‘સકુબાઇ’ એટલે કે સાધારણમાં અસાધારણનું તેજઃ સરિતા જોષી

12 September, 2020 02:32 PM IST  |  Mumbai | Chirantana Bhatt

‘સકુબાઇ’ એટલે કે સાધારણમાં અસાધારણનું તેજઃ સરિતા જોષી

સરિતા જોષી

સામાન્ય માણસની જિંદગીમાં જેટલી અસાધારણતા હોય છે એટલી કદાચ કોઇ જ અસાધારણ માણસની જિંદગીમા નથી હોતી. ઝી થિએટરનું નાટક ‘સકુબાઇ’ એક આવી જ સાધારણ પણ છતાં ય અચંબિત કરી નાખે એવી જિંદગીની વાત કરે છે. ગુજરાતી રંગમંચને જેને કારણે ઉજાસ મળ્યો છે તેવા સરિતા જોષી વીસ વર્ષથી આ નાટક પરફોર્મ કરે છે. આ એક મોનોલૉગ એટલે કે સોલો પરફોર્મન્સ છે. નાદિરા બબ્બરે આ નાટક ડાયરેક્ટ કર્યુ છે. અત્યાર સુધી રંગમંચના લાઇવ પરફોર્મન્સ બાદ હવે આ નાટક ટેલિ પ્લે રૂપે ઝી થિએટર પર જોઇ શકાશે અને આખો મહિનો ડિશ ટીવી પર પણ જોઇ શકાશે.

વયને મામલે એંશીના આંકડાને આંબવાના જ છે તેવાં સરીતા જોશીએ જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે આ નાટક અંગે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, “આ એક વન વુમન શો છે, જ્યારે આ સ્ક્રિપ્ટ મારી પાસે આવી ત્યારે મને શરૂઆતમાં ખૂબ વાચાળ લાગી, હું શ્યૉર નહોતી પણ મારી દીકરી પૂર્વી સાથે વાત થઇ અને પછી મને જે બદલવા જેવું લાગ્યું તે મેં બદલ્યું, મારી રીતે ઇમ્પ્રોવાઇઝેશન પણ કર્યા. નાદિરાજી એક એવા ડાયરેક્ટર છે જે એક્ટરને પ્રેરે અને નવું કરવાની, આગવી રીતે કે પોતાની રીતે પરફોર્મન્સમાં ઉંજણ પૂરવાની છૂટ આપે અને એટલે જ આ નાટક આટલા વર્ષોથી અને આટલા વર્ષો પછી પણ પ્રસ્તુત છે, પ્રાસંગિક છે.” તેમણે સકુબાઇ પાત્રની વાત કરતાં આ એક વ્યક્તિ દરેકના જીવનમાં કેટલી મહત્વની હોય છે છતાં ય તેની નોંધ લેવાનુ ચૂકી જવાય છેની ટકોર કરતાં ઉમેર્યું કે, “મહારાષ્ટ્રીયન કાષ્ટા સાડી પહેરનારી, મોટેભાગે રત્નાગીરી પૂના તરફની હોય તેવી બાઇઓ વર્ષોથી લોકોનાં ઘરકામ કરતી આવી છે. તેમને સકુબાઇ નામ મળ્યું, આમ પારસીઓએ આપ્યું. મારા ઘરે પણ મેં સકુબાઇને આવતાં-જતાં જોઇ છે, તેનો સ્પિરીટ જોયો છે. જેવી તેમની મજબુત કાઠી હોય છે તેવા તે મનનાં પણ કઠણ હોય છે. જિંદગી પ્રત્યેનો તેમનો અભિગમ એટલી હદે સાહજિક હોય છે કે આપણે પણ વિચારતા થઇ જઇએ. મારે ઘરે કામ કરવા આવતી આવી જ એક સકુબાઇ એકવાર કહ્યા વિના રજા પર ગઇ, મને ચિંતા થઇ અને ત્યારે સૅલફોનનો જમાનો નહોતો. બે દિવસ પછી આવી ત્યારે આંખો રડીને લાલઘુમ, મને કહે ‘નવરા વારલા’, એટલે કે તેનો વર ગુજરી ગયો હતો. તે કામ પાછી આવી ગઇ હતી, ૪૮ કલાકમાં જ. આ તેમની કરેજ છે, આ તેમનું લાગણીઓનું બૅલેન્સ છે. આ તેમનું પ્રોફેશનાલિઝમ છે જે આજકાલ બાઇઓમાં તો શું સામન્ય લોકોમાં ય જોવા નથી મળતું.” ૨૦ વર્ષથી જે પાત્ર ભજવ્યું છે તે સાથે અઢળક સ્મૃતિઓ પણ હોય તે સ્વાભાવિક છે. આવી જ કંઇક યાદો વાગોળતાં સરિતા જોષી કહે છે, “શબાના આઝમીના પિતા કૈફી આઝમીએ આ પરફોર્મન્સને વખાણ્યું હતું તો શશી કપૂરે પૃથ્વીમાં એક શો બાદ મને કહ્યું હતું કે, ‘મારા પિતા, પૃથ્વીરાજ કપૂરે તમને આ પરફોર્મ કરતાં જોવા જોઇએ’ તો શોલે ફિલ્મનાં સર્જક રમેશ સિપ્પીને પણ આ પરફોર્મન્સ બહુ જ પસંદ આવ્યું હતું. આવા પરફોર્ન્સમાં માનસિક અને શારીરિક બંન્ને શક્તિઓ જોઇએ અને ઈશ્વર અને દર્શકોનો ભાવ આ મામલે હંમેશા મારી પડખે રહ્યો છે.”

આ પણ વાંચોઃ એક સાંજનું નામ 'સરિતા જોષી' : જાજરમાન શબ્દનો ઠસ્સો વધારતી પ્રતિભા

સરિતાબહેન કહે છે કે, “આપણે લૉકડાઉનમાં આ તમામનું મૂલ્ય સમજ્યાં છીએ, કદાચ તેમના અભિગમ અને એપ્રોચને પણ સમજતાં થઇશું. મેં લૉકડાઉનમાં ઘણું ખરું જાતે કર્યું, થાક લાગે પણ એમ કંઇ બેસી રહેવાનું પોસાય નહીં.”

કાષ્ટાનાં લૂગડાંની આમન્યા, આર્થિક રીતે સ્વતંત્ર હોવાની ગરિમાથી માંડીને કામ પ્રત્યેની કટિબદ્ધતા સાથે જિંદગીને યથાવત્ સ્વીકારવાની વાત આ પાત્રની વિશેષતાઓ છે. લૉકડાઉનમાં ઝી થિએટરે શ્રેષ્ઠતમ નાટકોને ડિજીટલ માધ્યમથી લોકો સુધી પહોંચાડ્યા છે ત્યારે સાધારણમાં રહેલા અસાધારણની ઝલક મેળવવાનો મોકો જતો ન કરવો જોઇએ.

entertainment news