખવામાં આવી હતી. એક કિલર ફૉરેન્સિક એક્સપર્ટને કિડનૅપ કરી જાય છે અને તેની પાસે મર્ડર કરાવે છે, જ્યારે બીજો ફૉરેન્સિક એક્સપર્ટ આ મર્ડર-મિસ્ટ્રી સૉલ્વ કરે છે. એ પછી જેમ સ્ટોરી ડેવલપ કરતા ગયા એમ કિલરની ફિલોસૉફીને માઇથોલૉજી સાથે જોડીને શોનું જોનર માઇથોલૉજિકલ થ્રિલર કરવામાં આવ્યું. એક કૅરૅક્ટર માઇથોલૉજીથી પ્રેરિત હોય અને પોતાને ‘અસુર’ માનતો હોય એવી કલ્પના કરવામાં આવી. કિલર એ ફિલોસૉફી પ્રમાણે ખૂન કરે તો શું થાય એના પર આખી વાર્તા બનાવવામાં આવી છે.

સંસ્કૃત ભાષા મોટી ચૅલેન્જ હતી
‘અસુર’ની સ્ટોરી ઊભી કરવા માટે ઉપનિષદ, કલ્કિપુરાણ, ભગવદ્ગીતાના શ્લોકો વગેરેનો રેફરન્સ લેવામાં આવ્યો છે. આ પુસ્તકોનો અભ્યાસ તેમ જ સીન પ્રમાણે એનું યોગ્ય ભાષાંતર થાય એ બહુ જરૂરી હતું. આજના જમાનામાં સંસ્કૃતમાં મહારત હોય એવા લોકો બહુ ઓછા છે એટલે ડિરેક્ટરથી માંડીને ઍક્ટર્સ માટે એ ચૅલેન્જિંગ હતું.

બીજા ભાગનું કામ શરૂ થઈ ચૂક્યું છે
મારા માટે ‘અસુર’ અત્યાર સુધીનો સૌથી ચૅલેન્જિંગ પ્રોજેક્ટ છે, કારણ કે અમે ફૉરેન્સિક સાયન્સ નથી ભણ્યા એટલે એ વિષયની માહિતી મેળવવી તેમ જ માઇથોલૉજી સાથે જોડવી એ પ્રોસેસ પડકારનારી હતી. આ સિરીઝના બીજા ભાગ માટે સ્ક્રિપ્ટનું કામ પણ શરૂ થઈ ગયું છે. આવતા વર્ષે એની બીજી સીઝન આવશે.