‘હોસ્ટેજિસ 2’માં દિવ્યા દત્તા અને શિબાની દાંડેકરની એન્ટ્રી

17 March, 2020 04:45 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

‘હોસ્ટેજિસ 2’માં દિવ્યા દત્તા અને શિબાની દાંડેકરની એન્ટ્રી

શિબાની દાંડેકર

ડિજિટલ પ્લૅટફૉર્મ હૉટસ્ટાર ઍમેઝૉન પ્રાઇમ કે નેટફ્લિક્સ જેટલું પૉપ્યુલર ભલે ન હોય, પણ આ પ્લૅટફૉર્મ પર ‘ક્રિમિનલ જસ્ટિસ’ અને ‘હોસ્ટેજિસ’ જેવી ઓરિજિનલ સિરીઝે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. આ બન્ને સિરીઝની બીજી સીઝન આવવાની છે. મિસ્ટ્રી ક્રાઇમ થ્રિલર ‘હોસ્ટેજિસ’નું ડિરેક્શન જાણીતા ડિરેક્ટર સુધીર મિશ્રાએ કર્યું છે. તેઓ ‘ચમેલી’, ‘યે સાલી ઝિંદગી’ જેવી ફિલ્મોના સ્ક્રીનરાઇટર-ડિરેક્ટર રહી ચૂક્યા છે.

‘હોસ્ટેજિસ’માં સર્જ્યન ડૉ. મીરા આનંદ (ટિસ્કા ચોપડા)ને મુખ્ય પ્રધાનનું ઑપરેશન કરવાનું હોય છે, પણ એ પહેલાં જ મીરા અને તેના પરિવારને બંધક બનાવવામાં આવે છે. પોતાના પરિવારને બચાવવા માટે મીરાને સર્જરી દરમ્યાન મુખ્ય પ્રધાનનું ખૂન કરવાનું કહેવામાં આવે છે એથી મીરા માટે ‘કરો યા મરો’ની સ્થિતિ સર્જાય છે.

આ સિરીઝમાં ટિસ્કા ચોપડા ઉપરાંત, રોનિત રૉય, આશિમ ગુલાટી, દલીપ તાહિલ, પરવીન દબાસ વગેરે કલાકારો છે. શોની બીજી સીઝનમાં આ કલાકારો ઉપરાંત દિવ્યા દત્તા (‘વીર-ઝારા’, ‘બાગબાન’ ફેમ) અને શિબાની દાંડેકર (‘રૉય’, ‘સુલતાન’ ફેમ) પણ જોવા મળશે. સિંગર અને ઍક્ટ્રેસ શિબાની દાંડેકર ઍમેઝૉન પ્રાઇમની વેબ-સિરીઝ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની બીજી સીઝનમાં પણ જોવા મળશે.

web series netflix divya dutta shibani dandekar television news