28 November, 2026 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમય રૈના
સ્ટૅન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે. તેની યુટ્યુબ ચૅનલના પેઇડ મેમ્બર્સની સંખ્યા ૧૦ લાખને પાર થઈ ગઈ છે. આ સિદ્ધિ મેળવનારો તે વિશ્વનો પ્રથમ યુટ્યુબર બન્યો છે. યુટ્યુબે ગૂગલ ઇન્ડિયાના બ્લૉગ પર પોસ્ટ કરીને આ સિદ્ધિની સત્તાવાર પુષ્ટિ કરી હતી. પ્લૅટફૉર્મે સમયને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે તેણે પોતાના કન્ટેન્ટ અને શો દ્વારા દર્શકો સાથે મજબૂત જોડાણ ઊભું કર્યું છે. સમયના લોકપ્રિય શો ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ની બીજી સીઝન પૂરી થયાના થોડા દિવસો બાદ આ સિદ્ધિ સામે આવી છે. આ સીઝન યુટ્યુબ અને નેટફ્લિક્સ બન્ને પર પ્રસારિત થઈ હતી. જોકે કેટલાક એપિસોડ સમયની યુટ્યુબ ચૅનલના પેઇડ મેમ્બર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ગૂગલ ઇન્ડિયાના બ્લૉગમાં જણાવવામાં આવ્યું હતું કે સમયના એક મિલ્યન મેમ્બર્સના આંકડા સુધી પહોંચવાથી એક નવા ટ્રેન્ડનો સંકેત મળે છે. હવે દર્શકો પોતાના મનપસંદ કન્ટેન્ટ ક્રીએટર્સને પેઇડ મેમ્બરશિપ દ્વારા આર્થિક રીતે પણ ટેકો આપી રહ્યા છે.