RAWના ફાઉન્ડર આર.એન.કાઓની જર્ની વેબ-સિરીઝમાં જોવા મળશે

02 July, 2020 09:09 PM IST  |  Ahmedabad | Nirali Dave

RAWના ફાઉન્ડર આર.એન.કાઓની જર્ની વેબ-સિરીઝમાં જોવા મળશે

આર. કે. યાદવના પુસ્તક ‘મિશન R&AW’ પર આધારિત સ્પાય થ્રિલર સિરીઝનું કામ ચાલી રહ્યું છે. આ પુસ્તક ભારતની ફોરેન ઇન્ટેલિજન્સ એજન્સી રો (ધ રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ)ની શરૂઆત અને તેના ફાઉન્ડર રામેશ્વરનાથ કાઓ પર કેન્દ્રિત છે જેમણે ભારતના અન્ય દેશો સાથેના વિવાદ ઉકેલવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આર.એન. કાઓ જ્યારે પૂર્વ-વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પર્સનલ સિક્યોરીટી ચીફ હતા ત્યારે ૧૯૬૨ના ઇન્ડો-ચાઈના યુદ્ધ દરમ્યાન મહત્વની કામગીરી કરી હતી. તો ૧૯૭૧માં પાકિસ્તાનનું વિઘટન કાઓ અને ફીલ્ડ માર્શલ સામ માણેકશાની જોઇન્ટ સ્ટ્રેટેજી હતી.
આ વેબ-સિરીઝનું ટાઈટલ હજુ નક્કી નથી પણ તેનું નિર્માણ બોહરા બ્રધર્સ કરવાના છે જેઓ ‘શાહિદ’ અને ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ સહિતની ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. સુનિલ બોહરાએ આ સિરીઝ વિશે જણાવ્યું કે, ‘છેલ્લા બે વરસથી મારી ટીમ આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને આ અત્યાર સુધીનો સૌથી પડકારજનક પ્રોજેક્ટ છે. આ સિરીઝનું શૂટિંગ ભારત, ચીન, બાંગ્લાદેશ અને યુએસમાં કરવામાં આવશે.’
હજુ સુધી આર.એન. કાઓની જર્ની કોઈ ફિલ્મમેકરે નથી બતાવી એટલે આ સિરીઝ સૌપ્રથમ હશે. જોકે કરણ જોહરે જાન્યુઆરી ૨૦૨૦માં નીતિન ગોખલેના પુસ્તક ‘આર.એન. કાઓ: જેન્ટલમેન સ્પાયમાસ્ટર’ પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરી છે.

web series entertainment news