12 October, 2022 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેત્રી એલનાઝ નૌરોજીએ શેર કરેલા વીડિયોમાંથી (તસવીર: સૌ. ઈન્સ્ટાગ્રામ)
ઈરાનમાં ચાલી રહેલા મહિલાઓ પર અત્યાચાર વિરુદ્ધ હવે બૉલિવૂડમાં પણ મોરચો જોવા મળી રહ્યો છે. બોલીવુડ અભિનેત્રી એલનાઝ નૌરોજી(Elnaaz norouzi)એ હવે આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. અલનાઝે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જે આ સમયે ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં અલનાઝ નૌરોજી તેના કપડા બદલતા નજરે પડે છે. વીડિયોમાં અલનાઝે એક પછી એક કપડાં ઉતારીને ઈરાનમાં મહિલાઓ વિરુદ્ધ ચાલી રહેલા મોરલ પોલીસિંગ પર પોતાનો અવાજ ઉઠાવ્યો છે. વીડિયો શેર કરતી વખતે અલનાઝે કહ્યું છે કે મહિલાઓને શું પહેરવું જોઈએ અને શું ન પહેરવું જોઈએ તે કહેવાનો કોઈને અધિકાર નથી. તેમને તેમની પસંદગીના કપડાં પહેરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ.
વિડિયો શેર કરતા એલનાઝે કેપ્શનમાં લખ્યું છે કે, "દુનિયામાં ગમે ત્યાં, દરેક મહિલાને જે ગમે તે પહેરવાનો અધિકાર હોવો જોઈએ અને જ્યારે પણ અથવા જ્યાં પણ તે ઈચ્છે તે પહેરવાનો અધિકાર હોવો જોઈએ. કોઈ પુરુષ કે અન્ય કોઈ મહિલાને આ અધિકાર નથી કે તેઓ તેણીની ચરિત્રનું આંકન કરે કે તેણીને અન્ય કપડાં પહેરવા કહે.` વધુમાં અભિનેત્રીએ કહ્યું કે "દરેકના અલગ-અલગ મંતવ્યો અને માન્યતાઓ હોય છે અને તેનું સન્માન કરવું જોઈએ. લોકશાહીનો અર્થ નિર્ણય લેવાની શક્તિ છે... દરેક સ્ત્રી પાસે પોતાના શરીર વિશે નિર્ણય લેવાની સત્તા હોવી જોઈએ. હું નગ્નતાને નહીં મહિલાની ચોઈસ સ્વતંત્રતાને પ્રોત્સાહન આપી રહું છું."
એક્ટિંગમાં કરિયર શરૂ કરતા પહેલા અલનાઝે 10 વર્ષ સુધી ઇન્ટરનેશનલ મોડલ તરીકે કામ કર્યું હતું. તેણે Dior, Lacoste, Le Coq Sportive જેવી બ્રાન્ડ સાથે કામ કર્યું છે. આ સાથે તેણે પર્શિયન પરંપરાગત નૃત્યની તાલીમ લીધી છે અને આ દિવસોમાં કથક નૃત્ય પણ શીખી રહી છે. એલનાઝ નૌરોજી પ્રખ્યાત વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં જોવા મળી હતી.